૨૬ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધના દિન નિમિત્તે રાજકોટમાં સેમીનારનું આયોજન
૨૬ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધના દિન નિમિત્તે રાજકોટમાં સેમીનારનું આયોજન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
નશા મુકત ભારત અભિયાન દ્વારા યુવાધનને ડ્રગ્સથી બચાવવા ૨૦૨૧થી ચલાવવામાં આવતી ઝુંબેશને વેગ મળશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શું છે નશા મુક્ત ભારત અભિયાન.. જાણીએ, જોડાઈએ...
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સંકલન: ડો. દિવ્યા ત્રિવેદી
યુવાનોને આપણે ધન સમાન માનીએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણા યુવાનો વિવિધ પ્રકારના નશાના આદી બની રહ્યા છે. તંબાકુના વ્યસનથી આગળ વધી હવે ગુજરાતના યુવાનો દારૂ અને ચરસ, કોકેઇન જેવા ડ્રગ્સના વ્યસની બની રહ્યા છે. તા. ૨૬ જુનને આંતરરાષ્ટ્રીય સ્તરે માદક પદાર્થના દુરૂપયોગથી મુક્ત ટકાઉ વિશ્વના લક્ષ્ય સાથે ઉજવવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આ અંગે વિદ્યાર્થીઓને સમજુત કરવા સેમિનાર યોજાશે. પરંતુ ભારતના યુવાધનને આ દૂષણથી બચાવવા નશા મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે શું છે આ અભિયાન તેના ઉદ્દેશ્ય અને તેની કામગીરીને જાણીએ.
સમગ્ર વિશ્વ માદક દ્રવ્યોના વ્યસનનો સામનો કરી રહ્યું છે. વ્યસની વ્યક્તિ, કુટુંબ અને સમાજના મોટા વર્ગ પર વિનાશક અસર કરે છે. આથી તા.૨૬ જુન ૨૦૨૧ના રોજ તત્કાલીન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના અવસરે નશા મુક્ત ભારત અભિયાન (NMBA) માટેની વેબસાઇટનો શુભારંભ કરી આ અભિયાનને શરૂ કર્યું હતું.
દેશમાં ડ્રગ્સના ઉપયોગની દ્રષ્ટિએ સૌથી વધુ સંવેદનશીલ જણાતા ભારતના ૩૨ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૭૨ જિલ્લાઓને નશા મુક્ત ભારત અભિયાન (NMBA)હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત કોમ્પ્રિહેન્સિવ નેશનલ સર્વેના તારણો અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આપવામાં આવેલા જાણકારીના આધારે આ સંવેદનશીલ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય વ્યાપક સર્વેક્ષણ મુજબ, દેશમાં ૬૦ મિલિયનથી વધુ ડ્રગનો ઉપયોગ કરે છે જેમાંથી મોટી સંખ્યામાં ૧૦-૧૭ વર્ષની વય જૂથના તરૂણ- સગીરો જોવા મળ્યા છે.
આ અભિયાન હેઠળ ગુજરાતના ૧૩ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે જેમાં રાજકોટ સમાવિષ્ટ છે. ગુજરાતમા છેલ્લા ૪ વર્ષમાં રૂ ૯,૬૭૯ કરોડનુ ડ્રગ્સ ઝડપાયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી છેલ્લા ૩ વર્ષોમાં ખૂબ મોટી માત્રામાં ડ્રગ પકડાયું છે ત્યારે જો યુવાધન પોતે જ ડ્રગથી દૂર રહેશે તો જ નશાથી દૂર રહી શકશે. આ અભિયાન દ્વારા લોકોને નશાથી દૂર રહેવા, નશા મુકિત માટે સહકાર આપવામાં આવી રહ્યો છે.
અભિયાનના ઉદ્દેશ્યો
નશા મુક્ત ભારત અભિયાન વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી કેમ્પસ અને શાળાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી, સમુદાય સુધી પહોંચવા અને આશ્રિત વસ્તીને ઓળખી માદક દ્રવ્યોના દુરૂપયોગ વિશે જાગૃતિ ફેલાવવાનુ કાર્ય કરે છે.
નશા મુકિત માટે જીઓ-ટેગ કરવામાં આવેલ હોસ્પિટલો અને પુનર્વસન કેન્દ્રોમાં કાઉન્સેલિંગ અને સારવાર સુવિધાઓ આપવામાં આવે છે. આ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરી ૧૦-૧૭ વર્ષના વયજૂથના સીધા અસરકર્તા માતા પિતા શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સમસ્યાની હદનું મૂલ્યાંકન, નિવારક પગલાં, સારવાર અને વ્યસનીઓનું પુનર્વસન, માહિતીનો પ્રસાર, અને જનજાગૃતિ સહિત ડ્રગના દુરુપયોગ નિવારણના તમામ પાસાઓનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ વ્યસન મુક્તિ કેન્દ્રો ચલાવે છે.
નશા મુક્ત ભારત અભિયાન દેશભરમાં ૫૦૦ થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના સહકાર સાથે કાર્યરત છે, જેને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન (NAPDDR) યોજના હેઠળ નાણાકીય સહાય કરવામાં આવે છે.આ સંસ્થાઓ અને સંસ્થાઓના લગભગ ૮૦૦૦ યુવા સ્વયંસેવકો અને આઉટરીચ કાર્યકરો ઘરે-ઘરે, ગામડે ગામડે અને નજીકના વિસ્તારો વગેરેમાં જઈને લોકોને માદક દ્રવ્યોના દુરૂપયોગની ખરાબ અસરો વિશે માહિતગાર કરે છે અને માદક દ્રવ્યોના દુરૂપયોગનો ભોગ બનેલા લોકોના પુનર્વસનમાં મદદ કરે છે.
મદદરૂપ સંસ્થાઓ
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય એવી સંસ્થાઓને સમર્થન આપે છે જે ડ્રગના દુરુપયોગ, ક્ષમતા નિર્માણ, સારવાર અને પુનર્વસન પર નિવારક શિક્ષણ અને જાગૃતિ પેદા કરવા માટે કામ કરે છે. જેમાં,
(૧) ઇન્ટિગ્રેટેડ રિહેબિલિટેશન સેન્ટર ફોર એડિક્ટ્સ (IRCAs): ડ્રગ આશ્રિત વ્યક્તિઓ માટે કાઉન્સેલિંગ અને સારવારની ઇનપેશન્ટ સુવિધાઓ સાથે વ્યસન મુક્તિ કેન્દ્રો માટે કામ કરે છે.
(૨) કોમ્યુનિટી પીઅર લેડ ઇન્ટરવેન્શન (CPLI): પ્રારંભિક શિક્ષણ માટે યુવા સ્વયંસેવકો દ્વારા વ્યસની સમુદાય સાથે કામ કરી ખાસ કરીને સમુદાયમાં નબળા કિશોરો અને યુવાનોને સમજૂત કરવાનું કાર્ય કરે છે. તો, (૩)આઉટરીચ એન્ડ ડ્રોપ ઇન સેન્ટર્સ (ODIC): ડ્રગ આશ્રિતો માટે સારવાર અને પુનર્વસન સેવાઓ અંગે રેફરલ અને જોડાણ પ્રદાન કરવા સાથે સ્ક્રીનીંગ, મૂલ્યાંકન અને કાઉન્સેલિંગની સુવિધાઓ પ્રદાન કરે છે.
(૪) GEO લોકેટ: ડ્રગ વ્યસન મુક્તિ પરામર્શ, સારવાર અને પુનર્વસન અને અન્ય સુવિધાઓ પ્રદાન કરતી સહાયિત સંસ્થાઓને જીઓ-ટેગ કરી તેમની સેવાઓ સુલભ અને શોધવામાં સરળ બનાવવા માટેનું કાર્ય કરે છે.
આ ચાર સંસ્થાઓ દ્વારા નશામુકત ભારતના નિર્માણ માટે પરામર્શ, સહાય, સારવાર ત્રણેય પરિમાણનો ઉપયોગ કરી લોકોને મદદરૂપ બનવામાં આવે છે ત્યારે નશાથી બરબાદ થતાં જીવનને બચાવવા આપણે પણ માહિતી સભર બની મદદરૂપ બનીએ.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.