ઝીરો બજેટ વાળી પ્રાકૃતિક કૃષિને વેગ માટે આપવા ખેડૂતોને અપાય છે સર્વાંગી તાલીમ જમીનની ફળદ્રુપતાથી લઈને પાક સંરક્ષણ, નિંદામણ નિયંત્રણથી લઈને પાકની માવજત સુધીનું માર્ગદર્શન
ઝીરો બજેટ વાળી પ્રાકૃતિક કૃષિને વેગ માટે આપવા ખેડૂતોને અપાય છે સર્વાંગી તાલીમ
જમીનની ફળદ્રુપતાથી લઈને પાક સંરક્ષણ, નિંદામણ નિયંત્રણથી લઈને પાકની માવજત સુધીનું માર્ગદર્શન
૦૦૦૦૦- ખાસ લેખ – સંદીપ કાનાણી -૦૦૦૦૦
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા અભિયાન છેડ્યું છે, પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર મિશન મોડમાં કામ રહી છે. જેના પરિણામે આજે રાજ્યમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે. ઝીરો બજેટવાળી અને ધરતીને નંદનવન બનાવતી પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? તે વિશે ખેડૂતોમાં પૃચ્છા વધવા લાગી છે. જેનો જવાબ છે, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને અપાતી સર્વાંગી તાલીમ.
રાજ્યમાં આત્મા (એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે. ‘‘આત્મા’’ એ જિલ્લા કક્ષાએ કાર્યરત રજિસ્ટર્ડ સોસાયટી છે, જે જિલ્લાના ટકાઉ કૃષિવિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓની સાથે રહીને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે.
પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતો તેના મહત્ત્વથી લઈને, નિંદામણ નિયંત્રણથી લઈ પાકના માવજત સુધીનું ચક્ર પદ્ધતિસર સમજે તે જરૂરી છે. આ માટે ‘‘આત્મા’’એ વિવિધ વિષયો સાથેની તાલીમનું સુવ્યવસ્થિત માળખું (મોડ્યૂલ) તૈયાર કર્યું છે.
આ તાલીમમાં સૌપ્રથમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. જેમાં જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય, ખેતી ખર્ચમાં વધારો તથા કુલ આવકમાં વધારો જેવા વિષયો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
ત્યારબાદ ખેતીમાં મદદરૂપ કુદરતી ચક્રો, પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓ વિષયમાં જળચક્ર, ખાધચક્ર અને નાઈટ્રોજન ચક્રનું માર્ગદર્શન અપાય છે. આ સાથે જીવ દ્રવ્ય (હ્યુમસ), સી.એન. રેશિયો, જમીનનો માનાંક (પી.એચ.) તથા અળસિયા અને માઇક્રોરાઈઝાની ગતિવિધિની સમજ આપવામાં આવે છે.
ઉપરાંત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સુક્ષ્મ જીવાણુંઓ કેટલા ઉપયોગી છે, તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામોમાં (૧) જીવામૃત/ ઘન જીવામૃતઃમહત્વ અને બનાવવાની પદ્ધતિ, (૨) બીજામૃત-મહત્વ અને બનાવવાની પદ્ધતિ, (૩) આચ્છાદનઃમહત્વ અને પ્રકારો, (૪) વાપસાઃખેતી પાકો અને બાગાયતી પાકોમાં પિયત વ્યવસ્થાપન, (૫) સહજીવનઃમિશ્રપાકો, આંતરપાકો પાક ફેરબદલી અને પાક વૈવિધ્યનું માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે.
આ સાથે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં પોષણ વ્યવસ્થા સમજાવવામાં આવે છે. જેમાં છોડના વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક તત્ત્વોના પ્રકાર, છોડના બંધારણમાં તેનું પ્રમાણ તથા જરૂરી તત્ત્વો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં કેવી રીતે ઉપલબ્ધ થાય તેની સમજ, નવધાન્ય પાક પદ્ધતિ તથા માટીના પ્રયોગથી જમીનમાં પોષક તત્વોના ઉમેરાની માહિતી આપવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિમાં પાકનું સંરક્ષણ કેવી રીતે કરવું? તેમાં (૧) કુદરતી દુશ્મનો (પરજીવી તથા પરોપજીવી), (૨) રોગ પ્રતિકારક શક્તિ, (૩) બીજામૃતના ઉપયોગથી પાક સંરક્ષણ, (૪) વિવિધ અસ્રો (અ) જંતુનાશકોઃ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક વગેરે બનાવવાની પદ્ધતિ (તમામ અસ્ત્રોમાં ગૌમૂત્ર અને લીમડાના ઉપયોગનું મહત્ત્વ) - (બ) ફુગનાશકોઃ સૂંઠાસ્ત્ર અને છાસામૃત – બનાવવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપી સમજ કેળવવામાં આવે છે.
આ સાથે પ્રાકૃતિક કૃષિમાં નિંદામણ નિયંત્રણ તેમજ કૃષિ પેદાશોની માવજત માટે સપ્તધાન્યાંકુર અર્કઃ બનાવટ અને છંટકાવની પદ્ધતિ, ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક કૃષિ વચ્ચે સમાનતા તથા તફાવત વિશે માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ શંકા અને સમાધાન માટે પ્રશ્નોત્તરીનું સત્ર પણ યોજવામાં આવે છે.
આ ઉપરાંત ખેડૂતોને (૧) જીવામૃત/ઘનજીવામૃત/ બીજામૃત તેમજ (૨) નિમાસ્ત્ર/ બ્રહ્માસ્ત્ર / અગ્નિઅસ્ત્ર /દશપર્ણી અર્ક / સપ્તધાન્યાકુર અર્ક બનાવવાનું પ્રેક્ટિકલ શિક્ષણ પણ આપવામાં આવે છે.
આ બધા વિષયો સમજ્યા પછી ખેડૂતો ઝીરો બજેટ વાળી પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેના મીઠાફળ સ્વરૂપે ફળદ્રુપ ધરતીમાંથી ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો ઉત્પન્ન કરીને બજારમાં તેના સારા ભાવ મેળવે છે.
મહત્વનું છે કે, રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ મળીને ૧,૪૮,૧૦૫ ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૩૯૫ ખેડૂતો, વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૪,૩૬૨ ખેડૂતો જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૦૧,૩૪૮ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવેલી છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.