ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કોણ છે ? વાંચો…
નવી દિલ્હી, તા. 22 જૂન 2022 બુધવાર ભારતની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 29 જૂન સુધી નામાંકન, 18 જુલાઈએ મતદાન અને 21 જુલાઈએ પરિણામ આવશે. સત્તાધારી ભાજપની આગેવાની હેઠળનુ ગઠબંધન એનડીએ અને વિપક્ષે રાષ્ટ્રપતિ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.ગઈ વખતે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપે બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા અને આ વખતે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે.દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તેઓ ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા.દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પહેલા મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતા. અહીંથી સેવાનિવૃતિ બાદ તેઓ પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહે છે. આ તેમના પૈતૃક ગામ બૈદાપોસીનુ પ્રખંડ મુખ્યાલય છે. તેઓ ઝારખંડમાં સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ રહ્યા. દ્રૌપદી મુર્મૂ ભારતના પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. તેઓ એનડીએના ઉમેદવાર છે અને એનડીએ મતના મુદ્દે જીતની નજીક છે.વિપક્ષી પાર્ટીઓએ યશવંત સિન્હાને આ પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આઈએએસના પૂર્વ અધિકારી યશવંત સિન્હા ઝારખંડના હજારીબાગ બેઠક પરથી ભાજપના લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારના મંત્રી પણ. તેઓ લાંબા સમય સુધી ભાજપના જ નેતા રહ્યા પરંતુ આખરે ભાજપથી અલગ થવુ પડ્યુ. અત્યારે તેઓ મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેમના પુત્ર અને હજારીબાગના વર્તમાન લોકસભા સાંસદ જયંત સિન્હા અત્યારે ભાજપમાં છે. જયંત સિન્હા માટે રસાકસીની સ્થિતિ હશે કે તેઓ મતદાન પિતાના પક્ષમાં કરે કે પાર્ટીના પક્ષમાં. આ પહેલી તક છે જ્યારે ભારતની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંને પ્રમુખ ઉમેદવારોનો સંબંધ ઝારખંડથી છે. આ કારણે આ નાનુ રાજ્ય અચાનક ચર્ચામાં આવી ગયુ છે.કેમ ખાસ છે દ્રૌપદી મુર્મૂ21 જૂનની મોડી સાંજે ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરી, ત્યારે તેઓ નવી દિલ્હીથી લગભગ 1600 કિલોમીટર દૂર રાયરંગપુર (ઓડિશા) ના પોતાના ઘરમાં હતા. 20 જૂને તેમણે પોતાનો 64મો જન્મદિવસ સાદગીથી મનાવ્યો હતો. જોકે ત્યારે તેમને એ નહોતી ખબર કે લગભગ 24 કલાક બાદ તેઓ દેશના સૌથી મોટા પદ માટે સત્તા પક્ષ તરફથી ઉમેદવાર બનવાના છે પરંતુ એવુ થયુ અને હવે તમામ અટકળો પૂરી થઈ. પોતાની ઉમેદવારીની જાહેરાત બાદ તેમણે સ્થાનિક મીડિયાને કહ્યુ, હુ આશ્ચર્યચકિત છુ અને ખુશ પણ કેમ કે મને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી છે. મને ટીવી જોઈને આની જાણ થઈ. રાષ્ટ્રપતિ એક બંધારણીય પદ છે અને હુ જો આ પદ માટે પસંદ કરવામાં આવી તો રાજકારણથી અલગ દેશના લોકો માટે કામ કરીશ. આ પદ માટે જે બંધારણીય જોગવાઈ અને અધિકાર છે. હુ તે અનુસાર કામ કરવા માગુ છુ. આનાથી વધારે હુ હાલ બીજુ કંઈ કહી ના શકુ. જોકે, રાજકારણ અને મીડિયામાં તેમના નામની ચર્ચાઓ પહેલેથી જ ચાલી રહી હતી. વર્ષ 2017માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ તેમના નામની ચર્ચા જોર-શોરથી ચાલી હતી પરંતુ છેલ્લા સમયે ભાજપે ત્યારે બિહારના રાજ્યપાલ રહેલા રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી દીધા હતા. તેઓ ચૂંટણી જીત્યા પણ અને રાષ્ટ્રપતિ તરીકે આગામી 24 જુલાઈએ તેમનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે.દ્રૌપદી મુર્મૂ એક સમયે ક્લાર્ક પણ રહ્યાવર્ષ 1979મા ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજમાંથી બીએ પાસ કરનારા દ્રૌપદી મુર્મૂએ પોતાના વ્યાવસાયિક કરિયરની શરૂઆત ઓડિશા સરકાર માટે ક્લાર્કની નોકરીથી કરી ત્યારે તેઓ સિંચાઈ અને ઉર્જા વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ હતા. બાદના વર્ષોમાં તેઓએ શિક્ષક તરીકે પણ નોકરી કરી. તેમણે રાયરંગપુરના શ્રી અરવિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે નોકરી કરી. નોકરીના દિવસોમાં તેમની ઓળખ એક મહેનતી કર્મચારી તરીકે હતી.દ્રૌપદી મુર્મુ જાણીતા આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે અને 18 મે 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. તેઓ તેઓ પ્રથમ ઓડિયા નેતા છે જેઓ ઝારખંડના ગવર્નર તરીકે રહ્યા છે. તેમણે 2000 થી 2004 સુધી ઓડિશા વિધાનસભામાં રાયરંગપુરથી ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવેલી છે.રાજકીય કરિયરદ્રૌપદી મુર્મૂએ પોતાના રાજકીય કરિયરની શરૂઆત વોર્ડ કાઉન્સિલર તરીકે વર્ષ 1997માં કરી હતી. ત્યારે તેઓ રાયરંગપુર નગર પંચાયતની ચૂંટણીમાં વોર્ડ કાઉન્સિલર તરીકે પસંદ કરવામાં આવ્યા અને નગર પંચાયતના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તે ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી હતી. ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેમણે 6 માર્ચ, 2000 થી ઑગસ્ટ 6, 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે અને 6 ઓગસ્ટ, 2002 થી 16 મે સુધી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો. 2004. મંત્રી હતા.વર્ષ 2007 માં, તેમને ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. મુર્મુ ભાજપના આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચૂક્યા છે.તેઓ ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂકયા છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. વર્ષ 2000 માં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર તે ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.