કોંગ્રેસે CPને કહ્યું, ‘અમને બંધની આગલી રાતથી જ ન ઉપાડી લેતા’ - At This Time

કોંગ્રેસે CPને કહ્યું, ‘અમને બંધની આગલી રાતથી જ ન ઉપાડી લેતા’


મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ મેદાને શાળા-કોલેજોને બંધ પાળવા એનએસયુઆઇના કાર્યકર્તાઓની અપીલ

મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શનિવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે, રાજકોટમાં પણ બંધને પ્રતિસાદ મળે તે માટે શુક્રવારે કોંગ્રેસના આગેવાનોએ સ્કૂટર રેલી કાઢી બજારોમાં ફરી બંધમાં જોડાવા વેપારીઓને અપીલ કરી હતી, શાળા-કોલેજમાં બંધ પળાવવા એનએસયુઆઇના કાર્યકર્તાઓ પણ મેદાને ઉતર્યા હતા. બંધ કરાવવા બળજબરી કરાશે તો કાર્યવાહીનો પોલીસ કમિશનરે નિર્દેશ આપ્યો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સના દૂષણે માઝા મૂકી છે, સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે, સરકારને ઢંઢોળવા બંધનું એલાન આપવામાં આવ્યું છે, શનિવારના સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે, વેપારીઓ અને શહેરીજનો બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના આગેવાનો શુક્રવારે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પેલેસ રોડ સહિતની બજારોમાં ફર્યા હતા, એનએસયુઆઇના આગેવાનોએ પણ શાળા-કોલેજની મુલાકાત લીધી હતી અને શનિવારે બંધમાં જોડાવા અપીલ કરી હતી.

કોંગ્રેસ દ્વારા જ્યારે જ્યારે બંધનું એલાન હોય કે રાજ્યના પદાધિકારીઓ આવતા હોય અને તેનો વિરોધ કરવાના હોય ત્યારે પોલીસ આગલી સાંજથી જ કોંગ્રેસના નેતાઓને ડિટેન કરી લેતા હોય છે, આ બાબતને ધ્યાને લઇ શુક્રવારે કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને શાંતિપૂર્ણ બંધ પળાવાશે જેથી પોલીસ આગલી સાંજથી કાર્યકર્તાઓને ડિટેન ન કરે તેવી માગ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.