એરપોર્ટ રોડ પર ટોળાએ અનિશ લાખાણીના પાર્લરમાંથી દૂધની ૭૦ થેલીઓ ઢોળી નાખી - At This Time

એરપોર્ટ રોડ પર ટોળાએ અનિશ લાખાણીના પાર્લરમાંથી દૂધની ૭૦ થેલીઓ ઢોળી નાખી


રાજકોટ તા. ૨૧: માલધારી સમાજે આજે પોતાના વિવિધ પ્રશ્નો સંદર્ભે સરકારે ધ્‍યાન આપ્‍યું નહિ હોવાના રોષ સાથે દૂધ વિતરણ બંધનું એલાન આપ્‍યું હોઇ શાંતિ પુર્વક રીતે વિરોધ કરવાનું નક્કી થયું હતું. પરંતુ આ વચ્‍ચે આજે સવારે શહેરના એરપોર્ટ રોડ પર મારૂતિનગર સામે આવેલા એક દૂધ પાર્લરમાં પંદર વીસ શખ્‍સોના ટોળાએ ધસી આવી પાર્લર સંચાલક સાથે લપ કરી એક એક લિટરની દૂધની ૭૦ જેટલી કોથળીઓ ઢોળી નાખી નુકસાન કર્યુ હતું. જો કે પાર્લર સંચાલકે આ મામલે કોઇ ફરિયાદ નોંધાવી નથી.
જાણવા મળ્‍યા મુજબ અનિશભાઇ મહેબૂબભાઇ લાખાણી નામના યુવાન સવારે એરપોર્ટ રોડ પર આવેલા પોતાના રાજકોટ ડેરી નામના દૂધના પાર્લર પર હતાં ત્‍યારે પંદર વીસ જેટલા શખ્‍સો આવ્‍યા હતાં અને આજે દૂધ વિતરણ બંધ રાખવાનું છે છતાં તમે કેમ દૂકાન ખુલ્લી રાખી દૂધ વેંચો છો? તેમ કહેતાં અનિશભાઇએ અમને કોઇ સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નહોતી. આમ છતાં તમે કહેતાં હો તો વિતરણ બંધ કરી દઉં તેમ જણાવતાં આ શખ્‍સોએ તેની વાત સાંભળી નહોતી અને દૂકાન અંદર ઘુસી ફ્રીઝમાંથી દૂધની થેલીઓ કાઢી બહાર લઇ જઇ તોડીને દૂધ ઢોળી નાંખ્‍યું હતું.
અનિશભાઇના કહેવા મુજબ એક એક લિટરના દૂધની સિત્તેર જેટલી થેલીઓ હતી તે ઢોળી નાંખી નુકસાન કરીને આ શખ્‍સો ભાગી ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. જો કે અનિશભાઇએ હાલ ફરિયાદ નોંધાવવાનો ઇન્‍કાર કર્યો હતો. ટોળામાં સામેલ શખ્‍સો ટુવ્‍હીલર પર આવ્‍યા હતાં. આસપાસમાં કોઇ સીસીટીવી ફૂટેજ ન હોઇ પોલીસે ટોળુ જે તરફથી આવ્‍યું હતું એ તરફના રસ્‍તાઓ પર કેમેરા ચેક કરવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ સંદર્ભે શહેરના માલધારી આગેવાનને પુછવામાં આવતાં તેમણે કોઇપણ જાતની બળજબરી થઇ હોવાના વાવડ નહિ હોવાનું અને શાંતિપુર્વક વિરોધ કરવામાં આવી રહ્યાનું જણાવ્‍યું હતું. અ રોડ પર પોલીસની પીસીઆર હોલ્‍ટ રાખવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.