જીકાદ્રીમાં ભૂંડના હુમલાથી મહિલાનું મોત, મોરંગીમાં દીપડાએ 19 ઘેટાં ફાડી ખાધા
- અમરેલી જિલ્લામાં જંગલી જનાવરોનો આતંક, વનવિભાગ
નિષ્ક્રીય- મીઠાપુરમાં સિંહણનો માલધારી યુવાન પર હુમલો કરતા ગંભીર, ચોમાસામાં વાડી
ખેતરે ખેડૂતોએ જવુ કેમ ?અમરેલી,તા.૧૦અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય પ્રદેશમાં
જંગલી પશુઓનો ત્રાસ વધી ગયો છે.થોડા દિવસ પહેલા જાબાળ ગામે દીપડાએ હુમલો કરતા એક
મહિલાનું મોત નીપજ્યું હતુ. આજે પણ ફરી આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થયું
હતુ.જેમાં રાજુલા તાલુકાના મોરંગીમાં માલધારીના
વાડામાં ઘુસેલા દીપડાએ હાહાકાર મચાવી દેતા ૧૯ ઘેટાંના મોત નીપજયાં હતા.જાફરાબાદના
જીકાદ્રી ગામે જંગલી ભૂંડે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ
ઉપરાંત ધારી તાલુકાના મીઠાપુરમાં માલધારી યુવક પર સિંહણે અચાનક હુમલો કરી દેતા
લોહીલુહાણ હાલતમાં અમરેલી દવાખાને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. રાજુલા તાલુકાના મોરંગી ગામ નજીક સુરાભાઈ ચોથાભાઈ ચાવડા નામના માલધારીના વાડા
(જોક)માં વહેલી સવારે દબાતા પગલે દીપડો આવ્યો હતો. તેણે સીધા ઘેટા ઉપર તરાપ મારતા
આ બનાવમાં કુલ ૧૯ ઘેટાના મોત થયા હતા.આ પૈકીના પાંચથી વધુ ઘેટાને ગંભીર ઈજાઓ થઈ
હતી. બનાવના પગલે ઘેટાઓમાં શોરબકોર મચી જતા લોકો વાડાએ પહોંચી ગયા હતા. દીપડાને
ભગાડવા હાકલા પડકારા કરવા લાગતા આખરે દીપડો નાસી છૂટયો હતો. વનવિભાગને બનાવની જાણ
કરવામાં આવતા સ્થાનિક આર.એફ.ઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પાંજરા મુકીને દીપડાને
ઝબ્બે કરવા કવાયત હાથ ધરી હતી.જાફરાબાદ તાલુકાના જીકાદ્રીગામે સીમમાં જંગલી ભૂંડનો ત્રાસ
ખુબજ વધ્યો છે. આ ભૂંડ ખેતરોને ખોતરી નાંખે છે, આજે હસુબેન મીઠાભાઈ ઝાંખરા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને એક
જંગલી ભૂંડે હુમલો કરીને લોહીલુહાણ કરી નાંખી હતી. આ બનાવના પગલે લોકો દોડી આવ્યા
હતા. વૃદ્ધાને સારવાર માટે ખાંભા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પણ સારવાર કારગત
ન નીવડતાં મોત નીપજ્યું હતુ.આ વૃદ્ધા ખાંભા તાલુકાના બગોયા ગામના રહેવાસી છે અને
મજુરી કામ કરવા જીકાદ્રી ગામે આવ્યા હતા.બનાવના પગલે વન અધિકારીઓ દોડી આવ્યા હતા.
ધારી તાલુકાના મીઠાપુર ગામની સીમમાં ભાવેશભાઈ અરજણભાઈ
માથાસુલીયા નામનો વીસ વર્ષીય માલધારી યુવાન સીમમાં પશુઓને ચરાવીને ઘરે પરત આવતો
હતો. એ વખતે શિકારની શોધમાં નીકળેલી સિંહણે ગાયનો શિકાર કરવા પ્રયાસ કર્યો
હતો.જેથી માલધારી યુવકે બૂમાબૂમ કરતા સિંહણ ખીજાઈ ગઈ હતી. પહેલા એણે
કૂતરાને ટારગેટ કરીને બચકા ભરી લીધા હતા. એ પછી એણે સીધા જ માલધારી યુવક પર તરાપ
મારી હુમલો કરી દીધો હતો. જેના કારણે યુવકને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી. એ યુવાનને
પ્રથમ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. આ વખતે ગાય ભાગી છૂટી હતી. યુવાનને
વધુ સારવાર માટે અમરેલી ખસેડવામા આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.