રાજકોટમાં કોરોનાનો કેસ આવતા સૌરાષ્ટ્રભરમાં તંત્ર એલર્ટ : ધડાધડ ટેસ્ટીંગ શરૂ - At This Time

રાજકોટમાં કોરોનાનો કેસ આવતા સૌરાષ્ટ્રભરમાં તંત્ર એલર્ટ : ધડાધડ ટેસ્ટીંગ શરૂ


દક્ષિણના રાજયોમાં અને તે બાદ બે દિવસ પહેલા ગાંધીનગરમાં કેરળથી આવેલ બે મહિલા કોરોના સંક્રમિત જાહેર થતા સરકાર સતર્ક બની છે. તેવામાં ગઇકાલે રાજકોટમાં પણ પર વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર તપાસમાં દોડયું છે. હાલ કોઇ ખતરાની વાત નહીં હોવા છતાં પૂરા સૌરાષ્ટ્રમાં આરોગ્ય અને હોસ્પિટલ તંત્રોને સરકારે સતર્ક બનાવ્યા છે.
રાજકોટ શહેરમાં શરદી-ઉધરસના ગંભીર લક્ષણોવાળા દર્દીઓના કોરોના ટેસ્ટીંગ રેન્ડમ શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રોમાં તમામ સુવિધા ઉભી કરાઇ છે. તો કલેકટર અને જિલ્લા પંચાયતની સૂચનાથી સિવિલ હોસ્પિટલથી માંડી પાલિકા અને તાલુકા કક્ષાએ પણ જરૂરી સમીક્ષાઓ કરવામાં આવી છે. કોરોનાની ખતરનાક લહેર વખતે ઓકસીજન સહિતના પ્રશ્નો ઉભા થયા હતા. આ તમામ સુવિધાની ચકાસણી ચાલી રહી છે.
ગઇકાલે કેન્દ્ર સરકારે તમામ રાજયો સાથે ઓનલાઇન મીટીંગ કરી હતી. તે બાદ રાજય, જિલ્લા અને મહાનગરોને સંભવિત કોરોનાની ચિંતા સામે સ્વસ્થ રીતે સતર્ક બનવા સૂચનાઓ આપવામાં આવી છે. હાલ આ લહેરમાં સૌરાષ્ટ્રનો પહેલો કેસ રાજકોટમાં આવી ગયો છે.

રાજકોટ શહેરમાં ગત રર ઓકટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયા બાદ ગઇકાલે બે મહિને ફરી એક કેસ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. વોર્ડ નં.8માં અક્ષર માર્ગ પર રહેતા બાવન વર્ષના મહિલાને કોરોના નિદાન થતા તેમને ઘરમાં આઇસોલેટ કરાયા છે. તેઓને ગંભીર લક્ષણો નથી છતાં હજુ સુુધી ટ્રાવેલ હિસ્ટ્રી મળી ન હોય પરિવાર અને નજીકના લોકોના કોરોના ટેસ્ટ કરાશે. કોર્પોરેશન દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રો પર રેપીડ ટેસ્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે.
મહિનાથી શરદી-ઉધરસના કેસ ખુબ વધ્યા હોય, હવે શંકાસ્પદ દર્દીના કોરોના ટેસ્ટ કરવા નકકી કરાયું છે. જોકે ગભરાટની જરૂર ન હોવા સાથે લોકોને સાવચેત રહેવા પણ અનુરોધ કરાયો છે. તો આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કરાયા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.