વિશ્વ યોગ દિવસ : 21 જૂન યોગદિવસ શા માટે ? - At This Time

વિશ્વ યોગ દિવસ : 21 જૂન યોગદિવસ શા માટે ?


યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.
યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરી છે જેમાં અમેરિકા, ચીન, જાપાન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેંદ્રો, યોગ સ્પર્ધાઓ અને ઘણી વધી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે. યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બન્ને લગભગ એકસાથે ચાલ્યા આવે છે. આયુર્વેદ એ ભારતીય ઉપચાર પધ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા, વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.