*ખેડબ્રહ્મા ખાતે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*
*ખેડબ્રહ્મા ખાતે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*
******
*અનેક સ્વાતંત્ર્યવીરોએ પોતાના યોગદાન થકી તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને દેશને મહામુલી આઝાદી અપાવી છે. - કલેક્ટરશ્રી નૈમેષ દવે*
*****
*વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા*
*****
સાબરકાંઠા જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં તેમજ સાંસદશ્રીમતિ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંતશ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિધ્યાલય, ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે અનેક સ્વાતંત્ર્યવીરોએ પોતાના યોગદાન થકી તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને દેશને મહામુલી આઝાદી અપાવી છે. આઝાદીના અમૃતકાળમાં એક ભારત એક રાષ્ટ્રના સંકલ્પ સાથે ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે.સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી, મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત - ૨૦૨૪ના સફળ આયોજન દ્વારા ગુજરાતે ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે.
જિલ્લામાં આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કુલ ૧૨ કરોડ ૪૦ લાખ તેમજ બોર્ડર વિલેજ યોજના અંતર્ગત રૂ. ૧૧ કરોડ ૫૬ લાખની જોગવાઈ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત જિલ્લામાં છેલ્લા છ વર્ષમાં રૂ. ૨૨૫ કરોડ સહાયની ચૂકવાઈ છે. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત ૪.૧૨ કરોડની સહાય તેમજ માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ ૯૬૭ લાભાર્થીઓને સાધન સહાય અપાઈ છે. જિલ્લામાં આયુષ્માન કાર્ડ અંતર્ગત કુલ રૂ.૫૬ કરોડ ૪૭ લાખની આરોગ્ય સહાય ચુકવાઇ છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની મહિલાઓ અને બાળકોની ઉજ્જવળ આવતીકાલના નિર્માણ માટે યોજાયેલી રાજ્યમાં તેજસ્વીની પંચાયતને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.તેમજ ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઇજેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે.જે સૌ કોઈ માટે ગૌરવની વાત છે.
આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યો અર્થે રૂ. 25 /- લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર જિલ્લાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા,પ્રાયોજના વહીવટદારશ્રી,અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, વિવિધ પદાધિકારીશ્રી,અમલીકરણ અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ,શિક્ષકગણ, વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
*****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.