" ડભોઇ અને સંખેડા તાલુકાની વચ્ચે રતનપુર પાસે ઓરસંગ નદીનાં પટમાંથી બીનઅધિકૃત રીતે રેતીનું ખનન "  - At This Time

” ડભોઇ અને સંખેડા તાલુકાની વચ્ચે રતનપુર પાસે ઓરસંગ નદીનાં પટમાંથી બીનઅધિકૃત રીતે રેતીનું ખનન ” 


રિપોર્ટ- નિમેષ સોની,ડભોઈ

     છેલ્લા કેટલાય સમયથી ડભોઇ તાલુકા અને સંખેડા તાલુકાની વચ્ચે આવેલ રતનપુર ગામ પાસે ઓરસંગ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતીનું મોટાપાયે ખનન ચાલી રહ્યું છે .જેના કારણે ડભોઇ તાલુકા અને સંખેડા તાલુકાના ઓરસંગ નદીના કિનારે આવેલા ગામોમાં પીવાનાં પાણીની મોટી સમસ્યા સર્જાય તો કોઈ નવાઈ નહીં. ભૂસ્તર વિભાગનાં હાલમાં ફરજ બજાવતાં જવાબદાર અધિકારીઓની નિષક્રિયતા અને આંખ આડા કાન રૂપની બેદરકારીને કારણે સરકારને અને સ્થાનિક ખેડૂતોને પણ મોટું આર્થિક નુકશાન પહોંચાડવામાં આવી રહયું છે. તેમ છતાં તંત્રની આંખ ખૂલતી નથી. 

            ઓરસંગ નદી ઉપર ડભોઈ તાલુકાનાં કરણેટ ગામ પાસે સંખેડા અને ડભોઈ તાલુકાનાં ગામોનાં ગ્રામજનોને આવાગમન માટે સરળતા રહે તે માટે સરકારશ્રી દ્રારા 2007 માં પુલ બનાવવામાં આવ્યો હતો.આ પુલ પાસે જ બેફામ રીતે રેત ખનન થવાના કારણે  આ પુલના પાયાઓને મોટું નુકશાન થવાનો ભય છે. આ કારણે આ પુલની રોનક પણ ગુમાવી ચૂકે તેવી શક્યતાઓ રહેલી છે.

           રતનપુરના જાગૃત સરપંચે આ બાબતે  પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઓરસંગ નદી ઉપરના પુલને ગેરકાયદે થતી  ખનન પ્રવૃત્તિથી મોટું નુકશાન થઈ રહયું છે. તેમજ આ પુલના પાસે ડભોઇ નગરને પીવાનું પાણી પૂરું પાડતાં ડભોઈ પાલિકાની વોટરવર્કસની ઓફિસ પણ આવેલી છે. આ યોજના મુજબ ઓરસંગ નદીમાં બોરવેલો કરી પાણી મેળવી નગરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ બોરવેલોની તદ્દન નજીકમાં જ ગેરકાયદેસર રીતે મોટાપાયે રેતીનું ખનન ભૂમાફિયાઓ દ્રારા કરવામાં આવી રહયું છે. જેના કારણે પીવાનાં પાણીની મોટી સમસ્યા ઉભી થવાની શક્યતા રહેલી છે. જેથી આ ખનનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્થાનિક અગ્રણીએ ઝુંબેશ ઉપાડી છે.

           આ ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ  છેલ્લા બે - ત્રણ માસ ઉપરાંતથી કરવામાં આવી રહયું છે. જે અંગેની જાણ વહીવટી તંત્રને સ્થાનિકો દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ પ્રવૃત્તિ ઉપર કોઈ પણ પ્રકારના કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી તેવી હકીકત સ્થાનિક અગ્રણી પાસેથી જાણવા મળી રહી છે. 

                   આમ, આ ગેરકાયદે રેતી ખનનું  મુખ્ય કારણ શું છે ? પ્રજાજનો તેનો જવાબ વહીવટી તંત્ર પાસે માંગે રહયાં છે ? શું  વહીવટી તંત્ર આ ખનન પ્રવૃત્તિથી અજાણ છે? શું આ વહીવટી તંત્રને જાણ કરવા છતાં પણ તેઓ સ્થળ વિઝીટ કરતા ગભરાય છે ? કે પછી તેનું સાચું  કારણ તો આવનારો સમય જ બતાવશે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે. 

            સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો આ ગેરકાયદે થતું રેતીનું ખનન ટૂંક સમયમાં બંધ નહીં થાય તો જાગૃત નાગરિકો દ્વારા ગાંધીજી ચીંધ્યા માર્ગે આંદોલન કરી વહીવટી તંત્રના આ અંધેર વહીવટનો પર્દાફાશ કરવામાં આવશે તેવું સ્થાનિક આગેવાનો જણાવી રહયાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.