ગુજરાતમાં આંખ આવવાની બીમારી વકરી,આંખનાં ટીપાંના વેચાણમાં વધારો - At This Time

ગુજરાતમાં આંખ આવવાની બીમારી વકરી,આંખનાં ટીપાંના વેચાણમાં વધારો


ગુજરાતમાં આંખ આવવાની બીમારી વકરી,આંખનાં ટીપાંના વેચાણમાં વધારો

અમદાવાદ સહિત રાજ્યમાં દર્દી વધ્યા, કુલ દર્દીમાં ૪૦ ટકા બાળકો

આંખમાંથી સતત પાણી નીકળ્યાં કરે, પીચ આવે તો તબીબી સારવાર જરૂરી

ચોમાસાની સિઝનમાં શહેરમાં આંખ આવવાની બીમારી સામે આવી છે. આંખો આવવી, આંખમાં દુ:ખાવો, પાણી નીકળવું. પરુ જેવા લક્ષણો સાથે અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં છેલ્લા દસેક દિવસથી રોજના ૧૦ થી ૧૨ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, એ પહેલાં રોજ માંડ એકાદ બે કેસ આવતા હતા, એ જ રીતે એસજી હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૫ થી ૨૦ કેસ આવી રહ્યા છે, જે પૈકી ૩૦ થી ૪૦ ટકા આસપાસ કેસ બાળકોમાં જોવા મળી રહ્યા છે. કન્જેક્ટિવાઈટિસના દર્દીઓની વધતી સંખ્યાને લઈ તબીબોએ સલાહ આપી છે કે, જાતે સારવાર કરવાને બદલે તબીબનો સલાહને અનુસરી દવા લેવી જોઈએ, જેથી ઝડપથી સાજા થઈ શકાય, આ સ્થિતિમાં લોકોએ જાતે અખતરા ન કરવા જોઈએ.

અસારવા સિવિલની આંખની હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. સોમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, દસેક દિવસ પહેલાં આંખ આવવાના રોજના એકાદ કેસ હતા, જોકે છેલ્લા દસેક દિવસથી રોજના ૧૦ થી ૧૨ જેટલા કેસ આવી રહ્યા છે. સોલા સિવિલ ના તબીબોના કહેવા પ્રમાણે આંખો આવ વી, દુખાવો જેવા રોજના ૧૫ થી ૨૦ કેસ આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આ પ્રકારના કેસમાં અચાનક ઉછાળો જોવાયો છે. તબીબોનું કહેવું છે કે, દર સિઝનમાં આવું થતું હોય છે, ઘરમાં કોઈ વ્યક્તિને આંખો આવી હોય તો તેનો ચેપ બીજી વ્યક્તિને પણ લાગી શકે છે. પીપ નીકળે તેવી સ્થિતિમાં આંખો જોરથી લૂછવી ન જોઈએ, કારણ કે સોજો આવવાની શક્યતા રહે છે. આવા કિસ્સામાં જાતે સારવાર કરવાને બદલે આંખના ડોક્ટર પાસેથી સારવાર કરાવી જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ. બીજી તરફ આંખના ટીપાનું વેચાણ પણ અત્યારે વધ્યું છે. અમદાવાદ શહેરની માફક રાજ્યના અન્ય શહેર જિલ્લામાં પણ આંખ આવવાની બીમારી વકરી છે, સુરતની સરકારી હોસ્પિટલની ઓપીડીમાં અત્યારે રોજના ૩૦૦ જેટલા કેસ આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા દસ દિવસના અરસામાં આંખ આવવાના કેસમાં ૧૦૦ ગણા જેટલો વધારો જોવા મળ્યો છે. તેમાંય બાળકોની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોવાનું જણાવાઈ રહ્યું છે.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.