જહાંગીરપુરામાં બ્યુટી પાર્લર ક્લાસમાંથી પરત ફરતી મહિલાનું મંગળસૂત્ર તૂટ્યું - At This Time

જહાંગીરપુરામાં બ્યુટી પાર્લર ક્લાસમાંથી પરત ફરતી મહિલાનું મંગળસૂત્ર તૂટ્યું


- લાલ રંગની સ્પોર્ટસ બાઈક પર આવેલો બુકાનીધારી પહેલા મહિલા પાસેથી પસાર થયો અને બાદમાં પાછળથી આવી રૂ.30 હજારનું સોનાનું મંગળસૂત્ર તોડી ફરાર થઈ ગયો - મંગળસૂત્ર જોરથી ખેંચતા મહિલાનો ડ્રેસનો ઉપરનો થોડો ભાગ પણ ફાટી ગયો સુરત,તા.23 જુલાઈ 2022,શનિવાર સુરતના જહાંગીરપુરામાં રહેતા શેર બ્રોકરની પત્ની શુક્રવારે સાંજે બ્યુટી પાર્લર ક્લાસમાંથી પરત ફરતી હતી ત્યારે વૈષ્ણોદેવી બ્લ્યુ બેલ્સથી વૈષ્ણોદેવી સ્કાય તરફ આવતા રોડ ઉપર લાલ રંગની સ્પોર્ટસ બાઈક પર આવેલો બુકાનીધારી તેમના ગળામાંથી રૂ.30 હજારનું સોનાનું મંગળસૂત્ર તોડી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના જહાંગીરપુરા વૈષ્ણવોદેવી સ્કાય ફ્લેટ નં.સી/1003 માં રહેતા અને કતારગામ આંબાતલાવડી ઝીરકોન પ્લસમાં શેર બ્રોકરનું કામ કરતા હિમાંશુભાઇ રામચંદ્ર કંસારાના પત્ની હેતલબેન ( ઉ.વ.32 ) ગૃહિણી છે. ગત બપોરે તે જહાંગીરપુરા ગ્રીન એરીસ્ટો શોપીંગ સેન્ટરમાં ન્યુ ફેબ બ્યુટી પાર્લરમાં ચાલતા ક્લાસમાં ગયા હતા અને સાંજે 7.30 વાગ્યે ત્યાંથી ચાલતા ચાલતા ઘરે આવવા નીકળ્યા હતા. તે 7.40 કલાકે વૈષ્ણોદેવી બ્લ્યુ બેલ્સથી વૈષ્ણોદેવી સ્કાય તરફ જતા હતા ત્યારે સામેથી લાલ રંગની સ્પોર્ટસ બાઈક પર અંદાજીત 30 વર્ષનો બુકાનીધારી આવ્યો હતો અને તેમની પાસેથી પસાર થયો હતો.જોકે, હેતલબેન થોડે દૂર જ પહોંચ્યા ત્યારે તે બુકાનીધારી પાછળથી બાઈક પર આવ્યો હતો અને બાઈક ધીમી પાડી હેતલબેનને પાંચ વર્ષ અગાઉ પતિએ લગ્નમાં ભેટમાં આપેલું રૂ.30 હજારની મત્તાનું મંગળસૂત્ર તોડી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયો હતો. સ્નેચરેન મંગળસૂત્ર જોરથી ખેંચતા હેતલબેનના ડ્રેસનો ઉપરનો થોડો ભાગ પણ ફાટી ગયો હતો. બનાવ અંગે હેતલબેને પતિને જાણ કરતા તે દોડી આવ્યા હતા અને તેમણે આજુબાજુના વિસ્તારમાં તપાસ કર્યા બાદ મોડીરાત્રે આ અંગે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.