90 સ્કૂલે બાળકોનો પ્રવાસ લઇ જવા મંજૂરી માગી એક દી’ના પ્રવાસની 400થી વધુ ફી નહીં લઇ શકે
બાળકોને આનંદ સાથે જ્ઞાન પણ મળે તેવા સ્થળોના પ્રવાસના આયોજનો: નીતિ-નિયમો પાળવા પડશે.
વિદ્યાર્થી જીવનમાં શિક્ષણની સાથોસાથ પ્રવાસ, પર્યટન, પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળકમાં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે. હાલ શિયાળો શરૂ થઇ ગયો છે ત્યારે શાળાઓમાં ઠેર ઠેર એક, બે કે તેથી વધુ દિવસોના પ્રવાસના આયોજનો થવા લાગ્યા છે. તાજેતરમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં 90 જેટલી શાળાએ પ્રવાસની મંજૂરી માટે અરજી કરી છે.
મોટાભાગે શાળા સંચાલકો બાળકોને ગમ્મત અને આનંદની સાથે જ્ઞાન પણ મળે તેવા સ્થળોએ પ્રવાસનું આયોજન કરતા હોય છે. રાજકોટ જિલ્લામાં 980 જેટલી શાળા છે જેમાંથી હાલ 90 જેટલી શાળાની પ્રવાસની મંજૂરી માટેની અરજીઓ ડીઈઓમાં આવી છે. મંજૂરી મળ્યા બાદ પૂરતી સાવચેતી અને સુરક્ષા સાથે શાળા સંચાલકોએ બાળકોને પ્રવાસમાં લઇ જશે. શાળાઓએ પ્રવાસ દરમિયાન સરકારે નક્કી કરેલા તમામ નીતિ-નિયમો પાળવા પડશે. એક દિવસના પ્રવાસની ફી રૂ. 400થી વધુ નહીં લઇ શકે. પ્રવાસનું નામ સાંભળતાં જ બાળકનું મન થનગની ઊઠે છે. પ્રવાસ ગયા પહેલા જ તેનું મન બધે જ ઘૂમી આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.