વાયનાડ લેન્ડસ્લાઇડમાં 134 મૃતદેહનાં ટુકડા મળ્યા:341નું પોસ્ટમોર્ટમ, 206ની ઓળખ થઈ, જિલ્લા વહીવટીતંત્રએ સ્વીકાર્યું- અમે રેસ્ક્યૂમાં નિષ્ફળ રહ્યા - At This Time

વાયનાડ લેન્ડસ્લાઇડમાં 134 મૃતદેહનાં ટુકડા મળ્યા:341નું પોસ્ટમોર્ટમ, 206ની ઓળખ થઈ, જિલ્લા વહીવટીતંત્રએ સ્વીકાર્યું- અમે રેસ્ક્યૂમાં નિષ્ફળ રહ્યા


વાયનાડ ભૂસ્ખલનના પાંચમા દિવસે, વહીવટીતંત્રે સ્વીકાર્યું કે તે રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું છે. પ્રશાસને કહ્યું હતું કે જે જગ્યાએથી ભૂસ્ખલન થયું છે ત્યાંથી મળી આવેલા 341 મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાંથી 146ની ઓળખ કરવામાં આવી છે. 134 લોકોના મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા છે. જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે 74 અજાણ્યા મૃતદેહોના અંતિમસંસ્કાર આજે કરવામાં આવશે. મેપ્પડીમાં 17 રાહત શિબિરમાં 707 પરિવારના 2,597 લોકોને રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 91 કેમ્પ બનાવવામાં આવ્યા છે, જેમાં 10,000થી વધુ લોકો રહે છે. કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે 2થી 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની 4 ઘટના બની હતી, જેમાં ચાર ગામ દટાઈ ગયાં હતાં. સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે મુંડક્કઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં બચાવકાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર મૃતદેહોની શોધ ચાલી રહી છે. કેરળમાં શનિવારે ભારે વરસાદનું એલર્ટ છે. એમાંથી કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં યલો એલર્ટ છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ બચાવ ટીમનાં વખાણ કર્યાં
ગુરુવારે મોડીરાત્રે (ભારતીય સમય મુજબ) થયેલી દુર્ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ. અમે બચાવ કામગીરીમાં સામેલ લોકોની પ્રશંસા કરીએ છીએ. બીજી તરફ ગુરુવારે વાયનાડ પહોંચેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આજે અહીં પીડિતોને મળશે. રાહુલે કહ્યું- પિતાના મૃત્યુનો દિવસ યાદ આવ્યો
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 1 ઓગસ્ટના રોજ વાયનાડ પહોંચ્યા હતા. બંનેએ અસરગ્રસ્તો સાથે વાત કરી હગતી. રાહુલે કહ્યું- આજે હું એ જ અનુભવી રહ્યો છું જેવો મેં મારા પિતાના મૃત્યુ સમયે કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું- કોંગ્રેસ પાર્ટી અહીં 100થી વધુ ઘર બનાવશે. રાહુલે વાયનાડ અને રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. હવે પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો, 40 ટીમે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું
વાયનાડના કલેક્ટર મેઘશ્રીએ કહ્યું- ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો મુંડક્કઈ અને ચુરલમાલાને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. અહીં ડોગ-સ્ક્વોડની સાથે રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકો અને મૃતદેહોને શોધવા માટે સર્ચ-ઓપરેશન ચલાવી રહી છે. એમાં સશસ્ત્ર દળો અને પોલીસની 40 ટીમ સામેલ છે. CM વિજયને કહ્યું- રેસ્ક્યુ-ઓપરેશન પૂરું, મૃતદેહો કાઢવાનું કામ ચાલુ છે
કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું હતું કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે ફસાયેલા પીડિતોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર ચાલુ છે. હવે કાટમાળ હટાવવા અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવમાં સેનાએ પ્રશંસનીય કામગીરી કરી છે. AIADMKએ 1 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી
તામિલનાડુની વિપક્ષી પાર્ટી AIADMKએ વાયનાડ પીડિતો માટે 1 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પાર્ટીના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું હતું કે 1 કરોડ રૂપિયા ઉપરાંત અમે પાડોશી રાજ્યોમાં પણ રાહત સામગ્રી મોકલીશું. બચાવ કામગીરીની તસવીરો... 5 વર્ષ પહેલાં પણ અહીં ભૂસ્ખલનને કારણે 17 લોકોનાં મોત થયાં હતાં
વાયનાડનાં 4 ગામમાં ભૂસ્ખલન થયું છે - મુંડક્કઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા. પાંચ વર્ષ પહેલાં 2019માં આ જ ગામોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોનાં મોત થયાં હતા. 5 લોકો આજદિન સુધી મળ્યા નથી. 52 મકાન ધરાશાયી થયાં હતાં. વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ શું છે?
વાયનાડ કેરળના ઉત્તર-પૂર્વમાં છે. કેરળનો આ એકમાત્ર ઉચ્ચપ્રદેશનો વિસ્તાર છે, એટલે કે માટી, પથ્થરો, વૃક્ષો અને એના પર ઊગેલા છોડના ઊંચા અને નીચા ટેકરાવાળો વિસ્તાર. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના 2021ના અહેવાલ મુજબ કેરળનો 43% વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. વાયનાડની 51% જમીન પહાડી ઢોળાવવાળી છે, એટલે કે ભૂસ્ખલનની શક્યતા ઘણી વધારે રહે છે. વાયનાડ ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટમાં 700થી 2100 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઘણો વરસાદ પડે છે. કબિની નદી વાયનાડમાં છે. એની ઉપનદી માનંતવડી 'થોંડારામુડી' શિખરમાંથી નીકળે છે. ભૂસ્ખલનને કારણે આ નદીમાં પૂરના કારણે મોટું નુકસાન થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.