‘પંચાયત-4 પર કામ શરૂ થઈ ગયું છે’:મળો પંચાયતના 'પ્રહલાદ ચા’ ફૈસલ મલિકને, 'શરૂઆતી દિવસોમાં રસ્તા પર રહી રેલવે સ્ટેશન પર સૂવું પડતું’ - At This Time

‘પંચાયત-4 પર કામ શરૂ થઈ ગયું છે’:મળો પંચાયતના ‘પ્રહલાદ ચા’ ફૈસલ મલિકને, ‘શરૂઆતી દિવસોમાં રસ્તા પર રહી રેલવે સ્ટેશન પર સૂવું પડતું’


‘શરૂઆતમાં તો રસ્તાઓ પર રહી રેલવે સ્ટેશન પર સૂવું પડ્યું હતું. ‘જો તમારે કોઈ કાળા, જાડા અને ખરાબ દેખાવવાળા એક્ટરની જરૂર હોય તો મને મળો’ એવું કહીને પણ કામ શોધવા નીકળી પડતો.’
‘પંચાયત માટે સવારે 5:30એ ઊઠી જવાનું અને 7 વાગ્યાથી રોલ થઈ જાય ત્યારથી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી શૂટિંગ ચાલતું. સવારે થોડો ટાઈમ ઠંડક રહે, બાકી સાંજે 6 વાગ્યા સુધી સખત ગરમીમાં શૂટ ચાલતું. બપોરે ગમે તેટલો તડકો કેમ ન હોય, અડધી કલાકના જમવાના બ્રેક સિવાય કન્ટિન્યુ શૂટિંગ ચાલતું.’
‘સ્ટોરી નક્કી હતી, શરૂઆતથી અંત સુધી, પણ એને કેટલા ભાગમાં વહેંચવી એ પછીથી નક્કી થતું ગયું. જેમ જેમ સિરીઝ રિલીઝ થતી જાય છે, એમ એમ…’ ‘સમય સે પહેલે કોઈ નહીં જાયેગા...’ આ ડાયલોગ છેલ્લા દિવસોમાં તમે સાંભળ્યો જ હશે. ડાયલોગ છે ‘પંચાયત’ વેબસિરીઝની સિઝન-3ના ‘પ્રહલાદ ચા’નો... આ ડાયલોગ સૌનાં હૃદયને વધુ એટલા માટે સ્પર્શી ગયો છે, કેમ કે પ્રહલાદ ચાચાનો જુવાનજોધ દીકરો દેશને માટે શહીદ થઇ ગયો છે. બસ, એ જ ‘પ્રહલાદ ચા’ બનતા એક્ટર ફૈસલ મલિક અત્યારે આપણને આ બધી વાત કહી રહ્યા છે. જો તમે ‘પંચાયત’ વેબસિરીઝની સિઝન-3 જોઈ હશે તો તમે આ નામથી પરિચિત જ હશો. જો સિરીઝ જોવાની બાકી હશે તોપણ એનાં મીમ્સ તમારી સોશિયલ મીડિયા ટાઇમલાઇનમાં છલકાતાં હશે જ. છેલ્લાં 20 વર્ષોથી ફિલ્મોમાં કામ કરતા ફૈસલ મલિકની મહેનત હવે રંગ લાવી છે. અલાહાબાદમાં જન્મેલા ફૈસલે મુંબઈની ફિલ્મી દુનિયામાં પગ મૂકવા ઘણો સંઘર્ષ કર્યો છે અને શરૂઆતના દિવસોમાં તો... વેઇટ વેઇટ વેઇટ, આ બધું જ જાણવા અને પંચાયત વેબસિરીઝના શૂટિંગથી લઈ અંદરની બધી જ વાતો કરવા ‘દિવ્ય ભાસ્કર’ એપની સામે અત્યારે બેઠા છે ફૈસલ મલિક યાને કે ખુદ ‘પ્રહલાદ ચા’. તો આવો, તેમની સાથે જ પંચાયતની પંચાત કરીએ....
લાઇટ... કેમેરા... એક્શન... ‘નાનપણમાં ભણવા સિવાય તમે મને જે કહો એ કરી લઉં’
ફૈસલભાઈએ નાનપણથી તેમની વાતની શરૂઆત કરી, ‘મારો જન્મ તો એક મિડલ ક્લાસ ફેમિલીમાં હતો, પણ બાળપણ ઘણું સારું વીત્યું. હું નાનપણાં એક નંબરનો તોફાની બારકસ છોકરો હતો… મારા પપ્પા ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા, મમ્મી ઉર્દૂનાં ટીચર હતાં. થોડાં વર્ષો તો નાનીના ઘરે પણ વિતાવ્યાં છે. પેરેન્ટ્સે તો વિચાર્યું હતું કે સારુંએવું ભણીગણીને આગળ વધીશ હું. પણ ભણવામાં હું એટલો હોશિયાર નહોતો. મારું ધ્યાન હંમેશાં રમવામાં અને બીજી એક્ટિવિટીમાં જ રહેતું. કોઈ રમત બાકી નહોતી રાખી, ક્રિકેટથી લઈને ફૂટબોલ સુધી બધું જ રમતો. હું ડાન્સમાં પહેલેથી જ એક્ટિવ હતો. સ્કૂલમાં હું હંમેશાં ડાન્સમાં રહેતો. ભણવા સિવાયનું તમે મને બધું જ આપી દો, હું બધું જ કરીશ, પણ ભણવાનું નહીં. 12th સુધી અલાહાબાદમાં જ ભણ્યો અને પછી B.Com. માટે લખનઉ ગયો, પણ પછી એમાં પણ મન ન લાગ્યું અને અડધેથી એ પણ મૂકી દીધું. પછી મુંબઈ આવી ગયો. અત્યારે પપ્પા તો નથી, કોવિડમાં તેમનું ડેથ થઈ ગયું.’ રસ્તા પર રહી રેલવે સ્ટેશન પર સૂઈ દિવસો કાઢ્યા
અત્યારસુધી લાઈફ એકદમ મસ્ત ચાલતી હતી, પણ મુંબઈ આવ્યા બાદ ફૈસલભાઈની લાઈફમાં સ્ટ્રગલની એન્ટ્રી થઈ ગઈ હતી. ફૈસલ સિનેમાનું સપનું લઈ મુંબઈ તો આવી ગયા, પણ અહી ફિલ્મી દુનિયામાં તેમને કોઈ જ ઓળખતું નહોતું, એટલે કામ શોધવું ઘણું મુશ્કેલ થઈ પડ્યું હતું. પોતાનાં સપનાં માટે ભણવાનું મૂકીને મુંબઈ આવ્યા હતા એટલે ઘરેથી પૈસા માગતાં પણ શરમ આવતી હતી. 22 વર્ષે મુંબઈ આવી ગયા બાદ શરૂઆતમાં તો રસ્તાઓ પર રહી રેલવે સ્ટેશન પર સૂવું પડ્યું હતું. ‘જો તમારે કોઈ કાળા, જાડા અને ખરાબ દેખાવવાળા એક્ટરની જરૂર હોય તો મને મળો’ એવું કહીને પણ કામ શોધવા નીકળી પડતો, પણ અંતે મહેનત રંગ લાવી અને અનુરાગ કશ્યપની કલ્ટ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં કામ મળ્યું. પછી તો ફૈસલભાઈની ગાડીએ સ્પીડ પકડી લીધી અને અત્યારે તમે અને આપણે બધા તેમને પંચાયતના ‘પ્રહલાદ ચા’થી ઓળખીએ છીએ. ‘પહેલા તો એ જ શીખવું પડ્યું કે ઓછા પૈસામાં કેમ ચલાવી શકાય’
ફૈસલભાઈ શરૂઆત વિશે વાત કરતાં કહે, ‘શરૂઆતના દિવસો ઘણા અઘરા હતા, પણ મુંબઈમાં આવતા બધા લોકોની એવી જ હાલત હોય છે. એ જ શીખતો હતો કે ઓછા પૈસામાં કેવી રીતે જિંદગી ચાલી શકે, પણ પછી થોડા સારા ફ્રેન્ડ્સ મળ્યા એમાં થોડો ફાયદો થયો. કોઈએ થોડું શિખવાડ્યું તો કોઈએ પોતાના ઘરમાં પણ રાખ્યો. મારા મોટા ભાઈના ફ્રેન્ડના ઘરે પણ થોડા દિવસો કાઢ્યા છે, મને દીકરાની જેમ રાખ્યો હતો.’
‘શરૂઆતમાં જે લોકો બહારથી મુંબઈ આવે તેમના માટે કેવું સ્ટ્રગલ હોય છે?’
‘આઉટસાઇડર કરતાં મુંબઈમાં આવો એટલે પહેલા મુંબઈને સમજવું અઘરું છે, કેમ કે અહી કોમ્પિટિશન ઘણી ટફ છે. અહી આવતાં પહેલાં સિનેમાને પૂરું સમજીને આવવું જોઈએ અને ધૈર્ય હોવું ઘણું જરૂરી છે, એની સાથે મહેનત હશે તો તમે ફોડી લેશો. મુંબઈમાં જો તમે ખાલી કામ કરવા માટે જ આવ્યા હો તો તમને ઘણા સારા લોકો મળશે. મુંબઈને બધાં સપનાંની નગરી કહે છે એમ જ આ મહેનતની નગરી પણ છે.’ ‘હું રિયલ લાઈફમાં આ બધાથી દૂર રહું છું’
પહેલા એપિસોડમાં તમે જ્યારે ઊઠીને આવો ત્યારે તમારી આંખોમાં ખરેખર ઊંઘ દેખાતી હતી, તો એ સીન ઊંઘમાંથી જાગીને જ શૂટ કર્યું હતું કે મેકઅપ હતો? ફૈસલ એ વિશે વાત કરતાં કહે, ‘એમાં મેકઅપ નહોતો, પણ મારું કેરેક્ટર જ એવું બતાવવાનું હતું કે જેમાં માણસ સાવ થાકેલો હોય અને કંટાળેલો હોય. હું તો એમ પણ જાગેલો રહેતો અને એ પ્રકારની સિચ્યુએશનમાં જ રહેતો, જેથી મારા કેરેક્ટરમાં હું સરખો બેસી શકું અને લોકો જુએ તો લાગે કે આ માણસ થાકેલો છે અને ઇમોશનલી કંટાળી ગયો છે.’
‘સિરીઝમાં એવું પણ બતાવ્યું છે કે તમારું કેરેક્ટર એકદમ ગુસ્સાવાળું છે, જે એકદમ ગુંડા જેવો માણસ હોય, દિલનો સારો, પણ કોઇની પણ સાથે જલદી ઝઘડી પડે, રિયલ લાઈફમાં તમે કેટલું મેચ કરો છો?’
‘બિલકુલ નહીં, હું ક્યારેય ઝઘડતો જ નથી, હું લોકો સાથે એકદમ પ્રેમથી રહું છું અને લોકો સાથે હળીમળીને રહેવામાં જ મને મજા આવે છે, નાનપણમાં થોડો ઝઘડો કરી લેતો, પણ હવે તો એ બધાથી દૂર જ રહું છું.’ રોજે 11 કલાક સુધી પંચાયતનું શૂટિંગ ચાલતું
એક સિઝનના શૂટિંગમાં કેટલો સમય લાગતો અને કેવી રીતે થતું? શૂટિંગ વિશે વાત કરતાં ફૈસલ કહે, ‘પંચાયતની એક સિઝન શૂટ થવામાં બેથી અઢી મહિના જેવો સમય લાગે છે. શૂટિંગ શરૂ થાય એટલે સવારે 5:30એ ઊઠી જવાનું અને 7 વાગ્યાથી રોલ થઈ જાય ત્યારથી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી શૂટિંગ ચાલતું. સવારે થોડો ટાઈમ ઠંડક રહે, બાકી સાંજે 6 વાગ્યા સુધી પૂરી ગરમીમાં શુટ ચાલતું. બપોરે ગમે તેટલો તડકો કેમ ન હોય, અડધી કલાકના જમવાના બ્રેક સિવાય કન્ટિન્યુ શૂટિંગ ચાલતું. બહુ જ થાકી જતા, પણ સાથે કામ કરવાવાળા લોકો એટલા સારા હતા કે કંટાળો નહોતો આવતો.’
‘બધી સિઝનની સ્ક્રિપ્ટ પહેલેથી જ નક્કી હતી?’
‘સ્ટોરી નક્કી હતી, શરૂઆતથી અંત સુધી, પણ એને કેટલા ભાગમાં વહેંચવી એ પછીથી નક્કી થતું ગયું. જેમ જેમ સિરીઝ રિલીઝ થતી જાય છે, એમ એમ આગળની સિઝન લખાતી જાય છે, પણ બધા કેરેક્ટરની સ્ટોરી તો ફાઇનલ છે પહેલેથી. અત્યારે તો ચોથી સિઝન પર કામ ચાલુ છે.’ 'મારા પર બનેલાં બધાં જ મીમ જોઉં છું'
TVFની કોઈપણ સિરીઝ લઈ લઈએ એના બધા જ કેરેક્ટર એકદમ હિટ થઈ જાય છે, એવી તો શું ખાસ વાત છે TVFમાં? ફૈસલભાઈ એ વિશે કહે, ‘એ લોકોનું સ્ક્રિપ્ટિંગ બહુ જ સારું છે. સ્ક્રીન સુધી પહોંચાડવામાં એ લોકો બધા સાથે કન્ટિન્યુઅસલી કોમ્યુનિકેટ કરતા રહે છે.’
‘તમારા પર મીમ્સ ઘણાં બન્યાં છે, તમે જુઓ છો?’
‘હા, હા બધાં જ જોઉ છું. સિઝન-3નો મારા કેરેક્ટર પર જે મીમ જે ટ્રેન્ડિંગમાં છે, ‘સમય સે પહેલે કોઈ નહીં જાયેગા’ એ મને પણ ગમ્યું હતું. પહેલી સિઝન પછી મને ખબર પડી કે મીમ્સ પણ હોય છે. એ પછી મેં જોવાનું શરૂ કર્યું.’ ‘અનુરાગ કશ્યપ જિદ્દી માણસ છે’
‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી તમારા એક્ટિંગ કરિયરની શરૂઆત થઈ હતી, એ વિશે વાત કરતાં ફૈસલ કહે, ‘ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મ પોતે જ એક આખી કિતાબ બરાબર છે. અનુરાગ (કશ્યપ) સર પાસેથી ત્યારે ઘણું શીખવા મળ્યું, સર એક જીવતી-જાગતી સ્કૂલ છે, તેમની પાસેથી જ અમને શીખવા મળ્યું કે સિનેમા શું છે? સિનેમાથી પ્રેમ કરતાં અમને અનુરાગ સરે શિખવાડ્યું છે, તેઓ સિનેમાને જેટલો પ્રેમ કરે છે, અમે બધા મળીને પણ એના 20%માં પણ નથી આવતા. એ તો સિનેમા પાછળ પાગલ વ્યક્તિ છે. હું તો કહું છું કે તેઓ દુનિયાના બેસ્ટ ફિલ્મ મેકરોમાંથી એક છે. તેમણે સિનેમામાં જેટલા પ્રયોગો કર્યા છે એટલા કોઈ ન કરી શકે, તેમની જગ્યાએ જો બીજું કોઈ હોત તો તેઓ હિંમત હારી જાય. એક જિદ્દી માણસ છે.’ ‘લોકોને ક્રિએટિવિટી નહિ, પણ તેમની પોતાની વાત જોઈએ છે’
આ બધાની સાથે ફૈસલે એક મલયાલમ ફિલ્મ ‘અરિયપ્પુ’માં પણ કામ કરેલું છે, એ વિશે વાત કરતાં તેઓ કહે, ‘ત્યારે એ ફિલ્મના ડાયરેક્ટર મારા મિત્ર જ છે અને તેમને ત્યારે એક હિંદીભાષી એક્ટરની જરૂર હતી, મેં ઓડિશન આપ્યું અને હું સિલેક્ટ થઈ ગયો. એ ફિલ્મ કોવિડમાં ફરીદાબાદમાં શૂટ થઈ છે, એ ફિલ્મને તો એવોર્ડ પણ ઘણા મળ્યા છે. મલયાલમ ફિલ્મોની થિંકિંગ પ્રોસેસ જ અલગ છે, એ લોકો બોલિવૂડ કરતાં ઘણી અલગ રીતે ફિલ્મો બતાવે છે. તેમની સિલેક્શનની મેથડ ઘણી સારી છે. તેઓ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી શોધવા જતા જ નથી. તમારી-મારી લાઈફની કોઈપણ સ્ટોરી ઉઠાવીને ફિલ્મ બનાવે છે. એ લોકોને સાયન્સ ફિક્શનમાં કે એવી કોઈ બાબતોમાં પડવું જ નથી, એટલે લોકોને તેમની સ્ટોરી ગમે છે. લોકોને તમારી ક્રિએટિવિટી કરતાં એ વસ્તુ વધારે પસંદ છે જે તેમને ટચ થાય. એટલે જ લોકોને હવે મલયાલમ ફિલ્મો વધુ ગમે છે.’ ‘ક્યારેય એવી લાઇફ જીવ્યો નથી પણ જોયું છે એ બધું’
પંચાયત સિઝન-3માં પ્રહલાદ ચા તરીકે ફૈસલ ઘણા જ ફેમસ થઈ ચૂક્યા છે, એ ગામના બીજા લોકો કરતાં પણ ફૈસલ પોતાની એક્ટિંગથી પોતે એક ગામડાની વ્યક્તિ હોય એવું જ લાગી રહ્યું છે? એ વિશે ફૈસલને અમે પૂછ્યું કે આ બધું એક્ટિંગ માટે શીખ્યા હતા કે પછી એવી લાઈફ તમે જીવી ચૂક્યા છો? ફૈસલ કહે, ‘આ રીતે ગામડામાં હું જીવ્યો તો નથી, પણ આ એક્ટિંગ માટે શીખ્યો જ હતો અને એમાં જે ગમછા સાથે મારી કેમિસ્ટ્રી છે એ મને કહેવામાં આવ્યું હતું કે એ તમારી સાથે જ રહેશે, એ કોસ્ચ્યૂમનો પાર્ટ છે. પણ પછીથી મને પણ એ ગમછો ગમવા લાગ્યો હતો, કેમ કે એનાથી દરેક કામ એકદમ ઇઝી થઈ જતા હતા. મેં રિયલ લાઈફમાં ક્યારેય એનો યુઝ નહોતો કર્યો, પણ મારા કાકા અને એ બધાને આ રીતે કામ કરતા જોયા છે. મેં જોયું છે કે એ ગમછો તેમની જિંદગીનો એક પાર્ટ હતો, સવારે ઊઠે ત્યારથી સૂવે ત્યાં સુધી તેમની સાથે જ હોય અને સૂવે તો એની ઉપર જ સૂવે, કોઈ વસ્તુ લાવવી હોય તોપણ એમાં બાંધી લાવે. (હસતાં હસતાં કહે) અને ક્યારેક તો એ હથિયાર પણ બની જાય છે, એટલે આ બધું જોઈને જ મેં એક્ટિંગમાં એ એપ્લાય કર્યું હતું.’ પિકચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત
પંચાયતની સિઝન-4 તો આવશે જ એ સિવાય ભવિષ્યના શું પ્લાન છે? ફૈસલભાઈ કહે, ‘હું ભવિષ્ય મારે કશું વિચારતો જ નથી, જે ચાલે છે એ ચાલવા દઉં છું. આગળ જે થશે એ જોયું જશે. મહેનત કરવાની છે એ નક્કી છે, બાકીનું કશું વિચારતો જ નથી, જ્યાં જિંદગી લઈ જાય ત્યાં જતો જાઉં છું. હાલમાં નેટફ્લિકસની એક વેબસિરીઝ પર કામ ચાલુ છે, એ સિવાય ‘જો તેરા હૈ, વો મેરા હૈ’, ‘ડેટિંગ શેટિંગ’, ‘સબ ફર્સ્ટ ક્લાસ હૈ’ આટલી ફિલ્મો પર કામ ચાલુ છે. પંચાયત પહેલાંથી જ આ બધા પ્રોજેક્ટ હાથ પર છે, એ પછી હજુ કશું ઓફર થયું નથી.’
‘2 ફિલ્મ વચ્ચે ખાલી સમય હોય ત્યારે શું કરો છો?’
‘ખાલી સમયમાં હું બીજા માણસો માટે રાખું છું, કામ શોધે રાખું છું. ફિલ્મો જોઉ છું, લેખકોને મળું છું, કેમ કે હરીફરીને વાત એક જ છે કે ‘આપણો ખાડો આપણે જ ખોદવાનો છે, આપણે જ પાણી ભરવાનું છે અને આપણે જ પીવાનું છે.’ ખાલી સપનાં જોવાથી કશું નહીં થાય, એના પર કામ કરો
એક્ટિંગના સપના જોતા લોકો માટે શું કહેશો? ફૈસલભાઈ કહે, ‘બસ, એટલું જ કે ખાલી સપનું ન જોતાં, એના પર કામ પણ કરજો. સારી ફિલ્મો જુઓ, જેમાં સ્ટોરી સારી હોય, એક્ટિંગ સારી હોય. સપના પાછળ ભાગશો તો પૂરું જરૂર થશે, પણ થોડી વાર લાગશે, પણ કોમ્પિટિશન ઘણી વધી ગઈ છે, ખાલી બેસી રહેવાથી કશું નહીં થાય, સપનાં પાછળ ભાગવું પડશે. ધૈર્ય સંજીવની છે.’


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.