વિશ્વ કેન્સર દિવસ: ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં* - At This Time

વિશ્વ કેન્સર દિવસ: ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં*


*વિશ્વ કેન્સર દિવસ: ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં*

*કેન્સર વિશે જાગૃતિ કેળવવા અને મૃત્યુઆંક ઘટાડવા માટે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવ
*કેન્સરને મહાત આપવા સમયાંતરે મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનીંગ કરાવતા રહેવું ખૂબ જરૂરી*
આલેખન: હેમાલી ભટ્ટ
માહિતી બ્યુરો, બોટાદ:
લોકોને કેન્સર વિશે જાગૃત કરવા અને કેન્સરને કારણે મૃત્યુઆંક ઘટાડવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જીવનશૈલીમાં ફેરફાર કરીને કેન્સરથી બચી શકાય છે. ત્યારે આજે આપણે જાણીશું કે જીવનચર્યામાં કેવા પરિવર્તન કરવાથી કેન્સરથી દૂર રહી શકાય છે.
*તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહો:*
ધૂમ્રપાન કરવાથી કેન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાનથી ફેફસાં, મોં, ગળા, સ્વાદુપિંડ, મૂત્રાશય, સર્વિક્સ અને કિડનીનું કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. મોં અને સ્વાદુપિંડના કેન્સર પાછળ મહદઅંશે તમાકુ જવાબદાર છે. ઘણીવાર ધૂમ્રપાન કરનારની બાજુમાં રહેવાથી પણ ફેફસાનું કેન્સર થઈ શકે છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે ધૂમ્રપાનથી દૂરી હિતાવહ છે.
*સમતોલ આહાર સ્વસ્થ જીવનની ચાવી:*
વધુ પડતી ચરબીવાળા ખોરાકનું નિયમત સેવન પણ કેન્સરને નોતરી શકે છે. વધુ કેલરીવાળો ખોરાક, વધારે માત્રમાં ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આહારમાં ફળો, શાકભાજી અને અનાજનો સમાવેશ કરવાથી સારું આરોગ્ય પ્રાપ્ત કરી કેન્સરથી દૂર રહી શકાય છે. સમતોલ અને પૌષ્ટિક આહાર સ્વસ્થ જીવનની ચાવી છે.
*સતત કાર્યરત રહેવું જરૂરી:*
જે લોકો પોતાની જાતને કાર્યરત રાખીને સતત કસરત કરે છે, તેમને ફેફસાં, કોલોન અને કિડની જેવા કેન્સર થવાનું જોખમ ઓછું હોય છે. નિષ્ણાતોના મતે દરરોજ ઓછીમાં ઓછી 30 મિનીટ હળવી કસરત અથવા વોકિંગ કરવું જરૂરી છે.
*નિયમિત ચેકઅપ કરાવો:*
કેન્સરના લક્ષણોની વહેલાસર ઓળખ થાય તો આ રોગને ફેલાતો અટકાવી શકાય છે. આ માટે સમયાંતરે મેડિકલ ચેકઅપ અને કેન્સર સ્ક્રીનીંગ કરાવતા રહેવું ખૂબ જરૂરી છે. ડૉક્ટરનો સંપર્ક કરી અને તેમની પાસેથી કેન્સર સ્ક્રીનિંગ શેડ્યૂલ વિશે સંપૂર્ણ માહિતી મેળવી સમયસર ઈલાજ કરાવવાથી કેન્સરને મહાત આપી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.