BJPના નેતા પર હુમલાનું હતું પ્લાનિંગ, ISના આતંકીને રશિયાએ ઝડપ્યો
રશિયામાં ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનના આત્મઘાતી બોમ્બરની ધરપકડ કરવામાં આવી છે. તેણે ભારતમાં સત્તાધારી પક્ષ એટલે કે બીજેપીના એક મોટા નેતાને આત્મઘાતી હુમલામાં મારી નાખવાની યોજના બનાવી હતી. રશિયન સરકારી એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસે સોમવારે તેને પકડયાની માહિતી આપી.
રશિયન સુરક્ષા એજન્સીએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક આતંકવાદીની ઓળખ કરી છે. ત્યારબાદ એફએસબીએ તેને કસ્ટડીમાં લીધો છે. ફેડરલ સિક્યુરિટી સર્વિસે તેની ઓળખ મધ્ય એશિયાઈ દેશના વતની તરીકે કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ભારતમાં સત્તાધારી પક્ષ એટલે કે બીજેપીના કોઈપણ નેતા પર હુમલો કરવાની યોજના બનાવી હતી. સુરક્ષા સેવા દ્વારા એક નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે.
આતંકવાદીઓ એપ્રિલથી જૂન સુધી તુર્કીમાં હતા
એજન્સી અનુસાર આરોપીએ એપ્રિલથી જૂન સુધી તુર્કીમાં આતંકી ટ્રેનિંગ લીધી હતી. ISના એક નેતા દ્વારા તેને આત્મઘાતી બોમ્બર તરીકે ભરતી કરાયો હતો. ત્યાં તેને આત્મઘાતી હુમલાની તાલીમ આપવામાં આવી હતી. તે ટેલિગ્રામ દ્વારા IS સાથે જોડાયો હતો. ત્યારબાદ આતંકવાદીએ ISIS પ્રત્યે વફાદારીના શપથ લીધા.
રશિયાથી ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
રશિયન સરકારી એજન્સી અનુસાર આતંકવાદી સંગઠને તેને જરૂરી દસ્તાવેજો સાથે રશિયા મોકલ્યો અને પછી તેને અહીંથી ભારત મોકલવાની વ્યવસ્થા કરી, જ્યાં તેને શાસક પક્ષના એક મોટા નેતા પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું. જોકે આતંકવાદીએ કયા ભારતીય નેતાને ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ગુપ્તચર એજન્સીઓએ પંજાબ માટે એલર્ટ જાહેર કર્યું હતું
આપને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પંજાબમાં આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પંજાબમાં આતંક મચાવવાનું ષડયંત્ર રચ્યું છે. એલર્ટ અનુસાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ ચંદીગઢ અને મોહાલીમાં આતંકી હુમલાની યોજના બનાવી છે. આતંકવાદીઓ ચંદીગઢ અને મોહાલીમાં આતંકી હુમલા કરી શકે છે અને બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસ, જીઆરપી, રાજ્ય ગુપ્તચર એજન્સીને એકબીજા સાથે સંકલન કરીને ઈનપુટ્સ પર કામ કરવા કહ્યું છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસ પહેલા ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠન TRFમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.