ભારતમાં એક્ઝિટ પોલ, દુનિયાભરમાં ચર્ચા:’જો ભાજપ ત્રીજી વખત જીતે તો…’, એક્ઝિટ પોલ પર પાકિસ્તાન, ચીન, બ્રિટન સહિત દુનિયાનું મીડિયા શું કહે છે?
દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે સત્તાવાર પરિણામ આવશે, પરંતુ એ પહેલાં જ એક્ઝિટ પોલનાં અનુમાનોએ દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી છે. એક્ઝિટ પોલનાં પરિણામોમાં ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક રીતે સતત ત્રીજી વખત વડાપ્રધાન બની શકે છે. ત્યારે બ્રિટન, રશિયા, ચીન, તુર્કી, સાઉદી સહિત વિશ્વભરનાં મોટા અખબારોમાં આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે અને મંગળવારે પરિણામ આવતાં પહેલાં એક્ઝિટ પોલ પણ આવી ગયા છે, જેમાં ભાજપ ફરી એક વખત જંગી બહુમતી સાથે જીતતી હોય એવું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને સહયોગી પાર્ટીઓ (NDA ગઠબંધન)ને 361થી 401 સીટ મળી શકે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર સમગ્ર વિશ્વનાં મીડિયાની નજર છે અને વિશ્વનાં તમામ મોટાં અખબારો અને ન્યૂઝ વેબસાઈટોએ એક્ઝિટ પોલના અહેવાલો પ્રકાશિત કર્યા છે. રશિયા, બ્રિટન, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, UAE સહિતના ઘણા દેશોનાં મીડિયાએ એક્ઝિટ પોલનાં પરિણામોને ખાસ કવર કર્યા છે. બ્રિટિશ મીડિયાએ શું કહ્યું? બ્રિટનના મોટા અખબાર ધ ગાર્ડિયને 3 જૂન, સોમવારના રોજ પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં ચાલી રહેલી ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે અને એક્ઝિટ પોલ આગાહી કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક ત્રીજી વખત જીતશે. ધ ગાર્ડિયને વધુમાં લખ્યું છે કે ભારતના ઈતિહાસની સૌથી લાંબી અને સૌથી મોટી ચૂંટણી, અંદાજે એક અબજ મતદારો સાથે એપ્રિલમાં શરૂ થઈ હતી. અખબારે લખ્યું છે કે ચૂંટણીઓ લાંબા સમય સુધી ચાલી હતી, એ દરમિયાન ભારતમાં ભયંકર ગરમી જોવા મળી હતી, જેમાં ડઝનેક લોકો અને મતદાન અધિકારીઓનાં મોત થયાં હતા. અખબાર આગળ લખે છે કે 'શનિવારની રાત્રે આવેલા એક્ઝિટ પોલનાં પરિણામોમાં મોદી અને તેમની ભારતીય જનતા પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે અને તેઓ સંસદમાં બહુમત માટે જરૂરી બે તૃતીયાંશ બેઠકોથી આગળ જતા જણાય છે. હિન્દુ રાષ્ટ્રવાદી નેતા મોદી માટે આ એક ઐતિહાસિક જીત હશે, જેમણે ભારતના બિનસાંપ્રદાયિક લોકશાહીમાં નોંધપાત્ર પરિવર્તન કર્યું છે. જવાહરલાલ નેહરુ પછી કોઈ વડાપ્રધાન સતત ત્રીજી વખત ચૂંટણી જીતી શક્યા નથી. એ જ સમયે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, બીબીસીએ તેના અહેવાલમાં કહ્યું છે કે એક્ઝિટ પોલનાં પરિણામો દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, સાથે જ બીબીસીએ વિશ્લેષકોને ટાંકીને પણ કહ્યું છે કે ભૂતકાળમાં અલગ-અલગ ન્યૂઝ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે સરકાર બનાવવા માટે ભારતમાં કોઈપણ પાર્ટી અથવા ગઠબંધનને લોકસભાની 543 સીટમાંથી બે તૃતીયાંશ એટલે કે 272 સીટ મળવી જરૂરી છે. ચીન ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે એક્ઝિટ પોલનાં પરિણામો દર્શાવે છે કે વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત જીતવા જઈ રહ્યા છે. નિષ્ણાતોને ટાંકીને ચીનના અખબારે લખ્યું છે કે જીત બાદ મોદી પોતાની સ્થાનિક રાજનીતિ અને વિદેશનીતિમાં કોઈ ફેરફાર નહીં કરે અને ભારતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો ચાલુ રાખશે. ગ્લોબલ ટાઈમ્સે વિશેષજ્ઞોને ટાંકીને આગળ લખ્યું છે કે 'ચૂંટણી જીત્યા બાદ મોદીનું ફોકસ ભારતને અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પર રહેશે. મોદી રાજદ્વારી માધ્યમથી વિશ્વમાં ભારતનો પ્રભાવ વધારવાનો પણ પ્રયાસ કરશે. પાકિસ્તાન પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોને લખ્યું છે કે જો આપણે બે એક્ઝિટ પોલનો સારાંશ આપીએ તો ભારતની સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભાની 543 સીટમાંથી 350 સીટ જીતી રહી હોય એવું લાગે છે. બહુમત માટે 272 બેઠક જરૂરી છે. ડોને આગળ લખ્યું, 'કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધન અંગેના એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ગઠબંધન 120 બેઠક જીતશે. ભારતમાં એક્ઝિટ પોલનો રેકોર્ડ ખરાબ છે, કારણ કે ચૂંટણીનાં પરિણામોએ તેમને ઘણીવાર ખોટા સાબિત કર્યા છે. વિશ્લેષકો કહે છે કે ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણી પરિણામોની આગાહી કરવી એ એક મોટો પડકાર છે. બાંગ્લાદેશ બાંગ્લાદેશના અગ્રણી અંગ્રેજી અખબાર 'ધ ડેઇલી સ્ટાર'એ એક્ઝિટ પોલના આધારે તેના સમાચારનું શીર્ષક આપ્યું છે- 'ભારતના વિપક્ષે એક્ઝિટ પોલના અંદાજોને ફગાવી દીધા.' ધ ડેઈલી સ્ટારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 'ભારતના વિપક્ષી નેતાઓએ એક્ઝિટ પોલનાં અનુમાનોને ખોટાં ગણાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદી સત્તામાં પાછા આવી રહ્યા છે. વિપક્ષે એક્ઝિટ પોલને નકલી ગણાવ્યો છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ એક્ઝિટ પોલ નથી, પરંતુ મોદી મીડિયા પોલ છે. ઈન્ડિયા બ્લોકને 295 સીટ મળી રહી છે. રશિયા રશિયાના સરકારી પ્રસારણકર્તા રશિયા ટીવી (RT)એ પણ એક્ઝિટ પોલનાં પરિણામો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. RTએ લખ્યું છે કે વિવિધ એક્ઝિટ પોલનાં પરિણામો દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભારતની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. મતોની સત્તાવાર ગણતરી 4 જૂને થશે અને ત્યાર બાદ ચૂંટણી પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. RTએ લખ્યું, 'મોદીની આ જીત ઐતિહાસિક બનવાની છે, કારણ કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી કોઈ વડાપ્રધાન સતત ત્રીજી વખત પીએમ નથી બન્યા. નેહરુ લગભગ 17 વર્ષ સુધી સત્તામાં રહ્યા હતા. તુર્કી તુર્કીના સરકારી પ્રસારણકર્તા ટીઆરટી વર્લ્ડે એક રિપોર્ટમાં લખ્યું છે કે અલગ-અલગ મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર, ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવી શકે છે. ટીઆરટી વર્લ્ડે લખ્યું, 'નિષ્ણાતો અને વિશ્લેષકોએ ચૂંટણીમાં મોદીની જીતની આગાહી પહેલાં જ કરી દીધી હતી. મોદીને ભારતમાં ઘણું સમર્થન મળેલું છે, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન લોકતાંત્રિક મૂલ્યો અને લઘુમતી અધિકારોને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તુર્કીના સરકારી પ્રસારણકર્તાએ આગળ લખ્યું, 'ભાજપ દાવો કરી રહ્યો છે કે તેને આ ચૂંટણીમાં 400થી વધુ સીટો મળશે, જેનાથી વિપક્ષની ચિંતા વધી ગઈ છે. વિપક્ષને ડર છે કે જો ભાજપને મજબૂત બહુમતી મળશે તો તે બંધારણમાં સુધારો પણ કરી શકે છે. બંધારણમાં સુધારો કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે અને એક્ઝિટ પોલ મુજબ જો ભાજપ 365 સીટ જીતે તો તે સરળતાથી કરી શકે છે. કતાર કતારના ન્યૂઝ નેટવર્ક અલજઝીરાએ રવિવારે પ્રકાશિત એક રિપોર્ટમાં લખ્યું છે કે એક્ઝિટ પોલ અનુસાર, 73 વર્ષીય પીએમ મોદી ફરી એકવાર વડાપ્રધાન બનતા જોવા મળી રહ્યા છે. અલ જઝીરાએ લખ્યું, 'જો મંગળવાર, 4 જૂનનાં સત્તાવાર પરિણામો, એક્ઝિટ પોલને સાચા સાબિત કરે છે, તો મોદીની ભારતીય જનતા પાર્ટી વધતી અસમાનતા, રેકોર્ડ-ઊંચી બેરોજગારી અને વધતી જતી મોંઘવારી જેવા મુદ્દાઓથી બચી જશે અને આ પ્રદર્શન તેના તાજેતરના પ્રદર્શનથી પણ વધુ સારું રહેશે. સ્વતંત્ર ભારતમાં અગાઉ ક્યારેય કોઈ વડાપ્રધાને દરેક વખતે સારી બેઠકો સાથે સતત ત્રણ લોકસભા ચૂંટણી જીતી નથી. સાઉદી અરબ સાઉદી અરેબિયાના અખબાર અરબ ન્યૂઝે લખ્યું છે કે એક્ઝિટ પોલ અનુસાર, ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મળી રહી છે, જેના કારણે વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનશે. અરબ ન્યૂઝે લખ્યું છે કે 'વિપક્ષે એક્ઝિટ પોલ જાહેર થયાં પહેલાં જ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે એક્ઝિટ પોલ કયો પક્ષ જીતશે એ નક્કી છે. એક્ઝિટ પોલની સચોટતાનો ઈતિહાસ મિશ્ર રહ્યો છે અને રાજકીય વિશ્લેષકો પણ એની સચોટતા અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. યુએઇ સંયુક્ત આરબ અમીરાત, યુએઇના અખબાર ખલીજ ટાઈમ્સે એક્ઝિટ પોલને ટાંકીને લખ્યું છે કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી સામાન્ય ચૂંટણીમાં બહુમતી મેળવવા જઈ રહી છે. ખલીજ ટાઈમ્સે લખ્યું, 'એક્ઝિટ પોલ્સ દર્શાવે છે કે સત્તારૂઢ NDA 543 સીટવાળી લોકસભામાં 350 સીટો જીતી શકે છે, જ્યારે બહુમત માટે 272 બેઠક જરૂરી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ 353 બેઠક જીતી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.