મૃત પતિનું સ્પર્મ સાચવી રાખવા પત્ની જીદે ચડી:પોલીસ-ડોક્ટર મૂંઝાયાં, 2 દિવસ સુધી ન થવા દીધું પોસ્ટમોર્ટમ; 4 મહિના પહેલાં જ લગ્ન થયેલાં
એક યુવતીના લગ્ન માત્ર 4 મહિના પહેલાં જ થયા હતા અને તેના પતિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. પતિના અવસાન બાદ પત્નીએ એવો નિર્ણય લીધો, જેનાથી બધા ચોંકી ગયા અને બધા મુંઝવણમાં મુકાઈ ગયા. પત્નીએ ડોક્ટર પાસે મૃત પતિના વીર્યની માગણી કરી. પત્નીની માગણીએ સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલના ડૉક્ટરોને મૂંઝવણમાં મૂકી દીધા. શરીર 24 કલાકથી વધુ જૂનું હોવાને કારણે ડૉક્ટરે પણ સ્પર્મ પ્રિઝર્વ કરવાની ના પાડી દીધી હતી. પત્નીએ હોબાળો મચાવ્યો. જોકે ડોક્ટરોએ સલાહ આપીને મામલો શાંત પાડ્યો હતો. સીધી જિલ્લાના ચુરહાટના રહેવાસી જિતેન્દ્ર સિંહ ગહરવારનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે લાશનું પંચનામું તૈયાર કરી પોસ્ટમોર્ટમ માટે સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલના શબઘરમાં મોકલી આપી હતી. અકસ્માત સમયે પત્ની ઘટનાસ્થળે ન હતી. તેના મૃત્યુ અંગે પોલીસને જાણ કરી, જેના પર પત્નીએ પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી. આ પછી પોલીસ હોસ્પિટલમાં મૃતકની પત્નીના આવવાની રાહ જોતી રહી. ડોક્ટરોએ હાથ અધ્ધર કરી દીધા
બીજા દિવસે જ્યારે પત્ની હોસ્પિટલ આવી ત્યારે તેણે પોલીસ અને ડોક્ટરો સામે તેના મૃત પતિના વીર્યને પ્રિઝર્વ કરવાની માગ કરી, જેથી તે તેના પતિના વીર્યથી જન્મેલા બાળક સાથે આખી જિંદગી વિતાવી શકે. આ સાંભળીને બધાને નવાઈ લાગી. ડોક્ટર અને પોલીસ વચ્ચે મૂંઝવણ વધી ગઈ. 24 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ મૃતકના શરીરમાંથી વીર્ય પ્રિઝર્વ કરવા પર ડોક્ટરોએ હાથ અધ્ધર કરી દીધા. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના એચઓડી ડો.રજનીશ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે 24 કલાકની અંદર મૃત વ્યક્તિના શરીરમાંથી શુક્રાણુને પ્રિઝર્વ કરવા જરૂરી છે. એના કરતાં વધુ સમય વીતી ગયા પછી વીર્ય પ્રિઝર્વ થઈ શકતું નથી. આ સિવાય મેડિકલ કોલેજમાં આ પ્રક્રિયા અપનાવવાની કોઈ સુવિધા નથી. ડોક્ટરોએ હાથ ઊંચા કરતાં જ મૃતકની પત્નીએ હોબાળો મચાવી દીધો હતો. ડોક્ટર અને પોલીસની ઘણી સમજાવટ બાદ યુવતી સંમત થઈ અને 2 દિવસ પછી પોસ્ટમોર્ટમ થઈ શક્યું. પીએમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલના કો-સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.અતુલ સિંહે જણાવ્યું હતું કે મૃતકના લગ્ન 4 મહિના પહેલાં જ થયા હતા. અકસ્માતમાં પતિએ જીવ ગુમાવ્યો હતો, જેના કારણે પત્નીએ આખી જિંદગી પતિની યાદમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો અને વીર્યની માગણી કરી રહી હતી. વધુ સમય વીતી જવાને કારણે આ પ્રક્રિયા શક્ય બની ન હતી. સમજાવટ બાદ પત્ની સંમત થઈ અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.