વિંછીયા તાલુકા ના મોઢુકા ગામે અંદાજે 5 વર્ષ પેલા બનેલું પશુ દવાખાનું છેલ્લાં ઘણાં સમય થી ખંઢેર હાલતમાં
વિંછીયા તાલુકાના આસપાસના ગામોમાં ઉદ્યોગોનો વિકાસ એકદમ શૂન્ય હોવાથી મોટાભાગના લોકો રોજગારી મેળવવા માટે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધાર રાખી રહ્યા છે. વિંછીયા વિસ્તાર ખેતી આધારિત હોવાથી મોટાભાગના લોકોના ઘરે દુધાળા પશુઓ જોવા મળે છે. સાથોસાથ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો પણ આ પંથકમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાથી આ વિસ્તારમાં પશુઓની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે વિંછીયા તાલુકાના મોઢુકા ગામમાં સરકાર દ્વારા લાખોના ખર્ચે અંદાજે 5 વર્ષ પહેલા પશુપાલકોની સુખાકારી માટે પશુ દવાખાનું બનાવવામાં આવ્યું હતું. જો કે શરૂઆતના દિવસોમાં કાયમી પશુ ચિકિત્સકની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કાયમી પશુ ચિકિત્સક કે અન્ય સ્ટાફની આજદિન સુધીમાં નિમણુંક જ કરવામાં આવી ન હોવાથી આ પશુ દવાખાનું છેલ્લા ઘણા વર્ષોથી ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના પશુપાલકોને પોતાના પશુઓ ગમે ત્યારે બિમાર પડે ત્યારે સારવાર માટે ખાનગી પશુ ડોક્ટરને બોલાવવા પડી રહ્યા છે. જેથી ખંઢેર હાલતમાં પડેલ આ પશુ દવાખાનામાં કાયમી ડોક્ટરો અને સ્ટાફની રાજ્ય સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવે તેવી આ વિસ્તારના પશુપાલકોની માંગ ઉઠવા પામી છે. જો કે આ પશુ દવાખાનું ખંઢેર હાલતમાં હોય ત્યારે પશુ ડોક્ટરની વાત જ ક્યાં રહે છે. ત્યારે સવાલ એ થાય છે કે, જો રાજ્ય સરકાર દ્વારા આ પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર કે સ્ટાફની નિમણુંક જ કરવાની થતી ન હતી તો શા માટે લાખોના ખર્ચે આ નવું પશુ દવાખાનું બનાવ્યું?. શું આ પશુ દવાખાનાને ખંઢેર બનાવવા માટે સરકારે લાખો રૂપિયા ખર્ચ્યા છે? વગેરે વેધક સવાલો મોઢુકા ગામ સહિતના આસપાસના ગામોના પશુપાલકોમાં ઉઠી રહ્યા છે.
છેલ્લા દોઢેક વર્ષથી કોઈ પશુ ડોક્ટર જ ડોકાયા નથી: રશીદભાઈ લોહિયા-સામાજિક આગેવાન,મોઢુકા.
અમારા ગામમાં પશુ દવાખાનાનું આવેલું છે જેમાં છેલ્લા દોઢેક વર્ષથી કોઈ કાયમી ડોક્ટર જ નથી. જેના લીધે દવાખાનાનો મેઈન ગેઈટ જ ગાયબ થઈ ગયો છે અને દવાખાનામાં લાઈટ ન હોવાથી અંધારપટ જ રહે છે. આ દવાખાનું અંદાજે 5 વર્ષ પહેલા બન્યું છે. પરંતુ બન્યાના થોડા દિવસ માટે જ ડોક્ટર આવતા હતા. પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી કોઈ ડોક્ટર આવતા જ નથી. આ દવાખાનામાં કોઈ ડોક્ટર જ હાજર રહેતા ન હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ દવાખાનામાં રહેલા ટેબલ, ખુરશી પણ ધૂળ ખાઈ રહ્યા છે. 1962 હેલ્પલાઈનમાં કોઈ પશુપાલક ફોન કરે તો યોગ્ય જવાબો મળતા નથી. જેથી રાજ્ય સરકાર દ્વારા અમારા મોઢુકા ગામમાં કાયમી પશુ ડોક્ટરની નિમણુંક કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
છેલ્લા દોઢેક વર્ષથી આ દવાખાનામાં કોઈ કાયમી ડોક્ટર જ નથી: અલ્પેશભાઈ મેર-આઉટસોર્સ કર્મચારી,મોઢુકા.
હું બે મહિનાથી આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવું છું. આ પશુ દવાખાનું અંદાજે 5 વર્ષ પહેલા બન્યું છે. એ સમયે ડો.મકવાણા આ દવાખાનામાં પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવતા હતા. જેમણે એક-બે વર્ષ સુધી દવાખાનું સંભાળ્યું હતું અને તેઓની બદલી થઈ ગઈ હતી. ત્યારબાદ આજદિન સુધીમાં ઈન્ચાર્જમાં જ આ દવાખાનું ચાલે છે. છેલ્લા દોઢેક વર્ષથી આ દવાખાનામાં કોઈ કાયમી ડોક્ટર જ નથી. જે કોઈ પશુપાલકને દવા લેવાની હોય તે મને ફોન કરે છે અને જે દવાઓ હાજર હોય તે હું ડોક્ટરને પૂછીને આપું છું. કોઈ કાયમી ડોક્ટર ન હોવાથી હાલ મોટાભાગની દવાઓ હાજર પણ હોતી નથી. આ દવાખાનાનો એક દરવાજો ગાયબ થઈ ગયો હતો એટલે મેં બીજો દરવાજો કોઈ લઈ ન જાય તે માટે કાઢીને સાચવીને રાખી દીધો છે. મારે કોઈ કેમ્પ હોય તો સરપંચ સહિતને જાણ કરવાની હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.