સ્વચ્છ ભારત દિવસ- ગાંધી જયંતી પર સ્વચ્છતા ઝુંબેશના નારાઓથી ગુંજ્યો મોડાસામાં શ્રીરામ મત્ત માર્ગ - At This Time

સ્વચ્છ ભારત દિવસ- ગાંધી જયંતી પર સ્વચ્છતા ઝુંબેશના નારાઓથી ગુંજ્યો મોડાસામાં શ્રીરામ મત્ત માર્ગ


ગાયત્રી પરિવારે સ્વચ્છતા જાગૃતિ યાત્રા કાઢી સ્વયં સફાઈ કરી.

૧૭ સપ્ટેમ્બર થી ૨ ઑક્ટોબર દરમિયાન મોડાસા ક્ષેત્રના ૨૪ ગામોમાં ગાયત્રી પરિવારે ચલાવ્યું સ્વચ્છતા જાગૃતિ અભિયાન

ગામેગામ જનમાનસને સ્વચ્છતા માટે જાગૃત કરવા ગાયત્રી સાધકોએ સ્વયં સ્વચ્છતા કરી સૌને પ્રેરણાત્મક સંદેશ આપ્યો.

૧૭ સપ્ટેમ્બર થી ૨ ઑક્ટોબર ભારતભરમાં "સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪" અભિયાન ચાલ્યું. ત્યારે અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના માર્ગદર્શનમાં ગામેગામ સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ. ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર દરમિયાન ગાયત્રી સાધકોએ કમરકસી ૨૪ ગામોમાં સ્વચ્છતા જાગૃતિ યાત્રા કાઢી. હાથમાં સ્વચ્છતાના સુવાક્યો, સાઉન્ડ સિસ્ટમથી ગામમાં સ્વચ્છતાના મહત્વ સમજાવ્યું, સ્વચ્છતાના નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠતા. ત્યારબાદ આ ગાયત્રી સાધકોએ ગ્રામજનોને ઢંઢોળવા ગામમાં કચરાના સ્થાનો - રસ્તાઓની સ્વયં સફાઈ કરી. ગ્રામજનોને ચોખ્ખાઈની અનુભૂતિ કરાવી. ગાયત્રી પરિવારના પીતવસ્ર ધારી સાધકોને ગામમાં સફાઈ કરતા જોઈ ગ્રામજનો ભાવવિભોર થઈ જતા. ગ્રામજનો પણ આ સફાઈમાં જોડાઈ પોતાના ગામને સ્વચ્છ રાખવા સંકલ્પિત થઇ જતા. આમ ૨૪ ગામોમાં આયોજન હાથ ધર્યું.
સ્વચ્છ ભારત દિવસ- ગાંધી જયંતિ ૨ ઑક્ટોબરે સરકારશ્રીના અરવલ્લી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત મોડાસા ટાઉન હોલ ખાતેના સમારોહમાં અરવલ્લી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મોડાસા ગાયત્રી પરિવારના આ ૨૪ ગામોમાં ચલાવેલ સક્રિય સ્વચ્છતા ઝુંબેશને બિરદાવી મંચ પર એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.
વિશેષમાં મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા સ્વચ્છ ભારત દિવસ- ૨ ઑક્ટોબર ગાંધી જયંતી પર મોડાસામાં સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી- શ્રીરામ મત્ત માર્ગ પર સ્વચ્છતા જાગૃતિ યાત્રાનું આયોજન થયું. માલપુર રોડ- આઈ.ટી.આઈ થી પંચજ્યોત, ગોપાલ, નગરપાલિકા થઈ બસ સ્ટેશન સુધીનો માર્ગ આ સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશના નારાઓથી ગુંજી ઉઠ્યો. યાત્રા પછી આ ગાયત્રી સાધકોએ સ્વયં શ્રમદાન કરી સફાઈ ચલાવી. મોડાસા શહેરને સ્વચ્છ રાખવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.