‘આવા ગુંડાને CM હાઉસમાં કોણ રાખે?’:સ્વાતિ માલીવાલ કેસમાં સુપ્રીમ કોર્ટે બિભવને ઠપકો આપતાં કહ્યું- એક મહિલા સાથે ગેરવર્તન કરતાં શરમ નથી આવતી?
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બિભવ પર આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બિભવને જોરદાર ઠપકો આપતાં કહ્યું હતું કે શું તમને એક મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી? બિભવ તરફથી હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ત્રણ દિવસ પછી FIR દાખલ કરવામાં આવી છે. માલીવાલ પોલીસ સ્ટેશન ગઈ, પરંતુ FIR નોંધાયા વગર પરત ફરી. જ્યારે કોર્ટે ચાર્જશીટ વિશે પૂછ્યું ત્યારે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે અમે જે આદેશને પડકાર્યો છે એ આદેશ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટે શું-શું કહ્યું...
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે રીતે ઘટનાઓ બની છે એનાથી અમે ચોંકી ગયા છીએ. શું મુખ્યમંત્રીનો બંગલો ખાનગી રહેઠાણ છે? શું આવા ગુંડાઓને રાખવા માટે ઓફિસની જરૂર છે? શું આ રીત છે? અમને નવાઈ લાગી. પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થયું. માલીવાલે તેને રોકાવાનું કહ્યું, પણ તે વ્યક્તિ રોકાઈ નહીં. તે શું વિચારે છે? શું તેના માથા ઉપર કોઈ શક્તિ સવાર છે? તમે ભૂતપૂર્વ સચિવ હતા, જો પીડિતાને ત્યાં રહેવાનો અધિકાર ન હતો તો તમને ત્યાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમે એવું દેખાડ્યું કે જાણે કોઈ ગુંડો પરિસરમાં ઘૂસ્યો હોય. શું તમને આવું કરવામાં કોઈ શરમ આવે છે? સ્વાતિ એક યુવતી છે. તમને લાગે છે કે એ રૂમમાં હાજર કોઈને પણ બિભવ સામે કંઈ કહેવાની હિંમત થઈ હશે? કોર્ટે સિંઘવીની દલીલ ફગાવી
જ્યારે સિંઘવીએ હત્યાના બે કેસમાં આરોપીઓને જામીન મળ્યાનો ઉલ્લેખ કર્યો ત્યારે જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે અમને એ કેસોના સંદર્ભો ન આપો, કારણ કે અહીં કેવી રીતે ઘટના બની એ અમારી ચિંતાનું કારણ છે. સ્ત્રી સાથે આવું વર્તન કરતાં તમને શરમ નથી આવતી? કોન્ટ્રેક્ટ કિલર, હત્યારાઓને અમે જામીન પણ આપીએ છીએ, પણ આ કિસ્સામાં કેવું નૈતિક મનોબળ છે? ખૂબ જ કડક વલણ અપનાવતાં કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી અને બિભવની જામીન અરજી પર જવાબ માગ્યો. હવે આગામી સુનાવણી 7 ઓગસ્ટ, બુધવારે થશે. કોર્ટે કહ્યું- શું મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાનગી નિવાસસ્થાન છે
સિંઘવીએ કહ્યું, પહેલા દિવસે તે (પોલીસ પાસે) ગઈ હતી, પરંતુ તેણે કોઈ ફરિયાદ કરી ન હતી, પરંતુ ત્રણ દિવસ પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે પૂછ્યું કે શું માલીવાલે 112ને ફોન કર્યો? જો હા, તો તે તમારા દાવાને જૂઠું પાડે છે કે તેણે મનઘડત કહાની કહી છે. સિંઘવીએ સ્વીકાર્યું કે તે સીએમ હાઉસ ગઈ હતી. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે શું મુખ્યમંત્રીનું સરકારી હાઉસ ખાનગી રહેઠાણ છે? શું આવા નિયમોની જરૂર છે? અમને આશ્ચર્ય થાય છે, તે નાની કે મોટી ઇજાઓ વિશે નથી. હાઈકોર્ટે બધું બરાબર સાંભળ્યું છે. સ્વાતિ માલીવાલનો આરોપ શું હતો?
દિલ્હી મહિલા આયોગનાં ભૂતપૂર્વ વડાં સ્વાતિ માલીવાલે FIRમાં આરોપ લગાવ્યો હતો કે અચાનક કુમાર રૂમમાં પ્રવેશ્યા. તેણે કોઈપણ જાતની ઉશ્કેરણી વગર મારા પર બૂમો પાડવાનું શરૂ કર્યું. તેણે મારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો. હું તેના વર્તનથી ચોંકી ગઈ... મેં તેને કહ્યું હતું કે મારી સાથે આ રીતે વાત કરવાનું બંધ કરો અને મુખ્યમંત્રીને ફોન કરો. હાઇકોર્ટમાંથી જામીન મંજૂર થયા ન હતા
12 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે બિભવ કુમારને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો, એમ કહીને કે તેમનો 'નોંધપાત્ર પ્રભાવ' છે અને તેમને રાહત આપવાનો કોઈ આધાર નથી. ન્યાયાધીશે કહ્યું હતું કે એ વાતને નકારી શકાય નહીં કે જો અરજદારને જામીન પર છોડવામાં આવે તો સાક્ષીઓ પ્રભાવિત થઈ શકે અથવા પુરાવા સાથે ચેડાં થઈ શકે. ન્યાયાધીશે કહ્યું હતું કે આરોપોની પ્રકૃતિ અને સાક્ષીઓના પ્રભાવિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ તબક્કે અરજદારને જામીન પર મુક્ત કરવા માટે કોઈ કારણ નથી, તેથી અરજી નામંજૂર કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.