ચાના 30 રૂપિયા માંગતા હોટલ સંચાલકનું અપહરણ કરી બે રીક્ષા ચાલકોએ ઢોર મારમાર્યો - At This Time

ચાના 30 રૂપિયા માંગતા હોટલ સંચાલકનું અપહરણ કરી બે રીક્ષા ચાલકોએ ઢોર મારમાર્યો


ગેબનશાપીરની દરગાહ પાસે આવેલ ચા ની હોટલે ચા પીવા આવેલ બે રીક્ષા ચાલકોએ ચા ના 30 રૂપિયા આપવાની ના પાડી હોટલ સંચાલકનું રિક્ષામાં અપહરણ કરી ઢોર મારમારી પડધરીના લૈયારા પાસે ફેંકી દિધા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસ મથકની ટીમે ગણતરીની કલાકોમાં પડધરી નજીક મોરબી રોડ પરથી ફિલ્મી ઢબે રિક્ષામાં ભાગી રહેલ આરોપીઓને દબોચી લીધાં હતાં.
બનાવ અંગે પોપટપરામાં રહેતાં ભુરાભાઈ નાથાભાઈ ઝાપડા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહેબૂબ ઉર્ફે મુનો ઇશા જુણેજા અને મિતેષ જંગિયાણીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગેબનશાપીરની દરગાહની બાજુમાં તેના ભાઇ હીરાભાઇ સાથે ચા ની કેબીન ચલાવી વેપાર કરે છે. ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામા તેઓ ચા ની કેબીને હતાં ત્યારે ચા ની કેબીને રિક્ષા નં. જીજે-03 બીએક્ષ-9515 વાળા મહેબુબ જુણેજા અને તેની સાથે તેમનો મિત્ર મિતેશ જોગીયાણી અવાર-નવાર ચા ની કેબીને ચા પીવા આવતા હોય જેથી બન્નેને સારી રીતે ઓળખે છે. બન્ને શખ્સોએ કેબીને ચા પીધેલ અને ચા ના રૂપીયા 30 માંગતા આરોપીએ ચા ના પૈસા આપવાની ના પાડી ગાળો બોલી જપાજપી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારેલ હતો.
જેથી તેઓએ મોટાભાઇ હીરાભાઇને ફોન કરીને બોલાવેલ અને તેમના મોટાભાઇ આવી જતા તેમની સાથે બન્ને શખ્સોએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારી અને તેમના ભાઇને કહેલ કે, રિક્ષામા બેસી જા નહીતર તને તથા તારા ભાઈને જાનથી મારી નાખવો પડશે, તેમ કહી તેમના ભાઈનો કાઠલો પકડી ધક્કો મારી પરાણે રિક્ષામા બેસાડી ત્યાંથી અપહરણ કરી નાસી છૂટ્યા હતાં.બાદમાં સાડા સાતેક વાગ્યે તેમનો ભત્રીજો ધર્મેશ ઘરે આવેલ અને વાત કરેલ કે, મારા પિતા હિરાભાઇ આપડી કેબીન પાસે ઉભા છે જેથી તેઓ ધર્મેશ સાથે કેબીને ગયેલ તો તેના ભાઇ હાજર હતા અને તેમને વાત કરેલ કે, બન્ને શખ્સો મને રિક્ષામા પરાણે બેસાડી પડધરી પાસે આવેલ લૈયારા ગામ પાસે લઇ ગયેલ અને ત્યા મને લાકડાના ધોકા વડે મોઢા ઉપર મુઢમાર મારેલ અને મને લોહી નીકળવા લાગતાં દેકારો કરતા બંને શખ્સો રીક્ષા લઈ નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ મેહુલ ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ બી.વી.ચુડાસમા, એએસઆઈ સી.એમ.ચાવડા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા અને તુલસીભાઈ ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરતા સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે મહેબૂબ ઉર્ફે મુનો ઈસા જુણેજા (રહે. વણીયાવાડી શેરી નં.1/23 ખૂણો) અને મિતેષ ઉર્ફે લલુ રાજેન્દ્ર જાંગીયાણી (રહે. શાસ્ત્રીનગર શેરી નં.3) ને પડધરી નજીક મોરબી રોડ પરથી ઓટો રીક્ષા સાથે દબોચી અપહરણનો ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.