હાથીખાનામાં જૂથ અથડામણ : સોડા બોટલના ઘા થયા : સ્કોર્પિયો કારમાં નુકસાન - At This Time

હાથીખાનામાં જૂથ અથડામણ : સોડા બોટલના ઘા થયા : સ્કોર્પિયો કારમાં નુકસાન


રાજકોટના હાથીખાનામાં જૂથ અથડામણ થતા સોડા બોટલના ઘા થયા થયા હતા અને સ્કોર્પિયો કારમાં નુકસાન કરાયું હતું. સામું જોવા બાબતે માથાકૂટ થઈ હતી. રાતે ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત વિસ્તારમાં પોલીસના ઘાડેધાડા ઉતારાયા હતા.
એક વ્યક્તિને ઇજા થઈ હતી. મામલો બીચકે એ પહેલાં પોલીસે વિસ્તારમાં કંટ્રોલ મેળવ્યો હતો. સામસામે બે ફરિયાદ નોંધાઇ છે. જેમાં દિવ્યેશ ભરવાડ, અવધ ભરવાડ, મંથન, અમિત ગોહિલ અને સામેના જૂથના અકિલ મકરાણી, ફરાઝ ખલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તક હાજી સહિતના સામે ગુનો દાખલ થયો છે.
આ બનાવમાં સામસામે ફરિયાદ દાખલ થઈ છે. જેમાં પ્રથમ ફરિયાદમાં કુંભારવાડામાં રહેતા અને મકાન લે વેચનું કામ કરતા દિવ્યેશ રમેશ પરમાર (ઉંમર વર્ષ 20)એ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ કુંભારવાડા મેઇન રોડ પર અલ કાબા મસ્જિદ પાસે તેના મોટાબાપુનો દીકરો મંથન સ્કૂટર લઈને જતો હતો ત્યારે આરોપી અકિલ સબીર મકરાણીએ કતરાતી નજરે જોયું હતું.
જેથી સાહેદો અને ફરિયાદી બાદમાં કેમ કતરાતી નજરે જોયું હતું પૂછવા ગયા હતા. ત્યારે અકિલ સાથે ઉભેલા ફરાઝ સલીમ ખલયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે અપશબ્દો કહી ફરિયાદીની સ્કોર્પિયો કારમાં લાકડાના ધોકા મારી કારના કાચ તોડી નુકસાન કર્યું હતું. સોડા બોટલના ઘા સ્કોર્પિયો ઉપર કર્યા હતા. જેમાં દિવ્યેશને આંગળીના ભાગે ઈજા થઈ હતી.
સામા પક્ષે કરિયાણાની દુકાન ચલાવતા આકીલ સબીર મકરાણી (ઉંમર વર્ષ 22 રહે કુંભારવાડા મેઇન રોડ) એ આરોપી અવધ ભરવાડ, તેનો ભાઈ દિવ્યેશ ભરવાડ, તેના કાકાનો દીકરો મંથન તેના મિત્રો અમિત ગોહિલ અને અજાણ્યા બે ઈસમો (રહે બધા હાથી ખાના) સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દિવ્યેશ સાંજે 6:00 વાગ્યા આસપાસ કુંભારવાડા મેઈન રોડ ઉપર અલકાબા મસ્જિદ પાસે પોતાની સ્કોર્પિયો કાર લઈને આવ્યો હતો.
કહ્યું હતું કે, તું મંથન સામુ કેમ જોતો હતો, આરોપીઓએ અપશબ્દો કહ્યા હતા. અને અલકાબા મસ્જિદ પાસેના ચોકમાં હતા ત્યારે આરોપીઓએ સોડાની કાચની બોટલો લઈને ફરિયાદી અને સાહેદો પાછળ દોડી બોટલોના છુટા ઘા કર્યા હતા. હાલ પોલીસે મુખ આરોપીઓને દબોચી લીધા છે અને રાઇટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
બનાવના પગલે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જેને પગલે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું અને રાત્રે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી ધાડે ધાડા ઉતારી દીધા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.