રાજકોટ:મેમો ન ભરવા પોલીસનો કાંઠલો પકડી ધમકી આપી
ઘાંચીવાડના અક્રમ દાઉદાણી અને તેના સાગરીતે મેમો ન ભરવા પોલીસનો કાંઠલો પકડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ કરી હતી.
બનાવ અંગે શહેર ટ્રાફિક શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં નિર્મળસિંહ કનકસિંહ જાડેજાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બિલાલ દિલાવર ઉઠમણા (રહે. દૂધસાગર રોડ હૈદરી ચોક) અને અક્રમ રફિક દાઉદાણી (રહે. ઘાંચીવાડ શેરી નં.07) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના તેઓની સરકારી ક્રેન-06 માં નોકરી હતી. તેમની સાથે ટીઆરબી કરણભાઇ બસીયા, વિનોદભાઈ સોંલકી શહેરમાં નો-પાર્કીંગમાં મુકેલ વાહનોને ટ્રોઇંગ કરવાની કામગીરી કરવા માટે અલગ અલગ જગ્યાએ ટ્રાફીકને અડચણના કેશો કરતા હતા. તેઓ પેટ્રોલિંગમાં ફરતા ફરતા એસ્ટ્રોન ચોક સરદાર નગર મેઇન રોડ તરફ જતા મેહુલ મોબાઇલની સામે રોડ ઉપર અડચણરૂપ એક આઈ-20 કાર નં.જીજે.03.એલબી.6952 પડેલ હોય, જેથી ક્રેનને રોકી સાથેના ટીઆરબીને તે ગાડીને લોક મારવાનું જણાવતા ગાડીને લોક મારેલ અને ત્યાં કોઇ ગાડીના માલીક હાજર ન હોય જેથી લોક મારી તેઓ પેટ્રોલિંગમાં નીકળી ગયેલ હતાં.
ત્યારબાદ લોક ઉપર લખેલ નંબર વિનોદભાઇના મોબાઇલમાં ગાડી વાળાનો ફોન આવેલ કે, એસ્ટ્રોન ચોકમાં તમે જે આઈ-20 ગાડીને લોક મારેલ છે, તે ગાડી મારી છે, તમે અહીંયા આવો તેમ કહેતાં તેઓ એ.બી.સી મેડીકલ સ્ટોરથી પરત એસ્ટ્રોન ચોક ફોન વાલા દુકાનની સામે રોડ ઉપર ગયેલ અને ત્યાં ગાડીનો માલીક અને તેની સાથે એક શખ્સ આવેલ અને પુછેલ કે, કેટલો દંડ છે, જેથી તેમને રૂ.600 નો દંડ છે કહેતાં તેમને પોતાના મોબાઇલમાંથી કોઇકને ફોન કરી તેમની સાથે વાત કરવાનું કહેતાં તેઓએ ના પાડી હતી, જેથી કાર માલિકે મારે દંડ ભરવો નથી, તેમ કહ્યું હતું.
જેથી કાર ટ્રો કરવા માટે આગળના ભાગે લઇ જતા બંન્ને શખ્સો ઉશ્કેરાઇ કહેલ કે, તને હું જોઈ લઉ છું. બાદમાં ગાડી ટ્રો કરવા માટે હાઇડ્રોલીક ઝેક ઉતારેલ અને બંન્ને શખ્સને હાઈડ્રોલીક ઝેક વાગે નહી તે માટે દુર કરવા જતા બંન્ને શખ્સોએ કોલર પકડી તું કેવી રીતે ગાડી ટ્રો કરે છે તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી બન્ને શખ્સોને ટીઆરબીના જવાનોએ પકડી ક્રેનમાં બેસાડી એ.ડીવીઝન પોલીસ મથકે લાવી નામ પુછતા બીલાલ દીલાવર ઉઠમણા અને અક્રમ રફીક દાઉદાણી હોવાનું જણાવેલ હતું. બંને શખ્સો સામે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.