રાજકોટમાં દિવાળીના તહેવારો પૂર્વે જ તસ્કરોએ મોટો હાથ માર્યો : લાખોના 12,000 હિરા તથા 8 લાખની રોકડની ચોરી
દિવાળી પૂર્વે જ રાજકોટ શહેરમાં ગઇકાલે કાચ તોડ ગેંગ તરખાટ મચાવ્યા બાદ ગઇ મોડી રાત્રે મવડી ચોકડી પાસે આવેલ સિવિક ઇમ્પેક્ષમાં શ્રીજી ડાયમંડ નામની પેઢીમાં ત્રાટકેલા તસ્કરોએ તિજોરી તોડી કર્મચારીઓના પગાર માટે રાખેલ રોકડ રૂા. 8 લાખ અને લાખોના 12 હજાર હિરાની ચોરી કરી નાસી છુટતા શહેરભરમાં ખળભળાટ મચી ગયો હતો.
બનાવની જાણ થતા એસીપી ભાર્ગવ પંડયા સહિત તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો દોડી જઇ તપાસનો ધમધમાટ આદર્યો હતો. તહેવારો પૂર્વે જ તસ્કરો સક્રિય થતાં શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે અને પોલીસ માટે પણ અગ્નિ પરીક્ષા સમાન બની રહ્યું છે. ત્યારે મવડી ચોકડી પાસે થયેલ હિરા અને રોકડની ચોરીની મળતી વિગત મુજબ, મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક વચ્ચે આવેલ સીવીક ઇમ્પેક્ષ નામના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે શ્રીજી ડાયમંડ નામની પેઢી આવેલી છે. તેમના માલીક મુુકેશભાઇ ગોપાલભાઇ દુધાત્રા (રહે. માધાપર ચોકડી પાસે) આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાની શ્રીજી ડાયમંડ પેઢીએ પહોંચ્યા ત્યારે પેઢીનું શટર અડધુ ઉંચુ થયેલ જોવા મળતા તેઓ ચોંકી ઉઠયા હતા.
શટર ખોલી તાત્કાલીક પોતાની ઓફિસમાં આવેલ તિજોરી ચેક કરતા તિજોરી તુટેલી જોવામળી હતી અને તેમાં રાખેલ રોકડ રૂા. 8 લાખ અને અંદાજીત લાખોના 12 હજાર હિરા ગાયબ હતા. પેઢી સંચાલક મુકેશભાઇને ચોરી થયાનું માલુમ પડતા તુરંત જ તેને 100 નંબરમાં કોલ કરી પોલીસને જાણ કરતા એસીપી ભાર્ગવ પંડયા તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ સહિત ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બનાવ સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફુટેજના આધારે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી શહેરભરમાં નાકાબંધી કરી તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
ચોરીના બનાવ અંગે એસીપી ભાર્ગવ પંડયાએ જણાવ્યું હતું કે ચોરીનો બનાવ મોડી રાતનો છે અને તિજોરી ગેસ કટરથી તોડી બનાવને અંજામ આપ્યો હોાવનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે. તસ્કરો રોકડ રૂા. 7 થી 8 લાખ અને હજારો હિરા ચોરી ગયા હોવાનું જાણવા મળેલ છે. હિરાની કુલ કિંમત મેળવવા તપાસ હાલ ચાલુ રાખેલ છે. તેમજ હિરાની પેઢીના માલીક મુકેશભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે તેઓ સુરતથી હિરાનો લોટ મંગાવી કામ કરતા હતા.
દરરોજની જેમ તેઓ ગઇકાલે સાંજે પાંચ વાગ્યે પોતાનું કારખાનું બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. બાદમાં દિવાળી મહિનો હોવાથી આજે વહેલી સવારે તેઓ કારખાને આવતા શટર અડધુ ખુલ્લુ હતું અને ઓફીસની અંદરની તિજોરી તુટેલ હતી તેમાં રાખેલ 8 લાખ રોકડ અને હિરાની ચોરી થયાનું માલુમ થયું હતું. બનાવ અંગે પેઢી સંચાલક મુકેશભાઇ દુધાત્રાની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.