રાજકોટની જે.પી.ગ્રુપ ડબલ ધમાકા ઓફરમાં અનેક લોકો છેતરાયા: કરોડો રૂપિયા ફસાયાનો ઘટસ્ફોટ
લાલુડી વોંકળી પાસે જે.પી.ગ્રૂપ નામની ઓફીસ ધરાવતાં અને પ્રજાપતિ સમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ નિલેશ પાટડીયાએ પોતાના ગ્રુપમાં ડબલ ધમાકા ઓફર નામની સ્કીમમાં અનેક લોકોને ફસાવી કરોડો રૂપિયા ફસાવ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં માધાપર ચોકડી પાસે રહેતાં ગેરેજ સંચાલક સાથે રૂ.1.19 લાખની છેતરપીંડી આચરતાં નિલેશ પાટડીયા વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે માધાપર ચોકડી પાસે કૃષ્ણનગર શેરી નં.4 માં રહેતાં રસિકભાઈ બચુભાઇ હાલારી (ઉ.વ.51) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ પાટડીયાનું નામ આપતાં ભક્તિનગર પોલીસે આઈપીસી કલમ 406,420 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગેરેજ ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓને વર્ષ 2020 માં આરોપી નિલેશ પાટડીયા સાથે મુલાકાત થઈ હતી. ત્યારે તે સમયે તે પ્રજાપતિ સમાજનો પ્રમુખ હતો અને તે સમયે પોતે જે.પી.ગ્રૂપ નામનું ગ્રૂપ ચલાવે છે અને તેની ઓફીસ લલુડી વોંકળી પાસે આવેલ છે. તેમજ ત્યારે તેના ગ્રુપે ડબલ ધમાકા ઓફર નામની યોજના ચાલું કરી છે અને તેમાં રોકાણ કરવાથી એક ના ડબલ રૂપીયા મળશે તેવું કહેતાં ફરિયાદીએ વર્ષ 2020 માં રૂ.10 હજારની 13 ટીકીટ કુલ રૂ.1.30 લાખની ખરીદી હતી. જે મામલે આરોપીએ એક ડ્રો પણ થશે તેવું જણાવ્યું હતું.
પરંતુ આજદિન સુધી તેને ડ્રો કર્યો ન હતો અને ફરિયાદીએ તેમને રોકેલા નાણાં અવારનવાર પરત માંગતા આરોપી આજ કાલ કરી વાતને ટાળી દેતો હતો. જે બાદ એક વર્ષ પહેલાં તેને ફક્ત રૂ.10500 પરત આપી બાકીના રૂ.1.19 લાખ પરત ન આપી છેતરપીંડી આચરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જે તે સમયે આરોપી પ્રજાપતિ સમાજનો પ્રમુખ હતો. જે હાલ તે પદ પર નથી. તેઓએ રૂપિયાનું રોકાણ કર્યા બાદ એક પણ રૂપીયો પરત આપ્યો ન હતો અને વાયદાઓ જ આપતો હતો. ઉપરાંત આરોપીએ અંદાજીત 50 થી 60 લોકોને ફસાવ્યાં હોવાનું પણ સામે આવ્યું છે.
અનેક લોકોએ 4 થી 20 લાખ સુધીના કરોડો રૂપિયાનું રોકાણ કરેલ છે અને લગભગ તમામ લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું પણ જણાવ્યું હતું. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.