ડિજિટલ ગુજરાતનો ડિજિટલ જિલ્લો: CM ડેશ બોર્ડ પર છેલ્લા ત્રણ મહિનાથી બોટાદ જિલ્લો અવ્વલ
સરકારની કલ્યાણકારી યોજનાઓના પરિણામલક્ષી અમલમાં રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત પ્રથમ સ્થાને રહી બોટાદ જિલ્લાએ સફળતાનું સોનેરી સોપાન સર કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા CM ડેશ બોર્ડ થકી રાજ્યના તમામ ગામડાંઓ, તાલુકાઓ અને જિલ્લાઓમાં કાર્યરત વિવિધ કલ્યાણકારી સેવાઓ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. સી.એમ. ડેશ બોર્ડ એ અદ્યતન ટેકનોલોજી આધારિત સરકારની ત્રીજી આંખ છે જે પ્રત્યેક જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો પળેપળનો હિસાબ રાખે છે. ડિજિટલ ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં છેલ્લા ત્રણ મહિનાથી અવ્વલ આવી રહ્યો છે. કર્મનિષ્ઠ કલેકટર ડૉ.જીન્સી રોયના દૂરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્રના કર્મયોગીઓનો પરિશ્રમ રંગ લાવ્યો છે અને યોજનાઓના પરિણામલક્ષી અને લોકાભિમુખ અમલમાં છેલ્લાં ત્રણ મહિનાથી સતત પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લાએ સફળતાનું સોનેરી સોપાન સર કર્યું છે.
જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ લોકોને ઘર આંગણે જ સમયસર સુલભ સુવિધાઓ પુરી પાડવા જિલ્લાએ મહેસુલ, કૃષિ,સિંચાઇ,આરોગ્ય, શિક્ષણ સહિતનાં અનેકવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો હોવાથી જેની નોંધ CM ડેશ બોર્ડ પર લેવાઇ છે. આ પ્લેટફોર્મ પર 51 પેરામીટર્સ છે જેમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીનું રાજ્યસ્તરેથી અવલોકન કરવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, CM ડેશબોર્ડ ટેક્નોલોજી વિનીયોગથી દરેક જિલ્લા-તાલુકામાં રાજ્ય સરકારની યોજનાઓની કામગીરી પ્રગતિ-અમલીકરણની સંપૂર્ણ સમીક્ષા મુખ્યમંત્રી સ્વયં ગાંધીનગર કાર્યાલયથી કરે છે. આ સી.એમ.ડેશ બોર્ડમાં વિવિધ પેરામીટર્સ-ઇન્ડીકેટર્સ મારફતે મહેસુલ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, અન્ય જનહિતલક્ષી યોજના, ઉર્જા, માર્ગ-મકાન જેવા સેકટર્સને આવરી લેવાયાં છે. આ સી.એમ.ડેશબોર્ડ તૈયાર કરવાં મુખ્યમંત્રી કાર્યાલયે એન.આઇ.સી, આયોજન પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ સાથે સંકલન કરીને જુદા જુદા એમ.આઇ.એસ. ડેટા બેઝને એક જ પ્લેટફોર્મ પર ઇન્ટીગ્રેટ કર્યાં છે. મુખ્યમંત્રી આ તમામ વિગતોની સમીક્ષા કરીને જિલ્લા કલેક્ટરઓ તંત્રવાહકોને યોગ્ય માર્ગદર્શન-દિશાદર્શન પણ સીધું જ આપે છે. આમ આ સી.એમ.ડેશ બોર્ડ પ્રગતિશીલ, સંવેદનશીલ અને પ્રજાભિમુખ વહીવટનું એક નવતર કદમ બન્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.