બોટાદ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી રાજ્યની 31 નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટરના ઈ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે બોટાદ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાનેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું.
આ અવસરે નાયબ મુખ્ય દંડકએ જણાવ્યું હતું કે, “નગરજનોને સરકારની વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે જરૂરિયાત મુજબના દાખલાઓ કે પ્રમાણપત્રો એક જ સ્થાનેથી મળી રહે તે માટે રાજ્યની 31 નગરપાલિકાઓ ખાતે સિટી સિવિક સેન્ટરોનું આપણાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં ઇઝ ઓફ લિવિંગના ધ્યેયને સાકાર કરવા જન-જન સુધી સુવિધા પહોંચાડવાની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેમ છે. ત્યારે બોટાદના આંગણે પણ આ અવસર આવ્યો છે. સિવિક સેન્ટર ખાતેથી નાગરિકોને જરૂરિયાતના તમામ દસ્તાવેજો એક જ જગ્યાએથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.”
નાયબ મુખ્ય દંડકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “સમગ્ર રાજ્યમાં કુલ 66 નગરપાલિકાઓ ખાતે આ પ્રકારના સિવિક સેન્ટરનું નિર્માણ કરાશે જે પૈકી કુલ 31 નગરપાલિકાઓ ખાતે આ કામગીરીનો શુભારંભ થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના દિશા- નિદર્શન હેઠળ અનેક કલ્યાણકારી યોજનાઓ સુઅમલી છે. ત્યારે નાગરિકોને સરળતાથી જન્મ-મરણનો દાખલો, ગુમાસ્તા ધારા નોંધણી, વ્યવસાય વેરાની ભરપાઈ, મિલકત વેરાની ભરપાઈ, મકાનના નક્શાની કામગીરી સહિતની વ્યવસ્થા એક જ સ્થાનેથી મળી રહેવાની છે. લોકોને શ્રેષ્ઠ સુવિધા સુગમતાથી મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે બોટાદના નગરજનો પણ આ સુવિધાથી લાભાન્વિત થશે.” તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ તકે ઉપસ્થિતોએ મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. બોટાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નાગરિકોને પ્રમાણપત્રો તેમજ વેરાની પહોંચ આપીને કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે મહત્વનું છે કે. આ 31 સિટી સિવિક સેન્ટર્સના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર ઉપરાંત પાટડી, કપડવંજ, બોટાદ, ઠાસરા, જેતપુર, ગોંડલ, સિક્કા, ઓખા, પાટણ, સિદ્ધપુર, ઊંજા, ધાનેરા, માણસા, શહેરા, હાલોલ, આણંદ, પેટલાદ, સંતરામપૂર, ઝાલોદ, ધરમપૂર, જંબુસર, બારડોલી, બિલિમોરા, સોનગઢ, મહુવા, કોડીનાર, વિસાવદર, બાબરા, પાલિતાણા અને માંગરોળ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવા સિટી સિવિક સેન્ટર્સમાં મિલ્કત વેરા, હોલ બૂકિંગ, વેરા આકારણી અરજી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, જન્મ મરણના દાખલા, ગુમાસ્તાધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે.
બોટાદ નગરપાલિકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, અગ્રણી રસીકભાઈ ભુંગાણી, ચંદુભાઈ સાવલિયા, જગદીશભાઈ ચૌહાણ, ભીખુભાઈ વાઘેલા, પાલજીભાઈ પરમાર સહિતના અગ્રણીશ્રીઓ તેમજ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થવન ગોસ્વામી સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.