પોરબંદરને પાંચ હજાર જેટલા વૃક્ષોથી હરિયાળું બનાવવાના અભિયાનનો થશે પ્રારંભ
*પોરબંદરને પાંચ હજાર જેટલા વૃક્ષોથી હરિયાળું બનાવવાના અભિયાનનો થશે પ્રારંભ*
*પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સહિત પાયોનીયર ક્લબના ઉપક્રમે આયોજન:રવિવારે પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને “આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” અંતર્ગત યોજાશે બેઠક*
ચાલુ વર્ષે ઉનાળામાં પોરબંદર જેવા શહેરમાં પણ ૪૦ ડીગ્રી સુધી તાપમાનનો પારો પહોચી ગયો હતો અને દેશભરમાં રેક્રોડબ્રેક ગરમી પડી રહી છે ત્યારે વૃક્ષોની ઘટતી જતી સંખ્યાને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેનો એક માત્ર ઉપાય વધુને વધુ વૃક્ષારોપણ છે.ત્યારે પોરબંદરમાં પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવાની સાથોસાથ તેનો ઉછેર કરીને પર્યાવરણને બચાવવા માટે મહાઅભિયાનની શરૂઆત પોરબંદરથી થવા જઈ રહી છે અને તે અંગે અગત્યની બેઠકનું આયોજન રવિવારે કરવામાં આવ્યું છે.
*પાંચ હજાર વૃક્ષના વાવેતરનું મહાઅભિયાન*
પોરબંદર તાલુકા રેડક્રોસ શાખાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા,પાયોનીયર કલબના પ્રમુખ પ્રવીણ ખોરાવા,પોરબંદર ગ્રીનના કો-ઓર્ડીનેટર ધર્મેશ પરમાર દ્વારા જણાવાયું છે કે,પોરબંદરમાં ત્રણે સંસ્થાઓના ઉપક્રમે પાંચ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાની સાથોસાથ તેનો ઉછેર પણ કરવામાં આવશે.લીમડો,પીપળો,વડલો જેવા ૧૦૦ વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવતા અને પ્રકૃતિ તથા પર્યાવરણને ઉપયોગી એવા આ વૃક્ષોનું પદ્ધતિસરનું વાવેતર કરવાની સાથોસાથ તેનો વ્યવસ્થિત ઉછેર પણ કરવામાં આવનાર છે અને જે વૃક્ષનું અનુદાન દાતાએ આપ્યું છે તેને તે વૃક્ષના વિકાસની તસ્વીર સાથેનું સ્ટેટ્સ પણ મોકલવામાં આવશે,અને વૃક્ષનો સંપૂર્ણપણે ઉછેર થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સંસ્થા લેશે,આયોજકોએ જણાવ્યું છે કે,પોરબંદરમાં સિમેન્ટ કોક્રિટના જંગલ ખડકાઈ ગયા છે ત્યારે શહેરમાં વાસ્તવિક જંગલનું નિર્માણ થાય તે માટે ના આ મહા અભિયાનની સંસ્થા દ્વારા શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે તેમાં પોરબંદરવાસીઓનો પણ અમુલ્ય સહયોગ પણ ખુબ જરૂરી છે.
*રવિવારે અગત્યની બેઠક*
પોરબંદરને હરિયાળું બનાવવાના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા અને પાયોનિયર કલબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદર શહેરની સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધીઓ, સેવાભાવી આગેવાનો, દાનવીરો અને સમાજના શ્રેષ્ઠાઓની એક અગત્યની મીટીંગનું તા.૨.૬.૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૪:૪૫ કલાકે શ્રી મોહનભાઈ કોટેચા તાજાવાલા વંડી, ફ્રેન્ડસ પેટ્રોલ પંપ સામે આયોજન કરવામાં આવ્યું છે.હરિયાળા પોરબંદરની મીટીંગને રાષ્ટ્રીય સંત પ.પુ રમેશભાઈ ઓઝા અધ્યક્ષસ્થાનેથી અમીદ્રષ્ટિ સાથે આશીર્વચન આપશે.પ.પુ. ૧૦૮, ગો. વસંતકુમાર મહોદયશ્રી, ૫.પુ. ભાનુપ્રકાશદાસજી સ્વામીનું સાનિધ્ય અને આશીર્વાદ સાંપડશે.
આ કાર્યક્રમનું આયોજન પોરબંદર તાલુકા રેડક્રોસ શાખાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા,પાયોનીયર કલબના પ્રમુખ પ્રવીણ ખોરાવા,પોરબંદર ગ્રીનના કો-ઓર્ડીનેટર ધર્મેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે.ત્યારે સૌ પોરબંદરવાસીઓને આ બેઠકમાં ઉપસ્થિત રહેવાની યાદી પણ આયોજકો દ્વારા પાઠવાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.