એસ.ટી. બસપોર્ટ પાસે રીક્ષા ચાલકોની દાદાગીરી: ડ્રાઇવર સાથે મારામારી - At This Time

એસ.ટી. બસપોર્ટ પાસે રીક્ષા ચાલકોની દાદાગીરી: ડ્રાઇવર સાથે મારામારી


રાજકોટ શહેરના ઢેબર રોડ પર ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એસટી વિભાગનું બસપોર્ટ આવેલું છે અને એસટીની જુદા જુદા રુટોની બસો એસટીના બે પ્રવેશદ્વારો થકી બસપોર્ટમાં પ્રવેશે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બસપોર્ટની બહાર ઢેબર રોડ પર અને બસપોર્ટની પાછળ કનક રોડ પર મજુરી કરતા રીક્ષા ધારકો ખડકાઇ જાય છે જેના કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક સમસ્યા થઇ રહી છે. આ ઉપરાંત અનેક વખત એસટીના ડ્રાઇવરોને રીક્ષા ધારકો સાથે બસને બસપોર્ટમાં લેતા સમયે માથાકુટ થાય છે.
આ વિસ્તારમાં અનેક વખત રીક્ષાચાલકો છેક બસપોર્ટના દરવાજા સુધી આડા ઉભા રહી જાય છે જેના કારણે બસને અંદર લઇ જવામાં ભારે મુશ્કેલી સર્જાઇ છે. એસટીના ચાલકો દ્વારા જો રીક્ષા ચાલકોને દૂર હટવાનું કહેવામાં આવે તો માથાભારે રીક્ષાચાલકો વારંવાર માથાકુટ કરી ક્યારેક હાથાપાઇ ઉપર આવી જાય છે. આવો જ એક બનાવ આજે સવારે ઢેબર રોડ પર બસપોર્ટના દરવાજા સામે બનવા પામ્યો હતો.
આજે સવારે રાજકોટ-જસદણ રુટની એક બસ બસપોર્ટના દરવાજે પ્રવેશવા માટે પહોંચી હતી બરોબર ત્યારે જ એક રીક્ષાચાલક બસપોર્ટના દરવાજાને નડતરરૂપ રીતે બેસી ગયો હોય એસટીના ડ્રાઇવરે આ રીક્ષાને હટાવવા માટે જણાવતા રીક્ષા ચાલક અને તેના અન્ય સાથીદારો ઉશ્કેરાઇ ગયા હતા અને એસટી બસના ડ્રાઇવર સાથે મારામારી કરતાં રોડ પર ભારે હોબાળો મચી ગયો હતો. અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. દરમ્યાન આ માથાકુટને થાળે પાડવા માટે પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી તેવું જાણવા મળી રહ્યું છે.
દરમ્યાન આ ઘટના અંગે રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કઢાવવા માટે તેઓએ ડેપો મેનેજરને સુચના આપી છે તેમજ ડેપો મેનેજરને આ ઘટનામાં જવાબદાર રીક્ષાધારકો સામે પોલીસ ફરિયાદ કરવા પણ સુચના આપી છે. કલોતરાએ એવું પણ જણાવેલ હતું કે ઢેબર રોડ પર અને કનક રોડ પર રીક્ષા ધારકોના દબાણને હટાવવા માટે તેઓએ ટ્રાફિક પોલીસને પણ પત્ર લખી જાણકારી આપી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.