રાજકોટની પી.ડી.યુ. સરકારી હોસ્પિટલ ડોક્ટર્સના ચક્ષુદાન માટે શપથ.
રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ બાળકના ઘડતરમાં જે રીતે માતા-પિતા અને શિક્ષકોનું યોગદાન હોય તેમ સમાજ સ્વસ્થ અને નિરોગી રહે તે માટે ડોક્ટર્સ કાર્યરત રહી પોતાનું યોગદાન આપતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી ખરા અર્થમાં થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ.કમલસિંહ ડોડીયા, ડૉ.નીતિ શેઠ, ડૉ.હરેશ ગઢીયા, ડૉ.અંજલી, ડૉ.ફાલ્ગુની, ડૉ.ચેતના, ડૉ.વ્યાસ તથા જી.ટી.શેઠ આંખની સરકારી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ આ યજ્ઞમાં જોડાયા છે. તા.૬ સપ્ટેમ્બરના રોજ પી.ડી.યુ. સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફે ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીમાં સહભાગી બની ચક્ષુદાન માટેના શપથ લીધા હતા કે, "હું આથી વસીયતનામા દ્વારા જાહેર કરું છું કે મારા મૃત્યુ બાદ નેત્રનિધિ ચક્ષુ બેન્ક જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ માટે મારા નેત્રો કાઢી તેનો ઉપયોગ કોઈ જરૂરિયાતવાળી જીવંત વ્યક્તિને દ્રષ્ટિદાનના ઉદેશ્યની પૂર્તિ માટે ચક્ષુ બેન્ક અથવા અંધત્વ નિવારણનાં સંશોધન માટે કરવો" ચક્ષુદાનના શપથ લેનાર ડૉ.નેહાએ જણાવ્યું હતું કે, મારા માટે ખુશીની વાત છે કે, મારા મૃત્યુ બાદ પણ હું સમાજને ઉપયોગી બની શકીશ. અન્ય એક ડોક્ટર નવનીત યાદવે હર્ષ સાથે કહ્યું કે, જ્યારે હું હયાત નહીં હોઉં, ત્યારે પણ મારી આંખો અન્યની નજરથી આ સૃષ્ટિનું દર્શન કરશે. શપથ બાદ લોકોને પણ અપીલ કરી હતી કે, મૃત્યુ બાદ પણ આપણે સમાજ ઉપયોગી બની શકીએ અને આપણા નેત્રોથી કોઈ દિવ્યાંગ વ્યક્તિને દ્રષ્ટિ મળી શકે તે માટે દરેક વ્યક્તિએ નેત્રદાનના શપથ લેવા જોઈએ. હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટર્સ ડૉ.નેહા, ડૉ.અવની, ડૉ.કુણાલ ચૌધરી તથા ઈન્ટર્ન ડૉ.ભૂમિ પરમાર, ડૉ.રણજીત ઓડેદરા, ડૉ.નવનીત યાદવ, ડૉ.મનદીપ પઢિયાર, ડૉ.પાયલ ચંદ્રપાલ તથા ડૉ.કાજલ ચૌહાણ તથા નર્સિંગ સ્ટાફે ચક્ષુદાનના શપથ લઇ સમાજના દરેક નાગરિકને આ કાર્યમા જોડાવા અપીલ કરી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.