વીંછિયાના મોટામાત્રા ગામે આડા સંબંધની શંકાએ યુવાનની હત્યાં - At This Time

વીંછિયાના મોટામાત્રા ગામે આડા સંબંધની શંકાએ યુવાનની હત્યાં


પરિવારની નજર સામે સાત શખ્સોએ હુમલો કરી પતાવી દીધો: હત્યામાં સંડોવાયેલ ત્રણ શખ્સો ઝડપાયા, ચારની શોધખોળ

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે દેવીપૂજક યુવાન ઉપર આડા સંબંધની શંકાએ ચોટીલાના ધારેઈ અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના સાત શખ્સોએ પરિવારની નજર સામે જ હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. વિંછીયા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી સાતમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતાં જ્યારે ચારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, વિંછીયાના મોટામાત્રા ગામે રહેતા મુળ ખારચીયાના વતની રાયધનભાઈ વશરામભાઈ સાડમીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના ધારેઈ ગામના રમેશ મેરામ, સત્તાભાઈ રમેશભાઈ, ટોનાભાઈ રમેશભાઈ, સાયલાના કસવાળી ગામના ચોથાભાઈ સગરામભાઈ મંદુરીયા, રામકુ ચોથાભાઈ મંદુરીયા, વનરાજ ચોથાભાઈ મંદુરીયા અને ઉમેશ ચોથાભાઈ મંદુરીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાયધનભાઈનો નાનો ભાઈ મયુર ઉર્ફે મયલો વશરામભાઈ સાડમીયા (ઉ.22)ને સાયલાના કસવાળી ગામના વનરાજ ચોથાભાઈ મંદુરીયાની પત્ની ગડુ સાથે આડો સંબંધ હોવાની શંકાએ વનરાજ સાથે ઝઘડો થયો હતો. ગઈકાલે સાંજે વનરાજ સહિતના સાતેય શખ્સો મોટામાત્રા ગામે ઝુપડામાં રહેતા દેવીપૂજક પરિવારના ઘરે આવ્યા હતાં. જ્યાં મયુર હાજર ન હોય મોટામાત્રા ગામે મજુરી કામેથી પરત આવતાં મયુર અને તેના પરિવારજનો ચોકડી પાસે ઉભા હતાં ત્યારે આ ટોળકીએ આવીને હુમલો કર્યો હતો. જેમાં મયુરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મયુરની ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે વિંછીયા પોલીસને જાણ કરવામાં આવતાં વિંછીયા પોલીસ રાજકોટ દોડી આવી હતી. અને આ મામલે રાયધનભાઈ સાડમીયાની ફરિયાદને આધારે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચારની શોધખોમ શરૂ કરાઈ છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક મયુર આઠ ભાઈ અને ત્રણ બહેનમાં પાંચમાં નંબરનો હતો. તેના પિતા હયાત ન હોય બધા ભાઈઓ મોટામાત્રા ગામે ઝુંપડામાં રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વનરાજની પત્ની સાથે આડા સંબંધની શંકાએ વનરાજ અને તેના ભાઈઓ સહિતના શખ્સોએ મયુરની હત્યા કરતાં સનસનાટી મચી ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.