સાયબર ક્રાઇમની કામગીરી અર્થે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલિયાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
રાજ્યભરમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા : પોલીસ અધિક્ષકશ્રી
બોટાદ જિલ્લામાં 2024થી આજ દિન સુધીમાં 95 અરજદારોને 45 લાખ 30 હજાર જેટલા નાણાં અનફ્રીઝ કરાયા : પોલીસ અધિક્ષકશ્રી
બોટાદ જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં થયેલા સાયબર ક્રાઇમ અંતર્ગત થયેલી કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલિયાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેસ, નાણાં પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે એ હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થઈ ગયેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી કુલ રકમ 114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ 53.34 કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર કાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.
વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે.મધ્યમ-વર્ગના લોકો સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના અકાઉન્ટ અનફ્રીઝ થવાને કારણે એટલે કે ખૂલી જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ ઉપરાંત ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટક ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે એક પછી એક કેસના આધારે આ અકાઉન્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે.
વધુમાં બોટાદ જિલ્લામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 37 કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. વર્ષ 2023માં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કુલ 85 અરજદારોને 16 લાખ 85 હજાર જેટલી રકમ પરત અપાવવામાં આવી છે, જ્યારે 2024માં આજ દિન સુધીમાં 95 અરજદારોને 45 લાખ 30 હજાર જેટલી રકમ પરત અપાવવામાં આવી છે. તમામ બોટાદવાસીઓને અનુરોધ છે કે, આપણે સૌ સાયબર ક્રાઈમ અંગે જાગૃત બનીએ તે અત્યારના સમયમાં અંત્યત આવશ્યક છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.