પાટણના બાલીસણા ગામના યુવા ખેડૂતે અપનાવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી - At This Time

પાટણના બાલીસણા ગામના યુવા ખેડૂતે અપનાવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી


પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણના બાલીસણા ગામના યુવા ખેડૂતે અપનાવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી

વ્યવસાયે વકીલ એવા પિનલભાઈ સોમાભાઈ પટેલે વર્ષ ૨૦૧૬ થી બાર વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવી

રાસાયણિક ખાતરના વૈકલ્પિક ઉપયોગ તરીકે જીવામૃત ટ્યુબ પ્લાન્ટ કામ કરે છે:- પીનલભાઈ પટેલ

વર્ષે ચાર હજાર લીટર જીવામૃત જમીનમાં આપવાથી કાર્બનની ટકાવારી અને જમીનની ફળદ્રુપતા વધે છે

પાટણ તાલુકાના બાલીસણા ગામના વતની અને વ્યવસાયે વકીલ એવા યુવા પ્રગતિશીલ ખેડૂત પીનલભાઈ સોમાભાઈ પટેલે પોતાના પિતાની ઈચ્છાને માન આપીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વર્ષ ૨૦૧૬ થી તેમણે પોતાના નાના ભાઈ કુંદનભાઈ સાથે મળીને બારેક વીઘામાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. હાલમાં તેમની પાસે બાર જેટલી દેશી ગાયો છે. જેના આધારે તેઓ ઘઉં, બાજરી, કપાસ,આ આ એરંડા, તમાકુ, ઘાસચારો, અને વરિયાળી જેવા વિવિધ પાકોમાં દેશી ગાયના છાણ મૂત્ર સાથે બીજામૃત, ઘનામૃત અને અળસિયાંની મદદથી પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી રહ્યા છે.

પીનલભાઈ પટેલે માન. રાજ્યપાલઅને મુખ્યમંત્રીના પ્રાકૃતિક ખેતીના અભિગમમાં થી પ્રેરણા મેળવી રાસાયણિક ખેતી પદ્ધતિનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. તેમજ તેના વિકલ્પ તરીકે દેશી ગાયના ઝરણ અને એડવાન્સ જૈવિક પેસ્ટીસાઇડ પ્લાન્ટ બનાવ્યો છે. ૧૨ ઘન મીટર નો ૧,૨૦,૦૦૦ના ખર્ચે જીવામૃત પ્લાન્ટ અને પેસ્ટીસાઈડ પ્લાન્ટ બનાવ્યો છે. જીવામૃત ટ્યુબ પ્લાન્ટમાં બનાવવા માટે તેઓ ૧૨૦૦૦ લીટર લિકવીડ, ગૌ ઝરણ, છાણ, ગોળ, ચોખા, વિવિધ વનસ્પતિઓ ભેળવી ઓક્સિજનની ગેરહાજરીમાં ૪૫ દિવસ મૂકી રાખે છે. જેના થકી લાખો કરોડો ની સંખ્યામાં સૂક્ષ્મ બેક્ટેરિયા બને છે. જે જમીનને ફળદ્રુપ બનાવે છે. પેસ્ટીસાઈડ પ્લાન્ટ દ્વારા દર ચોવીસ કલાક ૩૦૦ લીટર જીવામૃત મળે છે. જેને ડ્રિપ, ફુવારા અને ધોરીયા દ્વારા આપી શકાય છે. વર્ષે ચાર હજાર લીટર જીવામૃત જમીનમાં આપવાથી કાર્બનની ટકાવારી વધે છે. જેનાથી જમીનની રોગપ્રતિકારક શકિત અને ફળદ્રુપતા વધે છે.

આ જૈવિક પેસ્ટી સાઇડ બનાવવામાં આદું, હળદર, લીમડો, રતન જ્યોત, છાસ, સીતાફળ, નગોડ, સૂકી તમાકુ સહિત ત્રીસ થી વધુ કડવી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો છંટકાવ કપાસમાં કરવામાં આવતાં આ વખતે ગુલાબી ઈયળ, ચૂસિયા જીવાત, સફેદ માખી અને ફંગી સાઈડથી છુટકારો મળ્યો છે. તેઓ કહે છે કે જીવામૃત ટ્યુબ પ્લાન્ટ આર્થિક રીતે થોડો ખર્ચાળ છે પણ તેનાથી ખેતીના અન્ય ખર્ચમાં ઘટાડો આવે છે. દેશી ગાયના નિભાવ માટે તેમને રાજ્ય સરકારની યોજનાનો લાભ પણ મળે છે.

પીનલભાઇ વ્યવસાયે વકીલ હોવા છતાં પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી પધ્ધતિ અપનાવી આજે સમગ્ર પાટણ પંથકમાં યુવા પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવી છે. તેઓ તેમના નાના ભાઈ કુંદન ભાઈ સાથે મળીને બાર વિઘામાં આજે વિવિધ પાકોમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પહેલા વર્ષે ઉત્પાદનમાં સામાન્ય ઘટ જોવા મળે છે પરંતુ પછીના વર્ષોમાં ઉત્પાદન પણ વધે છે અને ભાવ બમણો મળે છે. તેમજ ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે જે ખેડૂતને ફાયદાકારક બની આર્થિક લાભ અપાવે છે.

સરકાર દ્વારા આ પ્લાન્ટમાં થોડી સબસિડી પ્રકારની રાહત આપવામાં આવે તો નાના ખેડૂતો પણ આ પ્લાન્ટ અપનાવી જીવામૃત અને જૈવિક પેસ્ટીસાઇડનો લાભ મેળવી શકે છે. અમારો પરિવાર સુદ્ધ ઝેર મુક્ત અનાજ ખાય છે તો અન્ય લોકોને પણ ઝેર મુક્ત ખોરાક મળે એ માટે તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.