સફાઈ કામદાર મહિલાની પજવણી કરતા સુપરવાઈઝર સામે પોલીસ મથકે - હલ્લાબોલ - At This Time

સફાઈ કામદાર મહિલાની પજવણી કરતા સુપરવાઈઝર સામે પોલીસ મથકે – હલ્લાબોલ


વોર્ડ નં.10માં છેલ્લા છ માસથી મહિલા સફાઈ કામદારની પજવણી કરતા સુપરવાઈઝરથી કંટાળી સફાઈ કામદારોએ યુનિ. પોલીસ મથકે હલ્લાબોલ કરી ફરીયાદ નોંધવાની ગુહાર લગાવી હતી. પરંતુ અંતે પોલીસે જતું કરવાની ભાવના રાખવાની વાત કરી બન્ને પક્ષે સમાધાન કરાવી ઘીના ઠામમાં ઘી પાડી દીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર રહેતા પૂર્વ સફાઈ કામદારે જણાવ્યું હતું કે તે અને તેમની પત્ની વોર્ડ નં.10માં કાલાવડ રોડ પર આવેલ જડુસ હોટલથી એ.જી. ચોક સુધીના વિસ્તારમાં સફાઈ કામ કરવા માટે છ માસ પહેલા કોન્ટ્રાકટ બેઈઝથી જોડાયા હતા.
ત્યારથી વોર્ડ સુપરવાઈઝાર તરીકે પરસાણાનગરમાં રહેતા યોગેશ પરમાર કામ કરે છે. સુપરવાઈઝર તેમની પત્ની સહિતની મહિલા સફાઈ કામદારો પાસે બિભત્સ માંગણી કરી પજવણી કરતો હતો.
દરમ્યાન સફાઈ કામદારે તેનો વિરોધ કરતા સુપરવાઈઝરે તેમને નોકરીમાંથી કાઢી મુકયો હતો. જે બાદ મહિલાઓની પજવણી કરતા સુપરવાઈઝર વિરૂધ્ધ અનેકવાર વોર્ડ ઓફીસરને પણ ફરીયાદ કરતા તેઓએ પણ કંઈ ધ્યાન ન આપી આંખ આડા કાન કર્યા હતા.
જે બાદ પણ સુપરવાઈઝરનો ત્રાસ યથાવત રહેતા આજે મહિલા સફાઈ કામદારો સહિતના લોકો યુનિ. પોલીસ મથકે દોડી ગયા હતા. અને સુપરવાઈઝર વિરૂધ્ધ ફરીયાદ નોંધવા ગુહાર લગાવી હતી. પરંતુ પોલીસે પણ ન્યાય અપાવવાની જગ્યાએ બન્ને પક્ષને સામે બેસાડી સુપરવાઈઝરને બીજીવાર આવું નહિ કરવાનું કહી બંને વચ્ચે સમાધાન કરાવી નાખ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.