મોટામવા, મુંજકા, વાવડી સહિતના નવા ભળેલા વિસ્તારોમાં 39.47 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે - At This Time

મોટામવા, મુંજકા, વાવડી સહિતના નવા ભળેલા વિસ્તારોમાં 39.47 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે


શહેરમાં નવા વર્ષના એકશન પ્લાન મુજબના વાર્ષિક 30 કરોડના નવા પેચવર્કના કોન્ટ્રાકટને ગઇકાલે સ્ટે.કમીટીએ મંજૂરી આપી દીધી છે અને આવતા મહિનેથી આ કામ શરૂ થવાનું છે ત્યારે વેસ્ટ ઝોનમાં નવા ભળેલા સહિતના વિસ્તારો માટે પેવર કાર્પેટ અને રી-કાર્પેટના 39.47 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ન્યુ રાજકોટના વોર્ડ નં. 1, 8, 9, 10, 11, 1રના હાલના અને દુર દુરના વિસ્તારોમાં પ્રથમ વખત આ ડામર કામ કરવામાં આવશે.
મોટા મવા, મુંજકા, વાવડી, મવડી સહિતના વિસ્તારોમાં આ નવા ડામર કામ કરવાના છે. આ ચોમાસામાં ડામર રોડને મોટુ નુકસાન થતા હજુ રીપેરીંગ ચાલી રહ્યા છે. જ્યારે શહેરના છેવાડાના વિસ્તારમાં નવી સોસાયટી તેમજ નવા વિસ્તારોમાં પણ પેવર રોડની જરૂરીયાત પરથી મહાનગરપાલિકાએ વેસ્ટઝોનના છ વોર્ડમાં પેવર કાર્પેટ અને રિકાર્પેટ સહિતના કામો માટે રૂા. 39.47 કરોડનું ટેન્ડર કર્યુ છે. વેસ્ટઝોનના તમામ છ વોર્ડમાં બાકી રહેલા અને મેટલીંગ થઈ ગયેલા રસ્તાઓને નવા પેવરથી મઢવામાં આવશે. જ્યારે વર્ષોથી રિપેર ન થયા હોય તેવા રોડ ઉપર રિકાર્પેટ કરવામાં આવશે તેવું ટેન્ડર બનાવાયું છે.
ચોમાસા બાદ એક્શન પ્લાન અંતર્ગત સૌપ્રથમ વરસાદી પાણીથી ધોવાઈ ગયેલા રસ્તાઓ અને ખાડાઓનું રિપેરીંગ કામ નવરાત્રી પહેલાથી જ ચાલુ કરવામાં આવ્યું હતું. છતાં વધુ લંબાઈના તુટી ગયેલા રોડ રસ્તાઓ કે, જે પેવર કાર્પેટ કરવાના હોય તથા અમુક રસ્તાઓ ઉપર રિકાર્પેટ કરવાનું હોય તે મોટાભાગનું કામ બાકી હોવાથી ત્રણેય ઝોનના નવા રોડ રસ્તાઓ બનાવવા માટે સર્વે કરવામાં આવેલ હતો. જેના આધારે સૌ પ્રથમ વેસ્ટઝોનમાં વોર્ડ નં. 1, 8, 9, અને 10માં રિકાર્પેટ કામ તેમજ અમુક નવા મેટલીંગ રસ્તાઓ ઉપર પેવર કાર્પેટ કરવા માટે ટેન્ડર કરવામાં આવ્યું છે.
આ જ રીતે વોર્ડ નં. 11 અને વોર્ડ નં. 12ના છેવાડાના વિસ્તારોમાં સતત બનતી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટોને લગતા રોડ રસ્તાઓ બનાવવા માટે સૌથી વધુ મેટલીંગ થઈ ગયા હોય અને એક ચોમાસુ નિકળી ગયું હોય તેવા મેટલીંગ રસ્તાઓ પર કાર્પેટ કરી નવા રોડ રસ્તાઓ બનાવવા તથા ટીપી સ્કીમ હેઠળ કબ્જે લેવાયેલા 40થી 80 ફૂટના માર્ગો ઉપર ડિવાઈડર સાથેના પેવર રોડ બનાવવા સહિતના કામોનું એક સાથે ટેન્ડર કરવામાં આવ્યું છે. એક મહિના બાદ આ કામો પણ શરૂ થવાની આશા છે.
ઇજનેરોએ જણાવ્યા મુજબ અગાઉ બની ગયેલા અને હાલમાં તુટી ગયેલા હોય તેવા ડામર રોડ ઉપર કે જ્યાં ઘણા સમયથી પેવર કામ ન થયું હોય તેવા રોડ ઉપર ગેરકાયદેસર દબાણો થઈ ગયેલા હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે રિકાર્પેટ તેમજ નવા પેવર રોડ બનાવતા પહેલા દબાણગ્રસ્ત એકમોને નોટીસ આપી ડિમોલેશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ એક તરફ નવા ડામર રોડ માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગેરકાયદે દબાણો હટાવવા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.