બોટાદ જિલ્લામાં 54 શાળાઓમાં શીખવવામાં આવે છે ભાગવત ગીતાના પાઠ, તજજ્ઞ દ્વારા માહિતી આપી. - At This Time

બોટાદ જિલ્લામાં 54 શાળાઓમાં શીખવવામાં આવે છે ભાગવત ગીતાના પાઠ, તજજ્ઞ દ્વારા માહિતી આપી.


ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 8ના બાળકો માટે ભગવદ્ ગીતા વિષય તરીકે ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે બોટાદના ગઢડામાં રહેતા સંજયભાઈ ઠાકર દ્વારા જિલ્લાની કુલ 54 શાળાઓમાં ગીતા પાઠશાળા શરૂ કરવામાં આવી છે. જેમાં 7,000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગીતા પાઠશાળા થકી ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી રહ્યા છે.

બોટાદ: ગઢડાના વતની સંજયભાઈ ઠાકર કે, જેઓ એક ધારાશાસ્ત્રી, વિદ્વાન અને લેખક છે. તેમને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં શિક્ષણ ક્ષેત્રે શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ નક્કી કરવાની તૈયાર કરેલ કમિટીમાં તજજ્ઞ તરીકે સંજયભાઈ ઠાકરને પસંદ કરવામાં આવ્યા હતા. પોતે અભ્યાસક્રમ નક્કી કરવા બાબતે સેવાઓ આપી રહ્યા છે. બોટાદ જિલ્લામાં વિવિધ શાળાઓમાં ગીતા પાઠશાળા સંસ્થાનના સ્થાપક છે. આજે પોતાની અર્થાક મહેનત થકી બોટાદ જિલ્લાની કુલ 54 શાળાઓમાં ગીતા પાઠશાળા શરૂ કરવામાં આવી છે. જેમાં 7,000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગીતા પાઠશાળા થકી ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી રહ્યા છે.

તજજ્ઞ સંજયભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સંસ્કૃત શ્લોકોનું આ પુસ્તકમાં ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 6 થી 8ના બાળકોને ભગવાન શ્રીકૃષ્ણ સંબંધિત પર્યાવરણ જાણકારીઓ પણ આપવામાં આવશે. આ પુસ્તકનું નામ સચિત્ર ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો રાખવામાં આવ્યું છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિદ્ધાંતને દ્રઢ કરવાનો ઉદ્દેશ રહેલો છે.

ગીતાપાઠ થકી વિદ્યાર્થીઓની જીવન શૈલીમાં આની મોટી અસર જોવા મળે છે

શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસ બાબતે વધુ સંજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2017થી અમારે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ અભ્યાસમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણે કેવાય તે હેતુથી અમારા સંઘર્ષમય પ્રયત્નો ચાલુ થયા હતા. ત્યારબાદ વર્ષ 2020-21માં સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી મંજૂરીની મહોર મારી હતી. વર્ષ 2004થી બોટાદના ગઢડા ખાતે ગીતા પાઠશાળા કાર્યરત કરવામાં આવી હતી, જેના થકી અનેક વિદ્યાર્થીઓને ગીતાનું જ્ઞાન આપવામાં આવતું હતું.

અમે સંકલ્પ કર્યો કે, માત્ર ગઢડા પૂરતી જ નહીં પરંતુ રાજ્યના તમામ શાળાઓમાં આ શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણવામાં આવે તેવો અમે સંકલ્પ કર્યો અને વર્ષ 2017થી અમે સંઘર્ષ શરૂ કર્યો હતો અને આજે સમગ્ર રાજ્યના ધોરણ 6 થી 8ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે નિર્ણયને લોકો દ્વારા હ્રદયપૂર્વક આવકારવામાં આવ્યો છે.

સંજયભાઈ ઠાકર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ગીતાપાઠ થકી વિદ્યાર્થીઓની જીવન શૈલીમાં આની મોટી અસર જોવા મળે છે અને એ સાથે રાષ્ટ્રભાવના પણ વધે છે. એટલે એવું ન માનશો કે, આ ભગવદ્ ગીતા કોઈ એક ધર્મને કે, કોઈ એક સાંપ્રદયને લગતો છે, એવું ન માનવું જોઈએ. દરેક ધર્મના તેમજ દરેક જ્ઞાતિના લોકોને આનો નિયમિત અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. આ એક જીવન મૂલ્યોનો ગ્રંથ છે, જે આનો અભ્યાસ કરે છે અને જે આની સાથે જોડાય છે, તેના જીવનની અંદર નૈતિક મૂલ્યો જાગ્રત થાય છે, અને રાષ્ટ્ર પ્રત્યે ઉત્તમ ભાવ ઉદભવે છે.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.