૨૩ અબજના બજેટમાં આવકમાં મોટા ગાબડાની ભીતી
મ્યુનિ. કોર્પોરેશનની ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ૨૩ અબજનું બજેટ વેરવિખેર થવાની ભીતી ઉભી થતાં તંત્રવાહકોમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે. કેમકે આ વખતે ચૂંટણીના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉદ્ઘાટનો અને ઉત્સવો ઉજવા પાછળ અંદાજ કરતા પણ અનેકગણો ખર્ચ વધી ગયો છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મનપા તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩નું અંદાજીત ૨૩૩૪ કરોડનું બજેટ બનાવાયું છે. જેમાં તંત્રએ રેવન્યુમાં ૮૦૦ કરોડ અને કેપીટલમાં ૪૯૮ કરોડ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટની રૂા. ૯૬૮ કરોડ એમ કુલ ૨૩૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ત્યારે આજદિન સુધીમાં કોર્પોરેશનની રેવન્યુ અને કેપીટલમાં ૬૦૦ કરોડની આવક તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટની ૪૫૫ કરોડ સહિત કુલ ૧૦૧૦ કરોડની આવક થવા પામી છે.
સરકારી ગ્રાન્ટ અંદાજ મુજબ મળતી ન હોવાથી અનેક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ છે. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક કરોડરજ્જુ ગણાતી મિલકત વેરાની આજની સ્થિતિએ ૨૨૧ કરોડની આવક થવા પામી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરાનો ૩૪૦ કરોડની લક્ષ્યાંક પૂર્ણ કરવા ૧૧૯ કરોડ જેટલું છેટુ છે. હવે વર્ષ પૂર્ણ થવામાં ત્રણ મહિના બાકી છે ત્યારે આ લક્ષ્યાંક પૂર્ણ કેમ કરવો ? તેની ચિંતા અધિકારીઓને સતાવી રહી છે.
આમ, આ વર્ષે આવક બાજુએ કરોડોનું ગાબડુ પડવાની ભીતી સર્જાય છે ત્યારે રિવાઇઝ બજેટમાં વેરા આવકનો લક્ષ્યાંક ઘટાડવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.