શું બજરંગ પુનિયા-વિનેશ ફોગાટ રાજકારણમાં કરશે એન્ટ્રી?:ચૂંટણી લડવાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીને મળ્યા; કોંગ્રેસે ટિકિટની ઓફર કરી
કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે બંને દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યાં હતાં. આ બંને ચૂંટણી લડશે તેવો સંકેત મળી રહ્યા છે. રાહુલને મળ્યા બાદ બંને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલને મળવા પણ ગયાં હતાં. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ બંને કુસ્તીબાજોને ટિકિટની ઓફર કરી છે. વિનેશને 3 અને બજરંગને 2 સીટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જો કે, કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાબરિયાએ મંગળવારે કહ્યું હતું કે ચૂંટણી લડવાનો નિર્ણય વિનેશ ફોગાટ લેશે. આ અંગેની સ્થિતિ બુધવારે સ્પષ્ટ થશે. પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આ બંનેને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને ભાજપ વિરુદ્ધ કુસ્તીબાજના આંદોલનનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ કોંગ્રેસ વિનેશ ફોગટની હા કહેવાની રાહ જોઈ રહી છે. કોંગ્રેસને બજરંગ પુનિયા ચૂંટણી લડવા અંગે સકારાત્મક સંકેતો મળ્યા છે, પરંતુ મામલો વિનેશ પર ટકેલો છે. વિનેશને આ 3 સીટોની ઓફર કરવામાં આવી
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનેશ ફોગાટને જે 3 સીટોની ઓફર કરવામાં આવી છે, તેમાં પ્રથમ 2 બેઠકો દાદરી અને ચરખી દાદરીની બાઢરા છે. તે આ જિલ્લાના બલાલી ગામની રહેવાસી છે. જો વિનેશ દાદરી માટે રાજી થાય છે, તો તેને તેની પિતરાઈ બહેન દંગલ ગર્લ બબીતા ફોગાટ સામે મુકાબલાનો સામનો કરવો પડી શકે છે. બબીતાએ ભાજપની ટિકિટ પર 2019માં અહીંથી ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી. આ વખતે પણ તે ટિકિટની દાવેદાર છે. વિનેશને જીંદની જુલાના સીટનો ત્રીજો વિકલ્પ આપવામાં આવ્યો છે. અહીં વિનેશ ફોગાટનું સાસરું છે. બજરંગને આ 2 સીટોની ઓફર
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર બજરંગ પુનિયાને પણ બે સીટોની ઓફર કરવામાં આવી છે. બજરંગ સોનીપતથી ચૂંટણી લડવા આતુર છે, પરંતુ અહીંથી કોંગ્રેસ વર્તમાન ધારાસભ્ય સુરેન્દ્ર પવારને ટિકિટ આપવા માંગે છે. પવાર હાલ ED કેસમાં જેલમાં છે. જો તેઓ ચૂંટણી નહીં લડે તો તેમના પુત્ર કે પુત્રવધૂને ટિકિટ મળી શકે છે. તેમની ટિકિટ રદ કરીને કોંગ્રેસ એવો સંકેત આપવા માંગતી નથી કે મુશ્કેલીના સમયમાં તેણે નેતાને છોડી દીધા છે. બજરંગે પણ ઝજ્જરની બદલી સીટ પર રસ દાખવ્યો છે, પરંતુ અહીંથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય કુલદીપ વત્સની ટિકિટ ફાઈનલ કરી છે. વત્સ એક મોટો બ્રાહ્મણ ચહેરો છે, તેથી કોંગ્રેસ તેમની ટિકિટ કાપીને બ્રાહ્મણ વોટબેંકને ખલેલ પહોંચાડવા માંગતી નથી. કોંગ્રેસ દ્વારા બજરંગને બહાદુરગઢ અને ભિવાનીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ બંને જાટ પ્રભુત્વવાળી સીટો છે. ભૂપેન્દ્ર હુડ્ડા ટિકિટ માટે વકીલાત કરી રહ્યા છે
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર હુડ્ડાએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની ટિકિટ માટે વકીલાત કરી હતી. હુડ્ડાએ કહ્યું કે કુસ્તીબાજોની સાથે ઊભા રહેવાથી હરિયાણામાં લોકોનું સમર્થન કોંગ્રેસની તરફેણમાં આવશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ચર્ચા બાદ આ માટે સંમતિ આપી હતી. જોકે, ચૂંટણી લડવી કે નહીં અને સીટ પસંદ કરવાનો નિર્ણય વિનેશ અને બજરંગ પર છોડી દેવામાં આવ્યો છે. દીપેન્દ્ર હુડ્ડાએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું
પેરિસ ઓલિમ્પિકમાં એક દિવસમાં 3 ફાઈટ જીત્યા બાદ પણ મેડલ ચૂકી ગયેલ વિનેશનું 17 ઓગસ્ટના રોજ ભારત પરત ફરતા, દિલ્હી એરપોર્ટથી તેમના ગામ બલાલીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા આવ્યા અને પછી તેમના કાફલામાં ગુરુગ્રામ ગયા હતા. આ પછી ખાપ પંચાયતો તેમને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બોલાવીને તેમનું સન્માન કરી રહ્યા છે. તેમને ઝજ્જર, રોહતક, જીંદ અને દાદરી જિલ્લામાં ઘણી જગ્યાએ સન્માનિત કરવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં વિનેશ પણ જોડાઈ છે. વિનેશ-બજરંગે બ્રિજભૂષણના વિરોધનું નેતૃત્વ કર્યું હતું
વર્ષ 2023માં મહિલા રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના તત્કાલીન અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકની આગેવાનીમાં કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ધરણાં લગભગ 140 દિવસ સુધી ચાલ્યાં હતાં. વિનેશ ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે મેડલ પરત કરશે. આ પહેલાં કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ પોતાનો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર રાખ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.