*રાજ્ય સરકારનો આર્થિક ટેકો મળતા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેગવાન બની* ——— *ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત જિલ્લામાં વર્ષ-2024 દરમિયાન
*રાજ્ય સરકારનો આર્થિક ટેકો મળતા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેગવાન બની*
---------
*ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત જિલ્લામાં વર્ષ-2024 દરમિયાન 12,759 ખેડૂતોને રૂ. 688.98 લાખની સહાય મળી*
---------
ગીર સોમનાથ, તા. ૦૧: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના હિમાયતી રહ્યાં છે. રાજ્યપાલ શ્રીની આગેવાની અને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાતભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિની આ ઝૂંબેશમાં સહભાગી બન્યાં છે. રાજય સરકાર તરફથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં વિવિધ બાબતોમાં ઘણી સહાય આપવામાં આવે છે. જેનાથી ખેડૂતોને આર્થિક ટેકો મળતાં પ્રાકૃતિક કૃષિને વેગ મળ્યો છે. પ્રાકૃતિક ખેતીમાંની એક સહાય છે – પ્રાકૃતિક કૃષિમાં ગૌ નિભાવ માટે સહાય ખર્ચ.
સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપીને ખેડૂતોની સમૃદ્ધિ વધારવાની દિશામાં કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા 900/- પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપે છે.
ગૌ નિભાવ માટે યોજનાથી ખેડૂત ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે પોષણક્ષમ ખેતી કરી શકે છે. ગૌ આધારિત કૃષિથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે. પરિણામે જમીનની ફળદ્રુપતા અને ખેતઉત્પાદનોની ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતનો ખર્ચ ઓછો થાય છે અને વધારે ભાવ મળી રહે છે.
આ યોજના હેઠળ વર્ષ-2024 દરમિયાન વેરાવળના 1,976 ખેડૂતોને 106.70 લાખ, તાલાલાના 1,357 ખેડૂતોને 73.27 લાખ, સુત્રાપાડાના 2,813 ખેડૂતોને 151.90 લાખ, કોડિનારના 3,215 ખેડૂતોને 173.61 લાખ, ગીરગઢડાના 1,602 ખેડૂતોને 86.50 લાખ તેમજ ઉનાના 1,796 ખેડૂતોને 96.98 લાખ એમ કુલ મળી 12,759 ખેડૂતોને 688.98 લાખની સહાય આપવામાં આવી છે.
આમ, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પૃથ્વી, પાણી અને પર્યાવરણના જતન માટે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાજ્યપાલશ્રીની પ્રાકૃતિક કૃષિની ઝૂંબેશમાં અસરકારક રીતે સહભાગી બની રહ્યાં છે.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.