વાહનમાં ‘રૂઆબ’ છાંટતાં પાટીયા-લખાણ કઢાવાનું શરૂ
વાહનો ઉપર નામ-હોદ્દો દર્શાવીને ‘રૂઆબ’ છાંટતાં પાટીયાને તાત્કાલિક દૂર કરાવવાનો આદેશ આપતાં આજે ટ્રાફિક પોલીસ દ્વારા કમિશનર કચેરી, રામનાથપરા પોલીસ લાઈન અને પોલીસ હેડક્વાર્ટર ખાતે ચેકિંગ ડ્રાઈવ કરીને હોદ્દો દર્શાવતાં લખાણો દૂર કરાવ્યા હતા.
આ સાથે જ માન્ય નંબરપ્લેટ નહીં લગાવનારા વાહનચાલકો પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. આ રીતે પોલીસ દ્વારા કુલ 91 કેસ કરીને રૂા.38600ના દંડની વસૂલાત કરવામાં આવી હતી તો પાંચ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા તેમજ 38 વાહનોમાંથી લખાણો દૂર કરાયા હતા. જ્યારે 17 વાહનો ગેરકાયદે પાર્ક થયા હોય તેને ટોઈંગ કરી લેવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ઘણા લાંબા સમયથી વાહનોમાં ‘પોલીસ’ લખાણ દૂર કરાવવાનો આદેશ આપ્યો હોવાથી અને જો આદેશનું પાલન નહીં થાય તો ક્વાર્ટર ખાલી કરાવવાની ચીમકી આપતાં જ લગભગ તમામ સ્ટાફે આ લખાણ દૂર કરાવી નાખ્યું હતું.
જો કે પોલીસ કર્મીઓના વાહનો ઉપર ભગવાનનું નામ, સંતાનોનું નામ સહિતનું લખાણ હજુ પણ યથાવત હોવાથી સૌથી પહેલાં પોલીસકર્મીઓના વાહનો પરથી આ લખાણ દૂર કરાવાયું હતું અને ત્યારપછી લોકોનો ‘વારો’ લેવામાં આવ્યો હતો. આજે સવારથી જ ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો ઉપરોક્ત ત્રણેય સ્થળે ગોઠવાઈ ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધરી વાહનો ઉપર પ્રેસ, પોલીસ, એડવોકેટ, ડૉક્ટર, એન્જિનિયર સહિતનું હોદ્દો દર્શાવતું લખાણ લખીને નીકળતાં સ્કૂટર-કારચાલકોને અટકાવીને પોતાના હાથે જ આ લખાણ દૂર કર્યું હતું.
આ સાથે જ નંબરપ્લેટ ન હોય તેવા વાહનચાલકો પાસેથી તાત્કાલિક દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે અનેક લોકોએ પોલીસના રિફ્લેક્ટર મતલબ કે બ્લુ-લાલ કલરના સીમ્બોલમાં ‘પી’ લખેલું તો અનેક વાહનો ઉપર રિફ્લેક્ટરની અંદર અલગ-અલગ લખાણ લખવામાં આવ્યું હોય તેમની પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. બીજી બાજુ ભગવાન તેમજ સંતાનોના નામને દૂર કરવાનું શરૂ કરવામાં આવતાં લોકોમાં હોબાળો બોલી ગયો હતો જે અંગેની જાણ થતાં જ ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાએ આ પ્રકારનું લખાણ નહીં દૂર કરવા સ્ટાફને આદેશ આપ્યો હતો.
પોલીસ કમિશનર કચેરીની સામે જ આવેલી આવકવેરા વિભાગની ઑફિસમાંથી અધિકારીઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે એક કાર અધિકારીની નીકળતાં તેમાં હોદ્દાનું પાટીયું હોવાનું ધ્યાન પર આવતાં જ પોલીસે તાત્કાલિક કાર અટકાવીને પાટીયું ઉતારી લેવાતાં હોબાળો મચી ગયો હતો. આ પછી અધિકારી દ્વારા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી અને પોતાના હોદ્દાનું પાટિયું પરત મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ તેમને પાટિયું પરત નહીં મળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.