ટેન્કર જોતાં જ લોકોની પડાપડી, VIDEO:દિલ્હીવાસીઓ પાણીના એક-એક ટીપા માટે તરસ્યા, ડોલ ભરવા રાતથી જ લાઇનો, કેજરીવાલ પાણી માગવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા - At This Time

ટેન્કર જોતાં જ લોકોની પડાપડી, VIDEO:દિલ્હીવાસીઓ પાણીના એક-એક ટીપા માટે તરસ્યા, ડોલ ભરવા રાતથી જ લાઇનો, કેજરીવાલ પાણી માગવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા


ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારો અસાધારણ ગરમીથી ત્રસ્ત છે. મહત્તમ તાપમાનના વર્ષોજૂના રેકોર્ડ તૂટી રહ્યા છે અને દુર્ભાગ્યપૂર્ણ છે કે હવે લોકોનાં મૃત્યુની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. દેશની રાજધાનીમાં ગરમીની સાથે સાથે પાણીની પણ સમસ્યા લોકો માટે અસહ્ય બની ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણીની ભારે તંગી છે. ટેન્કરને જોઈને લોકો તૂટી પડ્યા ઘણા વિસ્તારોમાં લોકો પાણીનાં ટેન્કરો પાછળ ડોલ અને પાઈપ લઈને દોડતા જોવા મળે છે. લોકો પાણીના ટેન્કરને જોતાંની સાથે જ એના પર તૂટી પડતા હોય એવા ઘણા વીડિયો સામે આવ્યા છે. લોકો લાંબી લાઈનોમાં ઊભા છે. સંકટ એટલું મોટું છે કે દિલ્હી સરકારને ગુરુવારે ઈમર્જન્સી બેઠક બોલાવવી પડી હતી. એવી ગરમી છે કે હીટસ્ટ્રોકના દર્દીઓ માટે આરએમએલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANIએ ગીતા કોલોનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક પાઈપમાંથી પાણી ભરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 'ગરીબોનું કોઈ સાંભળતું નથી'
પાણીની કટોકટી વિશે વાત કરતા કોલોનીના એક રહેવાસીએ કહ્યું, 'આ એક મોટી સમસ્યા છે. એક ટેન્કર આવે છે અને વસતિ ઘણી છે. આટલી મોટી વસતિમાં એક ટેન્કર શું કરશે? સરકારને બે વખત આવેદન આપ્યું, પરંતુ ગરીબોની વાત સાંભળવામાં આવતી નથી. તેમણે કહ્યું હતું કે તેઓ પાણી ખરીદીને પીવે છે અને ઘણી વખત પાણી ભરતી વખતે લોકોને ઈજા થાય છે. આવું જ એક દૃશ્ય દિલ્હીના વિવેકાનંદ કેમ્પમાં જોવા મળે છે, જ્યાં લોકોને પાણી ભરવા માટે લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે. અહીં પાણીના કારણે લોકો વચ્ચે ઝઘડા સામાન્ય બની ગયા છે. અહીંના લોકો સવારે 6 વાગ્યાથી જ પાણીના ટેન્કરની રાહ જોવા લાગે છે. રાતે જ પાણી માટે લાઈન લાગી જાય છે
દિલ્હીના વસંત વિહારમાં કુસુમપુર ટેકરી પર લોકો આકરી ગરમીમાં પણ ટેન્કરમાંથી પાણી લેવા માટે લાઈનમાં ઊભા છે. પાણીની સમસ્યા ખાસ કરીને મહિલાઓને વધુ પરેશાન કરી રહી છે. મોટા ભાગના ઘરના પુરુષો અને છોકરાઓ કામ પર જાય છે, આવી સ્થિતિમાં પાણી ભરવાની જવાબદારી ઘરની મહિલાઓ પર આવે છે. કેટલીક જગ્યાએ તો રાત્રે જ લોકો પાણી માટે કતારોમાં ઊભા રહે છે. કેજરીવાલે ભાજપ પાસે મદદ માગી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જળસંકટ પર કહ્યું, 'આ વખતે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ ગરમી પડી રહી છે, જેના કારણે સમગ્ર દેશમાં પાણી અને વીજળીની કટોકટી છે. આવી આકરી ગરમીમાં પાણીની માગ ઘણી વધી ગઈ છે. તેમણે 'X' પર લખ્યું, 'દિલ્હીને પાડોશી રાજ્યોમાંથી જે પાણી મળતું હતું એ પણ ઓછું થઈ ગયું છે, એટલે કે માગ ઘણી વધી અને પુરવઠો ઘટ્યો. આપણે સૌએ સાથે મળીને આનો ઉકેલ લાવવો પડશે. હું જોઉં છું કે ભાજપના મિત્રો અમારી સામે વિરોધ કરી રહ્યા છે. આનાથી સમસ્યા ઉકેલાશે નહીં. કેજરીવાલે લખ્યું, 'જો ભાજપ હરિયાણા અને યુપીની પોતાની સરકારો સાથે વાત કરે અને એક મહિના માટે દિલ્હીને થોડું પાણી પહોંચાડે તો દિલ્હીના લોકો ભાજપના આ પગલાની ખૂબ પ્રશંસા કરશે. આટલી તીવ્ર ગરમી કોઈના કાબૂની બહાર છે, પરંતુ જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો લોકોને રાહત આપી શકીશું. કેજરીવાલે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો
દિલ્હીમાં જળસંકટને લઈને આમ આદમી પાર્ટી (AAP) સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અરવિંદ કેજરીવાલની સરકારે સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે પાડોશી રાજ્યોને વધુ પાણી છોડવા માટે સૂચનાઓ આપવામાં આવે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની તીવ્ર તંગી છે અને દિલ્હી સરકારનો આરોપ છે કે હરિયાણાએ યમુનામાં પાણીનો પુરવઠો ઓછો કર્યો છે, જેના કારણે સંકટ ઊભું થયું છે. આમ આદમી પાર્ટીની સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને જણાવ્યું છે કે હીટવેવની સ્થિતિને કારણે શહેરમાં પાણીની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. પાડોશી રાજ્યો હરિયાણા, ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશને એક મહિના માટે યમુનામાં વધારાનું પાણી છોડવાની સૂચના આપવી જોઈએ. સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામ કરવું એ દરેકની જવાબદારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.