છોટી ગોકુલ બાલાસિનોરમાં ભગવા ઉત્સવની ધામધૂમથી ઉજવણી.
૯૯ વર્ષના ફાગવા મનોરથી નવનીતલાલ જાટ સહિત નગર ફગવાના રંગમાં રંગાઈ ગયું.
બાલાસિનોર: બાલાસિનોર નગર ફાગણ સુદ નોમના ફગવાના રંગોથી રંગાઈ ગયું હતું. વૈષ્ણવોના પ્રિય ઉત્સવમાં નગરના મુંબઈ અને અન્ય સ્થળોએથી આવેલ વૈષ્ણવો ભક્તિ ભાવથી ફાગોત્સવમાં જોડાયા હતા.નગરના પુષ્ટિમાર્ગીય દશાનીમાં વણિકો વેપાર ધંધા અર્થે મુંબઈ તેમજ અન્ય સ્થળોએ અને વિદેશમાં સ્થાયી થવા છતાં માદરે વતન વાડાશિનોર પ્રત્યે અપાર સ્નેહ અને ગોકુલેશચરણ- શરણ આશક્ત વૈષ્ણવોની ભક્તિ ભાવપૂર્વકની ગોકુલેશ પ્રભુ પ્રત્યેની ધર્મ ભાવનાથી બાલાસિનોર છોટી ગોકુલ તરીકે પ્રસિદ્ધ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલાસિનોરમાં ફાગણ સુદ નોમના ફગવા ઉત્સવમાં મુંબઈ અને અન્ય સ્થળેથી વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઊમટી પડ્યા હતા. છેલ્લા ૧૨૦ વર્ષ ઉપરાંતથી ફગવા ઉત્સવ પરંપરાગત ધાર્મિક રીત રિવાજથી ઉજવવામાં આવે છે. ફગવા ઉત્સવના મનોરથી બનવું એ પણ જીવનનો એક અમૂલ્ય લાહવો છે. આ વર્ષે ૯૯ વર્ષ પૂર્ણ કરી ૧૦૦માં શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરનાર શતાયુ નવનીતલાલ મણીલાલ શાહ મનોરથી બનતા તેમનો પરિવાર ખુશ ખુશાલ બન્યો હતો.તેમના નિવાસસ્થાને ફાગણ સુદ આઠમના રોજ કીર્તનીયા -સમાજ મળ્યો હતો. ફગવાના દિવસે સવારના ૧૦ વાગે ગોકુલનાથજીના મંદિરેથી ઠાકોરજીએ શોભાયાત્રા રૂપે વીરપુર રોડ પર આવેલા ફગવા હવેલીએ પ્રયાણ કર્યું હતું. વિશાળ શોભા યાત્રામાં જય જય શ્રી ગોકુલેશની ધૂનથી નગર ગુંજી ઉઠ્યું હતું કેસરી ખેસ અને કલાત્મક પાઘડીઓથી મનોરથી વૈષ્ણવો અને મહિલાઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ઠાકોરજી હવેલી પહોંચ્યા બાદ ફાગ ખેલ્યા હતા. ત્યારબાદ વૈષ્ણવોએ અબીલ ગુલાલ છોડો સાથે રસીયા ગાઇ ઠાકોરજીને રાજી રાજી કર્યા હતા. ઠાકોરજીના શણગાર થયા બાદ રાજભોગના દર્શનનો લાભ વૈષ્ણવોએ લીધો હતો. ત્યારબાદ કંઠીધારી વૈષ્ણવએઓએ હવેલીએ પ્રસાદ લીધો હતો.
સાંજે ઠાકોરજી હવેલીએથી ગોકુલનાથજી મંદિર પરત આવવા નીકળ્યા હતા. બેન્ડવાજાની સુરાવલી અને ૩૫ મણ અબીલ-ગુલાલની છોડો સાથે જય જય શ્રી ગોકુલેશની ધૂન સાથે સાંજના ઠાકોરજી ગોકુલનાથજી મંદિરે પરત પહોંચ્યા હતા. ફગવા ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યમાં વૈષ્ણવ સમાજ વતન આવતા હોઇ નગરની શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ વગેરેમાં ઉદાર હાથે દાન પણ કરે છે અને ભરચક કાર્યક્રમોનું આયોજન થાય છે. નગરનો હોળી ચકલા, ગોકુળ નાથજી મંદિર વિસ્તાર ફગવા ઉત્સવ દરમિયાન વૈષ્ણવની ભીડ થી ભરચક બની જાય છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.