બોડેલીમાં 21 ઇંચ વરસાદથી જળબંબાકાર : ડાંગમાં 12 ઇંચ
- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા : નદીઓમાં ઘોડાપૂર, વલસાડમાં ઔરંગા નદી કિનારાના વિસ્તારમાં પાણી ભરાયા- બોડેલીમાં આભ ફાટતા અનેક રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા : કુંભારવાડા, દિવાન ફળિયું અને રઝા નગર સૌથી વધુ અસરગ્રસ્ત, 100થી વધુનું સ્થળાંતર- નવસારીના વાંસદામાં 10 ઇંચ, તાપીના ડોલવણમાં 8.4 ઇંચ, સાપુતારા 7.44- નવસારીના ગણદેવી-ચીખલી તાલુકાના ગામોમાં પાણી ફરી વળ્યા તાપીના ડોલવણ-કુકરમુંડા તાલુકાના ઘરોમાં પાણી ભરાયાબોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે આભ ફાટયું હતું. ૨૧ ઇંચ ઉપરાંત ભારે વરસાદના પગલે બોડેલી અને તેની આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. બોડેલીના દિવાન ફળિયા અને રઝાનગરમાંથી ૫૦ ઉપરાંત વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.સાંજે ૬ વાગે વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ માટે કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ બોેડેલી તાલુકાને જોડતા સંખ્યાબંધ ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે.૧૦૦ ઉપરાંત નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બીજી બાજુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા મુશાળધધાર વરસાદને પગેલ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ છે. ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતાં આહવા અને વઘઇમાં ૧૨ ઇંચ વરસાદ ખાબતા તમામ નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક ગામા સંપર્ક વિહોણા બન્યા છે. ડાંગમાં એક મહિલા તણાઇ ગઇ હતી. નદીઓમાં ઘોડાપૂર આવતા વલસાડ, નવસારી અને તાપી જિલ્લા અસરગ્રસ્ત થયા હતા. વલસાડ શહેરમાં ૩૫૦થી વધુ, નવસારી જિલ્લામાં ૪૯૧થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતુ. ત્રણેય જિલ્લામાં વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્કયુ હાથ ધર્યું હતુ. આજ રોજ વહેલી સવાર થી બોડેલી માં ધોધમાર વરસાદ ચાલુ થતાં સવારે ૮ થી ૧૦ વાગ્યાં સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ત્યારબાદ થોડી વાર ધીરો પડતા ફરી બપોરે ૧૨વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજે ૬ વાગ્યાં સુધી માં ૧૮ઇંચ વરસાદ પડતાં બોડેલીમાં અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી .કુંભારવાડા, દિવાન ફળિયુ અને રઝા નગરમાં પાણી ફરી વળ્યા હતા. પાણીના રોદ્ર સ્વરૂપના પગલે લોકો જીવ બચાવી વિસ્તાર થી બહાર નીકળી ગયા હતા. રઝા નગરમાં અને દિવાન ફળિયામાં ઘણા લોકો ઘરોમાં ફસાતા છોટાઉદેપુર થી બચાવ ટુકડી બોલાવવામાં આવી હતી. બપોરે ૨ વાગે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ ટુકડીના ૧૦ જવાનો અને બોડેલીના પીએસઆઇ સહિત પોલીસના કર્મચારીઓએ કેડ ઉપરાંત પાણીમાં ઊતરી ફસાયેલ લોકોને બહાર કાઢયા હતા.જયારે અલીપુરામાં સાધનના નગર, રામનગર સોસાયટી ગંગાનગર સોસાયટી જેવી અનેક સોસાયટીઓમાં પણ મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને અલીપુરા ચાર રસ્તા ઉપર કેડ સમા પાણી ભરાતા અલીપુરા ના યુવાનોએ રોડની મધ્યનો ડીવાઇડર તોડી પાણીનો નિકાલ કર્યો હતો જયારે કુંભારવાડા માં હરખલી કોતર ના નાળા ના પાણી ભરાતા રહીશાએે નાળા ની સાઈડ ની દીવાલ તોડી નાખી હતી. દિવાન ફળિયામાંથી રેસ્ક્યૂ કરાયેલા લોકોને શિરોલાવાલા હાઇસ્કૂલમાં તથા રઝા નગરના રહીશોને ઢોકલીયા પ્રા.શાળામાં ખસેડવામાં આવ્યા છે. નગરમાં મોડી સાંજે પણ પાણીમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલુ રહી હતી. એક અંદાજ મુજબ ૧૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવરીત વરસી રહેલા મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. વઘઇ-સાપુતારા અને આહવા-વઘઇ થઈ કાલીબેલ વિસ્તારોમાં માર્ગ ઉપર ઠેર-ઠેર વૃક્ષો સહિત માટી,પથ્થર ધસી પડવાના બનાવો બન્યા હતા. કાસવદહાડ-સુંદા વચ્ચે વીજ લાઈન પર વૃક્ષ ધરાશાઇ થયુ હતુ. જામલાપાડા મહાલ માર્ગ ઉપર પથ્થરની શીલા સહિત વીજ પોલ તૂટી પડતા માર્ગ અવરોધવા સાથે કલાકો સુધી આ વિસ્તારમાં વીજ ડુલ થઈ હતી. ભારે વરસાદને પગલે લોકમાતા ખાપરી, પૂર્ણા અને અંબિકા નદી રોદ્ર રૂપ ધારણ કર્યું છે. પીમ્પરી ગામના પશુપાલક અનિલભાઈ વળવીની ગાય ઉપર નળિયાવાળો શેડ તૂટી પડતા ગાયનું મોત થયું હતુ. જ્યારે આહવા તાલુકાના ધવલીદોડ ખાતે રહેતી સુમનબેન ખેતરેથી કામ પૂરું કરી ઘરે પરત ફરતી વેળા નદીમાં પગ લપસી જતા ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી હતી. તેને બચાવવા પતિ રાજેશભાઈએ કોશિષ કરી હતી પણ બચાવી શક્યા ન હતા. જિલ્લામાં કુલ ૨૨ માર્ગો બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ આવાગમન માટે બંધ કરાયા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં છેલ્લાં ત્રણ દિવસથી થયેલા ભારે વરસાદને ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂર આવતા વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી, છતરિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમે સાવચેતીના પગલારૂપે આશરે ૩૫૦ લોકોને સલામત સ્થળે સ્થાળાંતરિત કર્યા હતા. ધરમપુરમાં છેલ્લા બે દિવસમાં ૧૬ ઇંચથી વધારે વરસાદ ખાબકતા નદી પર આવેલા ભૈરવીના મોનિટરિંગ પોઇન્ટ પર ઓરંગા નદી ભયજનક સપાટી વટાવી તોફાની રીતે વહી રહી છે. ભૈરવી નજીક ઓરંગાનું ભયજનક લેવલ ૪ મીટર છે. સવારે નદી ભયજનક સપાટી વટાવી ૬ મીટરે વહી હતી. જ્યારે વલસાડમાં ઓરંગા નદીની ભયજનક સપાટી ૬ મીટર છે, સવારે નદી ભયજનક સપાટી વટાવી ૮.૪૪ મીટરે વહી હતી. જોકે, સાંજે ઉપરવાસમાં વરસાદનું જોર ધીમુ થતાં બંને સ્થળે ઔરંગા નદી ભયજનક સપાટીથી નીચે વહેતી થતાં વહીવટી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લીલાપોર ખાતે ઔરંગા નદીમાં રેતી કાઢતા મજૂરો નદીની મધ્યે ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેને સલામત રીતે બહાર લાવી હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે કાશ્મીર નગરમાં ફસાયેલા ત્રણ જણાનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતુ. નવસારી જિલ્લાનાં ઉપરવાસમાં આવેલા આહવા-ડાંગ સહિત જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા અંબિકા-કાવેરી-ખરેરા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેનાં પગલે ચીખલી-ગણદેવી તાલુકાનાં ગામોમાં પાણી ભરાયા છે. જિલ્લામાંથી ૪૯૧ લોકોનું સ્થળાંતર કરાયું હતુ. જેમાં ચીખલી તાલુકામાં ૩૦૬ લોકોને, વાંસદા તાલુકામાં ૪૦ લોકોને અને ગણદેવી તાલુકામાં ૧૪૫ લોકોનું સ્થળાંતર કરાયું છે. વિતેલા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૪.૫ ઈંચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વાંસદામાં ૧૦.૦ ઈંચ, ચીખલીમાં ૫.૬ ઈંચ, ખેરગામમાં ૫.૫ ઇચ સહિત સર્વત્ર વરસાદથી કાવેરી અને અંબિકા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નવસારી જિલ્લામાં કાવેરી નદી તેની ૧૯ ફૂટની ભયજનક સપાટીથી ઉપર ૨૦.૫૦ ફૂટ પર વહી રહી છે. અંબિકા નદી ૨૮ ફૂટની ભયજનક સપાટીથી ઉપર ૩૬.૪૦ ફૂટ પર વહી રહી છે. જ્યારે પૂર્ણાનદી ૨૩ ફૂટની ભયજનક સપાટીથી નજીક ૧૯.૦ ફૂટ વહી રહી છે. ગણદેવીનાં મોરલી ગામે ઘાસચારો લેવા ગયેલા સાત લોકો અંબિકા નદીનાં પૂરમાં ફસાતા સ્થાનિક લોકોએ તેમને હોડીમાં રેસ્ક્યુ કર્યા હતા. નજીકનાં આવેલા ભાઠા ગામે પૂરનું પાણી ભરાયા હતા. બીલીમોરા સ્મશાનભૂમિ, ધોબીતળાવના રસ્તો અમલસાડ તરફ જતો ગણદેવી-ધમડાછા રોડ, બીલીમોરા-અમદાવાદ નવો પુલ બંધ કરવામાં આવ્યો છે. પૂર્ણા નદીની સપાટી વધતા કુરેલ-સુપા વચ્ચેનાં લો-બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. બીલીમોરાનાં દેસરા રેલવે અંડરપાસમાં કાવેરી પૂરનાં પાણી ફરી વળતા મારૂતી ઈકો કાર ડૂબી હતી. બીલીમોરાનાં લીમડાચોકમાં વર્ષોથી બંધ જર્જરીત મકાન તુટી પડયું હતું. ગણદેવી રોડ પર દત્ત પેટ્રોલપંપ પાસેનું લીમડાનું વૃક્ષ ધરાશયી બનતા સ્ટેટ હાઈવે ટ્રાફિક સ્થગિત થયો હતો.બોડેલીમાં એનડીઆરએફની ટીમ પહોંચીબોેડેલીમાં ફસાયેલા નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ આજે સાંજે આવી પહોંચી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કાર્ય ઝડપથી થાય તે માટે વિવિધ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ આજે આખો દિવસ વ્યસ્ત રહ્યો હતો. 1967 માં બોડેલી બેટમાં ફેરવાયું હતુંઆજ રોજ બપોર ૧૨ થી ૨ માં સમય માં ૬ ઇંચ વરસાદ પડતાં બોડેલી પાણી ભરતા બેટમાં ફેરવાયું હતું જે ઘરોમાં પાણી નતાં ભરાતા તેઓના મકાન માં પાણી ભરાયા હતા અને જાણકારો જણાવ્યા મુજબ ૧૯૬૭ માં આવો જ વરસાદ પડયો હતો. બોડેલી બેટમાં ફેરવાયું હતું. દક્ષિણ ગુજરાતનો વરસાદ ઈંચમાંવલસાડ જિલ્લો
કપરાડા
૬.૫
૪૪.૦
ધરમપુર
૫.૫
૪૧.૦
તાપી જિલ્લો
ડોલવણ
૮.૪
૨૪.૦
કુકરમુંડા
૫.૫
૯.૫
સુરત જિલ્લો
ઉમરપાડા
૫.૧
૨૯.૭
નવસારી જિલ્લો
વાંસદા
૧૦.૦
૩૪.૦
ચીખલી
૫.૬
૩૩.૦
ખેરગામ
૫.૫
૪૨.૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.