કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ - At This Time

કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ


કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ
ગુજરાતના ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત પત્રકાર સંગઠન દ્વારા સર્વધર્મ સમભાવ સાથે ગણેશોત્સવ માનવાયો
કચ્છભરમાંથી અનેક ભાવિક ભક્તો, સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ અધિકારીઓ ગજાનન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
કચ્છ પત્રકાર સંગઠન દ્વારા વિઘ્નહર્તા ગણેશજીના મહોત્સવની ભવ્ય ઉજવણી ભુજ ખાતે બહુમાળી ભવન પાસે કરવામાં આવી હતી. તા ૩૧ ઓગસ્ટ ગણેશ ચતુર્થીના દિવસથી ૪થી સપ્ટેમ્બર સુધી કચ્છભરના પત્રકાર પરિવારો દ્વારા ગણેશજીની આરાધના કરાઈ હતી. પ્રથમ દિને ગણેશજીનું સ્થાપન કર્યા બાદ દરરોજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળા પ્રમાણમાં ભક્તોએ દુંદાળા દેવને ભાવથી ભજયા હતા. ગણેશોત્સવના ત્રીજા દિવસે મહાઆરતી બાદ જાદુગર પ્રિન્સ વિવેક દ્વારા મેજીક શૉનું આયોજન કરવામાં આવ્યું હતું જેને નિહાળી બાળકો તો ઠીક મોટેરાઓ પણ અચંભીત બન્યા હતા અને ત્યારબાદ રાત્રીના સમયે દાદા ગણપતિના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરજ સોલંકી, પિયુષ મારાજ, શાહીદા મીર અને કચ્છના ખ્યાતનામ સંગીતકાર અક્ષય શૈલેષભાઇ જાની પિતા પુત્રની બેલડીએ કળાના કામણ પાથરી શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. ઉત્સવના ચોથા દિવસે ભગવાન એકદંતને છપ્પન ભોગ ધરાવાયા હતા જેના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી. પંચ દિવસીય મહોત્સવના અંતિમ દિને સવારે યજમાન પરિવારો દ્વારા ગણેશ યજ્ઞ કરી સકળ વિશ્વમાં શાંતિ સમૃદ્ધિ સ્થપાય તેવી દુંદાળા દેવને પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે કચ્છ પત્રકાર સંગઠન પરિવાર દ્વારા ભીની આંખે ગણેશજીને માંડવી દરિયા ખાતે વિસર્જિત કરવામાં આવ્યા હતા અને આવતા વર્ષે ગજાનન ફરી જલ્દીથી પધારજો તેવી પ્રાર્થના કરી હતી.

કચ્છ પત્રકાર સંગઠન આયોજિત ગણેશ મહોત્સવમાં પધારેલ સૌ નામી અનામી ભાવિક ભક્તોનું અભિવાદન કરતા સંગઠનના પ્રમુખ હિતેશભાઈ સોનીએ મહોત્સવમાં સેવા આપનાર દરેક પત્રકાર ભાઈઓ-બહેનો, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ અને સહયોગી બનેલા નામી અનામી તમામનો આભાર માન્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.