હેલ્મેટ પહેરવાનું ભુલતા નહીં : મનપાનો પરિપત્ર
રાજકોટની સરકારી કચેરીમાં સ્ટાફ માટે હેલ્મેટનો ફરજીયાત ઉપયોગ શરૂ કરવામાં આવતા રાજકોટ મહાપાલિકાએ પણ પોતાના કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ પહેરીને જ કચેરીમાં પ્રવેશ લેવા આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
તા.19ના રોજ રાજય સરકારે તમામ સરકારી કચેરીમાં દ્વિચક્રી વાહનમાં આવતા કર્મચારીઓ અને પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ પહેરીને જ પ્રવેશ લેવા હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. હેલ્મેટ વગરના કર્મચારીઓને કચેરીમાં પ્રવેશતા રોકવા પણ સૂચના અપાઇ હતી.
આજે સવારથી મનપા કચેરીના ગેટ પર ટ્રાફિક પોલીસ ગોઠવાઇ હતી અને 40 થી વધુ કર્મચારી સામે હેલ્મેટ ન પહેરવા બદલ કેસ પણ કરતા દોડધામ થઇ હતી. કોઇ સત્તાવાર પરિપત્ર વગર સવારમાં દંડના ચાંદલા થતા ઘણા કર્મચારીઓમાં કચવાટ પણ ફેલાયો હતો.
દરમિયાન કમિશ્નરની સૂચનાથી આજે ડે.કમિશ્નર એચ.આર.પટેલે હેલ્મેટ ઝુંબેશ અંગે પરિપત્ર બહાર પાડયો છે. તેમાં જણાવ્યું છે કે, અકસ્માતોમાં ગંભીર ઇજા કે મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ અને ટ્રાફિક નિયમનું પાલન જરૂરી છે.
ટુ વ્હીલર ચાલકને હેલ્મેટ સુરક્ષા આપે છે. આથી રાજય સરકારની સૂચના મુજબ દરેક કર્મચારી હેલ્મેટનો ફરજીયાત ઉપયોગ કરે તે જરૂરી છે. કર્મચારીઓ અને અધિકારીઓ તથા તેમની પાછળ બેસતા કર્મચારીઓને પણ હેલ્મેટ પહેરીને જ કચેરીમાં આવવા સૂચના અપાઇ છે. બાઇક કે સ્કુટર પર હેલ્મેટ વગર આવતા કર્મચારીઓને રોકવામાં આવશે.
આ રીતે દરેક કર્મચારી આ હુકમનું પાલન કરે તેવી વ્યવસ્થા કરવા દરેક શાખાના અધિકારીઓને ડે.કમિશ્નર દ્વારા જાણ કરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.