રાજકોટમાં ભાડે આપવાના બહાને 50 થી વધુ કાર પડાવી લેવાનું કૌભાંડ - At This Time

રાજકોટમાં ભાડે આપવાના બહાને 50 થી વધુ કાર પડાવી લેવાનું કૌભાંડ


રાજકોટમાં ભાડે આપવાના બહાને રૈયારોડ પર આવેલ કનૈયા કેબ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક શ્લોક શુકલા બંધુ અને અમિત ત્રિવેદીની ત્રિપુટીએ અનેક લોકોની કરોડો રૂપિયાની કાર પડાવી ગીરવે મૂકી રૂપીયા પડાવી લેવાનો બનાવ સામે આવ્યો હતો. જયારે રૈયાગામમાં રહેતાં યુવાનને પણ પોતાની કાર આપી ઊંચું ભાડું કમાવવાની લાલચ આપી એક કરોડથી વધુની કાર ગીરવે મૂકી પડાવી છેતરપિંડી આચરતાં યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં રૈયાગામ ચાંદની મંડપ સર્વીસની બાજુમાં રહેતાં જાવીદશા ઇસ્માઇલશા શાહમદાર (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શ્લોક મોનલ શુકલા, હર્ષિલ મોનલ શુકલા અને અમીત મધુકર ત્રિવેદીનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા તે રૈયારોડ ઉપર આવેલ ખોડીયાર હોટલ બેસવા જતો ત્યારે નાગેશ્વર સોસાયટીમાં રહેતાં શ્લોક શુક્લા સાથે ઓળખાણ થયેલી અને ત્યારથી તે બંને સાથે મળીને સિરામીક કપનો ધંધો કરતાં હતાં.
ત્યારબાદ શ્લોકએ પોતાના નામે એક કનૈયા કેબ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સી ચાલુ કરેલી હતી. તેની પાસે એક અર્ટીગા ગાડી હતી. જે ભાડામાં ચલાવતો હતો, ત્યારબાદ તેણે વાત કરેલ કે, તમો ગાડી છોડાવો અને મને આપો હું તમને મહીને રૂ.32 હજાર અપીશ, તેમ વાત કરતાં ફરિયાદીએ પોતાની કાર મૂકેલી હતી. આશરે 5 મહીના તેની પાસે ચલાવેલી.
ત્યારબાદ તે ગાડી પાછી લઇ લીધેલી હતી. દરમ્યાન આરોપી શ્લોક વિશ્ર્વાસ આવતાં તેણે કહેલ તમે તમારા સગા સંબંધી કે મિત્રો પાસે જો આવી ગાડીઓ હોય તો આપણે તેને મહીને રૂ.32 હજાર આપીશુ અને ડ્રાઇવર તથા ડીઝલનો ખર્ચ તે ભોગવશે તેવી વાત કરેલી જેથી ફરિયાદીએ સંબંધીને તથા સગાને વાત કરેલી અને તેમની પાસેની અલગ અલગ કંપનીની ગાડીઓ શ્લોકને તેની રૈયારોડ પર હરી એમ્પાયરમાં આવેલ ઓફિસમાં ગાડીઓના ભાડા કરાર કરેલા અને ગાડીઓ ખોડીયાર હોટેલ સામેથી તેમને સોંપેલ હતી.
જેમાં 6 કાર પોતાની અને અન્ય કાર તેમના મિત્ર મનીષ પંડ્યાની હતી. જે બાદ મનીષ પંડ્યા તેમને મળેલા ત્યારે કહેલ કે, આ શ્લોકએ છેલ્લા બે મહીનાથી ગાડીનું ભાડુ ચૂકવેલ ન હોય અને જેથી તેમની પાસે ગાડીઓ પરત માંગવા જતા તેણે કહેલ મારે પૈસાની જરૂર હોય જેથી આ બધી ગાડીઓ અલગ અલગ જગ્યાએ ગીરવે તથા વેચી દીધેલ હોવાનુ જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ શ્લોકને લઈ પોલીસ સ્ટેશન જતાં હતાં.
ત્યારે રસ્તામાંથી તે ક્યાંક જતો રહેલો હતો અને તેના મકાને તપાસ કરતાં તેના માતા પિતાએ જણાવેલ કે, તેનો દીકરો શ્લોક આ સિવાય અન્ય પણ ગાડીવાળાઓની ગાડીઓ ભાડે રાખી જે ગાડીઓને બારોબાર અન્ય ગ્રાહકોને વેચી તેમની પાસેથી પૈસા લઈ લીધેલ અને જતો રહેલ છે અને જે ગાડીઓ ગીરવે મૂકેલ છે તેનુ લીસ્ટ આપેલ હતું.
ગાડીઓની તપાસ કરતો હતો ત્યારે શ્લોકનો ડ્રાઇવર કૃણાલભાઈ મારુ તેમને મળેલ અને તેણે કહેલ કે, આ શ્લોક તથા અમીત ત્રિવેદી અને શ્લોકનો ભાઇ હર્ષિલ ગાડીઓના સોદા કરી કૃણાલને આ ગાડીઓ મૂકવા જવા માટે મોકલતા હતા. કુણાલને આ બાબતની કોઇ જાણ ન હોવાથી તે ગાડી મુકવા જતો હોવાની વાત કરેલ હતી. તેમજ અન્ય લોકોની કાર પણ ત્રિપુટીએ પડાવી ગીરવે મૂકી દિધી હોવાનું સામે આવ્યાં હતાં.
જેથી તેઓ તેમજ તેમના સગા સબંધીઓ પાસેથી લીધેલ કુલ રૂ.1.09 કરોડની 13 કાર પડાવી લઈ છેતરપિંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં કાર ભાડે આપવાનું કહીં અનેક લોકોની કરોડો રૂપિયાની કાર પડાવી લેવાના કૌભાંડમાં નવો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં કૌભાંડી શ્ર્વોક શુકલા જે કાર ભાડે લઈ ગયેલ હોય તે માલિક પાસે કાર પોલીસે રોકી છે કહીં કાગળિયા મંગાવી લેતો અને બાદમાં તે કાગળિયાના આધારે જામનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં કાર વેંચી મારતો હતો. અનેક કાર તો ભંગાઈ ગયાનું પણ સામે આવ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.