પોરબંદરના પનોતા પુત્ર અને મહેર સમાજના લાડકવાયા અમર શહીદ નાગાર્જુન સિસોદિયાની 51 મી પુણ્યતિથી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલિ - At This Time

પોરબંદરના પનોતા પુત્ર અને મહેર સમાજના લાડકવાયા અમર શહીદ નાગાર્જુન સિસોદિયાની 51 મી પુણ્યતિથી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલિ


પોરબંદરના પનોતા પુત્ર અને મહેર સમાજના લાડકવાયા અમર શહીદ નાગાર્જુન સિસોદિયાની 51 મી પુણ્યતિથી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલિ

આલેખન : દેવશી મોઢવાડિયા, પોરબંદર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમી પોરબંદર એ રાજ્ય અને રાષ્ટ્રને અનેકવિધ પ્રતિભાઓની ભેટ ધરી છે, બરડાની ગોદમાં અને અરબી સમુદ્રના તટ પરનો આ વિસ્તાર જ કઈક નોખી માટીનો છે, ઉજળા અને ગૌરવપ્રદ ઈતિહાસ ધરાવતા મહેર સમાજે રાજાશાહી હોય કે લોકશાહી જયારે જયારે માતૃભુમીના રક્ષણની વાત આવી છે ત્યારે હસતા મોઢે મહામુલા બલિદાનો આપ્યા છે તેજુ તાજું ઉદાહરણ એટલે ભારત – પાકિસ્તાન સામે ૧૯૭૧ ના યુદ્ધના કાશ્મીરના છામ્બ મોરચે ભારતીય આર્મીની ગુરખા રેજીમેન્ટની ઈન્ટેલીજન્સ વીંગમા સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા બજાવતા માત્ર ૨૧ વર્ષની વયે અભૂતપૂર્વ પરાક્રમ અને શોર્ય દાખવી ૧૩ ડિસેમ્બરના રોજ વીરગતિ પ્રાપ્ત કરનાર પોરબંદરના પનોતા પુત્ર અને મહેર સમાજના લાડકવાયા અમર શહીદ નાગાર્જુન સિસોદિયા... આજે તેમની 51 મી પુણ્યતિથી છે ત્યારે વીર શહીદ નાગાર્જુન સિસોદિયાને લાખો સલામ,,

#પુણ્યભુમી મોઢવાડાની ભૂમિનો પ્રતાપ,
લોક સાહિત્યમાં એક કહેવત છે “ જ્યાં થતા હોય ત્યાં થાય “નાગાર્જુન સિસોદિયાનું માદરે વતન એટલે પોરબંદર જીલ્લાનું ભક્ત-દાતાર અને શૂરવીરોની ખાણ સમાન મોઢવાડા ગામ. ભક્તિ ક્ષેત્રે ટોચ પર બિરાજતા લીરબાઇ માતાજી અને જીવન ભગતની ભૂમિ, બહારવટું ખેલ્યું હોવા છતાં ભગત થઇ પૂજનાર મહેર જવા મર્દ નાથા ભગત મોઢવાડિયા, ગાયુંના ધણને બચાવવા માથું પડ્યા પછી પણ જેનું ધડ લડ્યું હતું એ શુરવીર હાથીયા મોઢવાડિયા, ગામના રક્ષણ માટે શહાદત વહોરનાર રીણો ભોજાણી હોય કે અમર શુરવીર દુદા ધ્રાગડ પણ આ ગામની માટીના રતન હતા.. એજ પરંપરાને આગળ ધપાવી અપ્રિતમ શોર્ય દાખવીને દેશના સીમાડાના રક્ષણ માટે શહાદત વહોરનાર અમર શહીદ નાગાર્જુન સિસોદિયાએ....

વિદેશની ધરતી પર જનમ્યા હોવા છતાં વતનપ્રેમ આર્મીમા ખેચી લાવ્યો,,
નાગાર્જુન સિસોદિયાનો જન્મ આફ્રિકાના નાયરોબીમા આર્થિક રીતે સમૃદ્ધ પરિવારમાં થયો હતો, પિતા કરશનભાઈ અને માતા રૂડીબેન અને બે ભાઈઓ અને એક બહેન સાથે નાગાર્જુન સિસોદિયાનું બાળપણ આફ્રિકામા વીત્યું હતું. ઉચ્ચ અભ્યાસ અર્થે નાગાર્જુન સિસોદિયાએ રાજકોટની ખ્યાતનામ રાજકુમાર કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો..અભ્યાસની સાથે સાથે નાગાર્જુન સિસોદિયાએ ઈતિહાસ, લોક સાહિત્ય અને રાષ્ટ્રપ્રેમનું ખુબ વાંચન કર્યું હતું જેના ફળ સ્વરૂપે નાગાર્જુન સિસોદિયામા વતન અને રાષ્ટ્ર માટે કઈક કરી છૂટવાની ભાવના જન્મી હતી. નાગાર્જુન સિસોદિયાને આર્મી ઓફિસર તરીકે પ્રવેશ મેળવવા માટે ખુબ જ અઘરી ગણાતી NDA ( નેશનલ ડીફેન્સ એકેડેમી ) ની પ્રવેશ પરીક્ષા પ્રથમ પ્રયાસે જ પાસ કરી હતી. આકરી અને કઠોર ટ્રેનીંગ લીધા પછી વિશેષ તાલીમ અર્થે નાગાર્જુન સિસોદિયા ને પુના ખાતે આર્મી ઓફિસર ટ્રેનીંગ સેન્ટરમા તાલીમ અર્થે ભરતી કરવામાં આવ્યા હતા.
કાશ્મીરના છામ્બ મોરચે ઈન્ટેલીજન્સ વીંગ મા જવાબદારી...
નાગાર્જુન સિસોદિયા એ નેશનલ ડિફેન્સ એકેડેમીમા ઓફિસર તરીકેને ટ્રેનીંગ લીધા પછી નાગાર્જુન સિસોદિયા નું આર્મી ઓફિસર તરીકે પોસ્ટીંગ ગુરખા રેજીમેન્ટની ઈન્ટેલીજન્સ વીંગમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે કાશ્મીરના છામ્બ મોરચે થયું હતું.. ૧૯ વર્ષના નવલોહિયા યુવાન નાગાર્જુન સિસોદિયાના ચીરે દુશ્મન દેશ પાકિસ્તાનની આર્મી દ્વારા સરહદ પર થઇ રહેલી ગતિ વિધિઓ ઉપર બાજ નજર રાખીને આર્મીના ઉચ્ચ અધિકારીઓને પલ પલથી વાકેફ રાખવાનું કપરું કામ સોપવામાં આવ્યું હતું.. નાગાર્જુન સિસોદિયાએ આ કામ બખૂબી નિભાવીને આપણી સરહદની રક્ષા કરી હતી...

૧૯૭૧ નું ભારત-પાક યુદ્ધ ની ૧૩ ડીસેમ્બરની એ ગોજારી રાત...
તત્કાલીન પાકિસ્તાનનો જ ભાગ બાંગ્લાદેશમા વધી રહેલા અત્યાચારોને કારણે લાખો બાંગ્લાદેશીઓ ભારતમાં ઘુસી રહ્યા હતા જેણે કારણે બંગાળ – આસામમા ખુબ મોટી સમસ્યા ઉભી થઇ ત્યારે બાંગ્લાદેશ પર વધી રહેલા અત્યાચારો મામલે ભારતના તત્કાલીન વડાપ્રધાન અને લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી એ પાકિસ્તાન સામે દબાણ ઉભું કરતા પાકિસ્તાનના સરમુખત્યારશાહો એ યુદ્ધનું એલાન કરતા ૧૯૭૧ મા ભારત – પાક વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.. આ યુદ્ધ દરમિયાન સૌથી કપરી સ્થિતિ કાશ્મીરના છામ્બ સેક્ટરમાં હતી, કારણ કે ભારતીય સૈન્યનો સૌથી મોટો કાફલો બાંગ્લાદેશ બોર્ડર પર પાકિસ્તાન સામે યુદ્ધ લડી રહ્યો હતો એ સમયે પાકિસ્તાને કાશ્મીર સરહદે હુમલાઓ શરુ કરી દીધા હતા. ભારતીય આર્મીની ઓછી સંખ્યા અને પ્રતિકુળ વાતાવરણને કારણે કપરી સ્થિતિ નિર્માણ થઇ હતી એ સમયે નાગાર્જુન સિસોદિયાએ પાકિસ્તાનની છાવણીમા લઇ પાકિસ્તાનની યુદ્ધ તૈયારીઓ, તેમનો યુદ્ધ, સેન્યની સંખ્યા બળ અને હથિયારો અંગે રજેરજની માહિતી એકત્રિત કરવાનું કપરું કામ કરવાનું હતું જે દિવસોથી નાગાર્જુન સિસોદિયા કરી રહ્યા હતા પરંતુ ૧૩ ડિસેમ્બરની મધરાત્રીએ નાગાર્જુન સિસોદિયા પાકિસ્તાન સરહદમાં રહેલી પાક આર્મીની તલ સ્પર્શી માહિતી એકત્રિત કરીને પરત ભારતીય સીમામાં દાખલ થઇ રહ્યા હતા એ સમયે પાકિસ્તાનના સૈનિકોનું ધ્યાન પડી જતા નાગાર્જુન સિસોદિયા પર ધાણીફૂટ ગોળીબાર કરતા નાગાર્જુન સિસોદિયાનો દેહ ગોળીઓથી વિધાય ગયો હતો તેમ છતાં નાગાર્જુન સિસોદિયા એ અપ્રિતમ શોર્ય અને બહાદુરી દેખાડીને ઘાયલ અવસ્થામાં પણ ભારતીય આર્મીના કેમ્પ સુધી પહોચીને આપણા આર્મીના અધિકારીઓને પાકિસ્તાનનું આખા વ્યૂહ ની માહિતી આપીને પ્રાણ ત્યાગ કરી વીરગતિને પામ્યા હતા .. ૧૩ ડીસેમ્બરની એ કાળ રાત્રી નાગાર્જુન સિસોદિયા માટે ગોજારી સાબિત થઇ હતી... ગર્વની વાત એ છે કે નાગાર્જુન સિસોદિયાએ પાકિસ્તાનમાં જઈને એકત્રિત કરેલી માહિતી ખરા અર્થમાં સંજીવની સાબિત થઇ હતી અને પાકિસ્તાનનો વ્યુહ ખબર પડી જતા ભારતીય સૈન્યએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને છામ્બની સરહદને સલામત રાખી હતી અને ૧૯૭૧ ના યુદ્ધ મા પાકિસ્તાનને ખોર પરાજયનો સામનો કરવો પડ્યો હતો..

નાગાર્જુન સિસોદિયા જીવિત રહ્યા હોત તો જરૂર આર્મી ચીફ હોત,.,
નાગાર્જુન સિસોદિયા એ ખુબ નાની વયે ભારતીય આર્મીમા ઓફિસર તરીકે સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે પોસ્ટીંગ પ્રાપ્ત કર્યું હતું ઉપરાંત ઈન્ટેલીજન્સ વીંગ મા ૧૯૭૧ ના યુદ્ધમાં શોર્ય અને બહાદુરી ભરી કામગીરી કરી હોય નાગાર્જુન સિસોદિયા જો જીવિત રહ્યા હોત તો નિવૃત્તિ સમય સુધીમાં ભારતીય આર્મીના ચીફ સુધીની સફર સફળતાપૂર્વક પાર કરી શુક્યા હોત... પણ કહેવત પ્રમાણે વિધિના લેખ કોઈ ફેરવી શકતું નથી...
નાગાર્જુન સિસોદિયાની વીરગતિને ૫ દાયકા વીત્યા હોવા છતાં આજે પણ યુવાનોના રોલ મોડેલ છે..– લોક સાહિત્ય અને લોક ડાયરાઓમા આજે પણ નાગાર્જુન સિસોદિયાના શોર્ય ની વાતો લોક કલાકારો રજુ કરે ત્યારે યુવાનોમાં જોમ ચડી જય છે. મહેર સમાજમા વંશ પરંપરાગત રીતે રમાતા મણીયારા દાંડિયા રાસમા નાગાર્જુન સિસોદિયાના રાસડાઓ આજે પણ વન્સ મોર થઇ રહ્યા છે જે બતાવે છે કે અમર શહીદ નાગાર્જુન સિસોદિયા કેટલા લોકપ્રિય હશે. દિલ્લી ખાતે તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા વોર મ્યુજીયમમા પણ ૧૯૭૧ યુદ્ધના હીરો તરીકે અમર શહીદ નાગાર્જુન સિસોદિયાનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. નાગાર્જુન સિસોદિયાની સ્મૃતિમા તેમના વતનના ગામ મોઢવાડા ખાતે પૂર્ણ કદની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે. સાથે સાથે તેમની સ્મૃતિમાં રચાયેલા “ અમર શહીદ નાગાર્જુન સિસોદિયા સ્મારક ટ્રસ્ટ “ દ્વારા મોઢવાડા ગામ ખાતે અંગ્રેજી માધ્યમની શહીદ નાગાર્જુન સિસોદિયા પ્રાથમિક શાળા “ ચાલી રહી છે. સાથે સાથે પોરબંદર ખાતે એસટી ડેપો નજીક “નાગાર્જુન સિસોદિયા બાગ “ નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં નાગાર્જુન સિસોદિયાની આબેહુબ પ્રતિમા બનાવવામાં આવી છે જે યુવાનોને આજે પણ પ્રેરણા પૂરી પાડી રહી છે..

રાષ્ટ્રના રક્ષણ ખાતર વીરગતિને પ્રાપ્ત કરી પોરબંદર અને મહેર સમાજને પોતાના શોર્ય અને બહાદુરીપૂર્વક ગૌરવ પ્રદાન કરી ઇતિહાસના પાને અમર થઇ જનાર અમર શહીદ નાગાર્જુન સિસોદિયાને તેમની 51 મી પુણ્યતિથી નિમિતે લાખો સલામ, અશ્રુભીની હૃદયાંજલિ,,,,,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.