પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકારના માર્ગદર્શન અન્વયે મહાઅભિયાન - At This Time

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકારના માર્ગદર્શન અન્વયે મહાઅભિયાન


(અજય ચૌહાણ દ્વારા)
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકારના માર્ગદર્શન અન્વયે મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજે આપણે જાણીશું કે પ્રાકૃતિક કૃષિ શા માટે સર્વાગી રીતે હિતકારી છે. પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. તેમજ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે. તમારા ગામ અને દેશમાં સ્વાવલંબનનું નિર્માણ કરી શકાય છે. જે આપણા મહાન સ્વતંત્ર સેનાની અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આત્મનિર્ભર ભારતના વિચારોને આગળ વધારે છે. પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓ, આનો યોગ્ય અને વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે.ખેતીની જમીનોમાં ઓર્ગેનીક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક, સલ્ફર વગેરે પોષકતત્વોની મોટી ઊણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેતી પ્રવૃતિમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરવો. જેથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા, પોષકતત્વોની ઉપલબ્ધિ વધે છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડુતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ અને દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃત ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ અને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે સારા પરિણામો મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.